લંડન11 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શુક્રવારે મેચના બીજા દિવસે ઇંગ્લેન્ડ તરફથી ઝડપી બોલર ગસ એટકિન્સને સદી ફટકારી હતી. એટકિનસનની સદીના આધારે ટીમે પ્રથમ દાવમાં 427 રન બનાવ્યા હતા.
શ્રીલંકાએ પ્રથમ દાવની શરૂઆત કરી હતી, પરંતુ ટીમ 196 રન જ બનાવી શકી હતી. બીજા જ દિવસે ઇંગ્લેન્ડે તેનો બીજો દાવ શરૂ કર્યો હતો, ટીમે 1 વિકેટ ગુમાવીને 25 રન બનાવ્યા હતા. આ રીતે તેમની પાસે હાલમાં 256 રનની લીડ છે. ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે કારકિર્દીની 33મી સદી ફટકારી હતી. તેણે 143 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડોએ 5 વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડે પહેલા દિવસે 7 વિકેટ ગુમાવી દીધી હતી
ઇંગ્લેન્ડે પહેલા દિવસે 7 વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા હતા. બીજા દિવસે ગસ એટકિન્સને 74 રન બનાવ્યા અને મેથ્યુ પોટ્સે 20 રનના સ્કોર સાથે પોતાની ઇનિંગ આગળ ધપાવી. એટકિન્સને ઝડપથી સ્કોર કરવાનું ચાલુ રાખ્યું અને કારકિર્દીની પ્રથમ સદી ફટકારી. એટકિન્સન 115 બોલમાં 118 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોટ્સ સાથે 85 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પહેલા તેણે જો રૂટ સાથે 92 રનની ભાગીદારી પણ કરી હતી.
રત્નાયકે એક ઉત્તમ ડાઇવિંગ કેચ લીધો
એટકિન્સન ઇંગ્લેન્ડની 9મી વિકેટ તરીકે આઉટ થયો હતો. અસિથા ફર્નાન્ડોએ તેની તરફ શોર્ટ પિચ બોલ ફેંક્યો, એટકિન્સને પુલ શોટ રમ્યો. બોલ બાઉન્ડ્રી તરફ જતો હતો ત્યારે મિલન રત્નાયકે પાછળની હવામાં ડાઇવ કરીને એક શાનદાર કેચ લીધો હતો. એટકિન્સને 118 રનની ઈનિંગમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
મિલન રત્નાયકે હવામાં પાછળની તરફ ડાઇવ કરીને એક શાનદાર કેચ લીધો હતો.
ફર્નાન્ડોએ 5 વિકેટ લીધી
અંતમાં ઇંગ્લેન્ડ તરફથી મેથ્યુ પોટ્સે 21 રન, ઓલી સ્ટોને 15 રન અને શોએબ બશીરે 7 રન બનાવ્યા હતા. ટીમે 102 ઓવરની બેટિંગ કરીને 427 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડોએ 5 વિકેટ લીધી હતી. મિલન રત્નાયકે અને લાહિરુ કુમારાએ 2-2 જ્યારે પ્રબથ જયસૂર્યાએ એક વિકેટ લીધી હતી.
પ્રથમ સેશનમાં શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી
પ્રથમ સત્રના અંત સુધીમાં શ્રીલંકાએ પણ પ્રથમ દાવની શરૂઆત કરી હતી. ટીમે 9.1 ઓવર બાદ 2 વિકેટ ગુમાવીને 32 રન બનાવ્યા હતા. નિશાન મદુષ્કા અને દિમુથ કરુણારત્ને 7-7 રન બનાવીને આઉટ થયા હતા. પથુમ નિસાંકા 10 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સ અને ઓલી સ્ટોને 1-1 વિકેટ લીધી હતી.
શ્રીલંકાએ બીજા સેશનમાં વધુ 5 વિકેટ ગુમાવી દીધી
શ્રીલંકાએ બીજા સત્રમાં 32/2ના સ્કોર સાથે તેની ઇનિંગ્સ આગળ વધારી હતી. 129 રનના સ્કોર સુધી ટીમે 7 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ તરફથી કામિન્દુ મેન્ડિસ 26 રન બનાવ્યા બાદ પ્રબથ જયસૂર્યા સાથે અણનમ રહ્યો હતો. મિલન રત્નાયકે 19, દિનેશ ચાંદીમલે 23, એન્જેલો મેથ્યુસે 22 અને પથુમ નિસાંકાએ 12 રન બનાવ્યા હતા. શ્રીલંકાના 3 બેટર્સ 10 રનનો આંકડો પણ પાર શક્યા ન હતા.
ગસ એટકિન્સને સદી ફટકાર્યા બાદ પ્રથમ દાવમાં પણ 2 વિકેટ ઝડપી હતી.
શ્રીલંકા 196 રન બનાવીને ઓલઆઉટ, મેન્ડિસની ફિફ્ટી
કામિન્દુ મેન્ડિસે ત્રીજા સેશનમાં એક છેડો પકડી રાખ્યો હતો. તેણે ફિફ્ટી ફટકારી અને ટેલલેન્ડર્સ સાથે મળીને ટીમને 200ની નજીક પહોંચાડી દીધી. જો કે શ્રીલંકા 196 રન જ બનાવી શકી હતી. મેન્ડિસ 74 રન બનાવીને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સ, ગુસ એટકિન્સન, ઓલી સ્ટોન અને મેથ્યુ પોટ્સને 2-2 વિકેટ મળી હતી. શોએબ બશીરને પણ સફળતા મળી હતી, જ્યારે એક બેટર રનઆઉટ થયો હતો.
ઇંગ્લેન્ડે એક વિકેટ ગુમાવી હતી
ઇંગ્લેન્ડે પણ ત્રીજા સેશનમાં જ તેની બીજી ઇનિંગની શરૂઆત કરી હતી. ટીમે 7 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 25 રન બનાવ્યા હતા. બેન ડકેટ 25 રન અને ઓલી પોપ 2 રન બનાવીને અણનમ રહ્યા હતા. ડેન લોરેન્સ 7 રન બનાવીને લાહિરુ કુમારાનો શિકાર બન્યો હતો.
જો રૂટે પ્રથમ દિવસે સદી ફટકારી હતી
પ્રથમ દિવસે ટૉસ હાર્યા બાદ ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી હતી. ટીમે 216 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ રૂટ એક છેડે રહ્યો હતો. તેણે હેરી બ્રૂક અને જેમી સ્મિથ સાથે ભાગીદારી કરીને ટીમને 200થી આગળ લઈ ગયો. દિવસની રમત પૂરી થાય તે પહેલા રૂટ 143 રન બનાવીને આઉટ થયો હતો. આ તેની કારકિર્દીની 33મી સદી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…