સ્પોર્ટ્સ ડેસ્ક6 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસેથી એક્સ્ટ્રા બોનસ લેવાનો ઇનકાર કરી દીધો છે. દ્રવિડ તેના બાકીના કોચિંગ સ્ટાફ જેટલી જ ઈનામી રકમ ઈચ્છે છે. આનો અર્થ એ થયો કે દ્રવિડ ₹5 કરોડમાંથી ₹2.5 કરોડમાંથી અડધો ભાગ લેશે.
BCCIએ T-20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 125 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપ્યું છે. આ ઈનામી રકમ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના 42 સભ્યોમાં વહેંચવામાં આવી છે. 125 કરોડ રૂપિયામાંથી ટીમના તમામ 15 સભ્યો અને કોચ રાહુલ દ્રવિડને 5-5 કરોડ રૂપિયા મળવાના છે.
કોચિંગ સ્ટાફના બાકીના સભ્યોને 2.5 કરોડ રૂપિયાનો હિસ્સો મળવાનો છે. T-20 વર્લ્ડ કપમાં દ્રવિડની સાથે સપોર્ટ સ્ટાફમાં વિક્રમ રાઠોડ, પારસ મહામ્બ્રે અને ટી દિલીપનો સમાવેશ થાય છે. પરંતુ, હવે દ્રવિડ બાકીના સ્ટાફ જેટલો જ ઈનામ માગે છે એટલે કે ₹2.5 કરોડ.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, BCCIના એક સૂત્રએ કહ્યું, ‘રાહુલને તેના સપોર્ટ સ્ટાફ જેટલી જ બોનસ રકમ જોઈતી હતી. અમે તેમની ભાવનાઓનું સન્માન કરીએ છીએ.’
નવેમ્બર 2021માં દ્રવિડ હેડકોચ બન્યા હતા
રાહુલ દ્રવિડને નવેમ્બર 2021માં ભારતના હેડ કોચ બનાવ્યા હતો, જ્યારે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપના ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. ટીમે 2022 T20 વર્લ્ડ કપમાં ફરીથી સેમિફાઈનલ રમી હતી. 2023માં ODI વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચવાને કારણે તેમનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ સુધી લંબાવવામાં આવ્યો હતો. ત્યારબાદ દ્રવિડે ભારતને T-20માં વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. 29 જૂને ભારતે સાઉથ આફ્રિકાને 7 રને હરાવીને T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.
દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ 2023માં એશિયા કપ પણ જીત્યો છે. ભારતે યજમાન શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો
ટીમ ઈન્ડિયાએ 29 જૂને T-20 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. અગાઉ તે 2007માં બની હતી. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત કર્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું.