સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
શનિવારે, દુલીપ ટ્રોફીના બીજા દિવસે, ઈન્ડિયા-Aએ ઈન્ડિયા-B સામે તેની પ્રથમ ઇનિંગમાં 2 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા હતા. રાયન પરાગ (27) અને કેએલ રાહુલ (23)ની જોડી અણનમ પરત ફરી છે.
અન્ય મેચમાં, ઈન્ડિયા-Dએ ઈન્ડિયા-C સામે તેની બીજી ઇનિંગમાં 8 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા છે. અક્ષર પટેલ (11) અને હર્ષિત રાણા (0)ની જોડી અણનમ છે.
પરાગ-રાહુલે અણનમ અડધી સદીની ભાગીદારી કરી ઈન્ડિયા-Bના પ્રથમ દાવના જવાબમાં બેટિંગ કરવા આવતા ઈન્ડિયા-Aને કેપ્ટન શુભમન ગિલ (25) અને મયંક અગ્રવાલ (36)ની ઓપનિંગ જોડી તરફથી સારી શરૂઆત મળી હતી. બંને બેટર્સે 57 રનની અડધી સદીની ભાગીદારી રમી હતી. જોકે, નવદીપ સૈનીએ એક પછી એક બન્ને સેટ બેટર્સને પેવેલિયન મોકલીને ઈન્ડિયા-Aને બેવડો ઝટકો આપ્યો હતો.
આ બેવડા આંચકા પછી રિયાન પરાગ અને કેએલ રાહુલની જોડીએ ઈન્ડિયા-Aની ઇનિંગ્સને સંભાળી લીધી હતી. બંને બેટર્સે ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી અને ટીમનો સ્કોર 100 રનથી આગળ લઈ ગયો. બીજા દિવસના અંત સુધીમાં બંને બેટર્સે 68 રનની અણનમ ભાગીદારી કરી હતી.
રિયાન પરાગ અને કેએલ રાહુલે ત્રીજી વિકેટ માટે અણનમ અડધી સદીની ભાગીદારી કરી હતી.
શ્રેયસ-પડિકલે અડધી સદી ફટકારી બીજી તરફ પ્રથમ દાવમાં 4 રનથી પાછળ પડ્યા બાદ બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવેલી ઈન્ડિયા-Dની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી હતી. અર્થવ તાયડે (15) અને યશ દુબે (5)ની ઓપનિંગ જોડી ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ. પરંતુ કેપ્ટન શ્રેયસ અય્યર (54) અને દેવદત્ત પડિકલ (56) અડધી સદી રમીને ઈન્ડિયા-Dની ઇનિંગ્સને સંભાળી લીધી હતી.
આ બંને બેટર્સ પેવેલિયન પરત ફર્યા બાદ રિકી ભુઈએ પણ 44 રનની સારી ઇનિંગ રમી હતી. આ દરમિયાન યુવા સ્પિનર માનવ સુથારે ઈન્ડિયા-Dના અન્ય બેટર્સને ખૂબ પરેશાન કર્યા હતા. તેણે માત્ર 30 રન આપીને 5 બેટર્સને પેવેલિયન મોકલી દીધા હતા.
શ્રેયસ અય્યર અને દેવદત્ત પડિકલે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.
ઈન્ડિયા-B તેની પ્રથમ ઇનિંગમાં 321 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અગાઉ, ઈન્ડિયા-B તેની પ્રથમ ઇનિંગમાં 321 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે મુશીર ખાને 181 રનની ઇનિંગ રમી હતી. મુશીરે 373 બોલમાં 16 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
જ્યારે ઈન્ડિયા-C 168 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અનંતપુરમાં રમાઈ રહેલી મેચમાં ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા-Cને પ્રથમ દાવમાં 4 રનની લીડ મળી હતી.
મુશીર-નવદીપે આઠમી વિકેટ માટે 205 રનની ભાગીદારી કરી બેંગલુરુમાં ઈન્ડિયા-A અને ઈન્ડિયા-B વચ્ચે રમાઈ રહેલી મેચમાં મુશીર ખાન સિવાય નવદીપ સૈનીએ A માટે 56 રનની ઇનિંગ રમી હતી. બંને વચ્ચે આઠમી વિકેટ માટે 403 બોલમાં 205 રનની ભાગીદારી થઈ હતી.
આ બે ખેલાડીઓ સિવાય ઓપનર યશસ્વી જયસ્વાલ 30 રન બનાવીને આઉટ થયો હતો અને કેપ્ટન ઈશ્વરન પ્રથમ દાવમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. સરફરાઝ ખાન 9 રને, રિષભ પંત 7 રને આઉટ થયો હતો. નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર ખાતું ખોલાવી શક્યા ન હતા. ઈન્ડિયા-A તરફથી આકાશ દીપે 4 વિકેટ ઝડપી હતી. ખલીલ અહેમદ અને આવેશ ખાનને 2-2 વિકેટ મળી હતી. કુલદીપ યાદવે એક વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદર રન આઉટ થયો હતો.
બાબા ઈન્દ્રજીતે 149 બોલમાં 72 રન બનાવ્યા ઈન્ડિયા-C માટે બાબા ઈન્દ્રજીતે 149 બોલમાં 72 રનની અડધી સદી ફટકારી હતી. વિકેટકીપર બેટર અભિષેક પોરેલે 34 રનનું યોગદાન આપ્યું હતું. બાકીના બેટર્સ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં ઈન્ડિયા-D તરફથી હર્ષિત રાણાએ 4 વિકેટ લીધી હતી. અક્ષર પટેલ અને સારાંશ જૈનને 2-2 વિકેટ મળી હતી.
1. ઈન્ડિયા-A Vs ઈન્ડિયા-B: પ્રથમ સત્રમાં બોલરો ખાલી હાથ રહ્યા હતા બીજા દિવસે, ઈન્ડિયા-B એ 202/7ના સ્કોરથી રમત શરૂ કરી. સેન્ચ્યુરિયન મુશીર ખાને 105 રન બનાવ્યા અને નવદીપ સૈનીએ 29 રન સાથે પોતાની ઇનિંગ આગળ વધારી. અહીં મુશીરે ઝડપી સ્કોર કર્યો અને 150 રનનો આંકડો પાર કર્યો, જ્યારે નવદીપે સંયમ સાથે દાવને આગળ વધાર્યો. તે પણ ફિફ્ટીની નજીક પહોંચી ગયો હતો. આ સત્ર દરમિયાન ઈન્ડિયા-A ના બોલરો વિકેટની શોધમાં હતા.
2. ઈન્ડિયા-C Vs India-D: પોરેલ આઉટ થતાં જ ટીમ વેરવિખેર થઈ ગઈ ઈન્ડિયા-Cએ પહેલા દિવસે 94 રન પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં બાબા ઇન્દ્રજીત અને અભિષેક પોરેલે ઇનિંગ્સને આગળ ધપાવી હતી, પરંતુ અભિષેક 34 રન બનાવીને આઉટ થયો હતો. તેને હર્ષિત રાણાએ LBW આઉટ કર્યો હતો. પોરેલના આઉટ થયા બાદ ઈન્દ્રજીતને કોઈનો સાથ મળ્યો ન હતો. તે એક છેડેથી રન બનાવતા રહ્યા અને બીજા છેડેથી વિકેટો પડતી રહી. નીચલા ક્રમમાં માનવ સુથારે 1 રન, હૃતિક શોકિને 5 રન, વિજયકુમાર વૈશાખે 1 રન અને અંશુલ કંબોજે 2 રન બનાવ્યા હતા.
પ્રથમ દિવસની રમત…
મુશીર ખાને સદી ફટકારી, સૈની સાથે સદીની ભાગીદારી કરી
મુશીર ખાને મેચના પહેલા દિવસે સદી પૂરી કરી હતી. તે 105 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે નવદીપ સૈની 29 રન બનાવી અણનમ રહ્યો હતો. B ટીમે 7 વિકેટ લઈને 202 રન બનાવ્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલ 30 રન બનાવીને આઉટ થયો હતો અને કેપ્ટન ઇશ્વરન 13 રન બનાવીને આઉટ થયો હતો. સરફરાઝ ખાન 9 રને, રિષભ પંત 7 રને આઉટ થયો હતો. નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર ખાતું ખોલાવી શક્યા ન હતા. ઈન્ડિયા-Aના ખલીલ અહેમદ, આકાશ દીપ અને આવેશ ખાને 2-2 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદર રન આઉટ થયો હતો.
2. ભારત C 164 રનમાં ઓલઆઉટ, અક્ષરની ફિફ્ટી
શ્રેયસ અય્યરની આગેવાનીમાં રમી રહેલી ઈન્ડિયા-D 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલે 86 રનનું યોગદાન આપ્યું હતું. બાકીના બેટર્સ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. પહેલા દિવસે ઈન્ડિયા-Cએ 4 વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા હતા.
ઈન્ડિયા-D ટીમે 4 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. અહીં ઓપનર અથર્વ તાયડે 4 રન બનાવીને આઉટ થયો હતો. અંશુલ કંબોજે તેને વિજયકુમાર વૈશાખના હાથે કેચ કરાવ્યો હતો. તાયડેની પાછળ યશ દુબે પણ 10 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન શ્રેયસ અય્યર પણ માત્ર 9 રન બનાવી શક્યો હતો. દેવદત્ત પડિકલ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ટીમના ટોપ-6 બેટર્સમાંથી 4 બે આંકડાને પાર કરી શક્યા ન હતા.
76ના સ્કોર પર 8 વિકેટ ગુમાવ્યા બાદ અક્ષર પટેલે ઇનિંગને સંભાળી લીધી અને 86 રનની ઇનિંગ રમીને સ્કોરને 150ની પાર લઈ ગયો. ઈન્ડિયા-C તરફથી વિજયકુમાર વૈશાખે 3 વિકેટ ઝડપી હતી. અંશુલ કંબોજ અને હિમાંશુ ચૌહાણે 2-2 વિકેટ લીધી હતી.