2 કલાક પેહલા
- કૉપી લિંક
બેટર રહેમાનુલ્લા ગુરબાઝની સદીની મદદથી અફઘાનિસ્તાનની ટીમે શુક્રવારે શારજાહમાં રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં UAEને 72 રને હરાવ્યું હતું. ચાર દિવસ પહેલા અફઘાનિસ્તાન ક્રિકેટ એસોસિયેશન દ્વારા પ્રતિબંધિત ત્રણમાંથી બે ખેલાડીઓ ફઝલ હક ફારૂકી અને નવીન ઉલ હક આ મેચમાં રમ્યા હતા.
UAEએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું. અફઘાનિસ્તાને 3 વિકેટના નુકસાન પર 203 રન બનાવ્યા હતા. 204 રનના લક્ષ્યાંકને ચેઝ કરવા ઉતરેલી UAEની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે 131 રન જ બનાવી શકી હતી.
પાવર પ્લેમાં અફઘાનિસ્તાને 45 રન બનાવ્યા
અરવિંદે 31 રનના સ્કોર પર અફઘાનિસ્તાનને પહેલો ઝટકો આપ્યો હતો. તેણે ઓપનર હઝરતુલ્લાહ ઝઝાઈને અયાન અફઝલના હાથે કેચ કરાવીને પેવેલિયન મોકલ્યો હતો. ઝઝાઈએ 16 બોલનો સામનો કર્યો અને 13 રન બનાવ્યા. અફઘાનિસ્તાને પાવર પ્લેમાં 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 45 રન બનાવ્યા હતા.
બીજા ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાન સાથે મળીને ઈનિંગ્સને સંભાળી અને સ્કોર 168 રન સુધી પહોંચાડ્યો. ગુરબાઝ અને ઝદરાન વચ્ચે 77 બોલમાં 137 રનની ભાગીદારી થઈ હતી. ગુરબાઝ 52 બોલમાં 100 રન બનાવીને આઉટ થયો હતો.
રહેમાનુલ્લા ગુરબાઝે આ દરમિયાન પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. રહેમાનુલ્લા ગુરબાઝે 192.31ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. રહેમાનુલ્લા ગુરબાઝ સિવાય ઈબ્રાહિમ ઝદરાને 43 બોલમાં 59 રનની ઈનિંગ રમી હતી. ઇબ્રાહિમ ઝદરાનની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. છેલ્લી ઓવરોમાં અઝમતુલ્લા ઓમરઝાઈએ 8 બોલમાં 19 રન ફટકારીને અફઘાનિસ્તાનના સ્કોરને 200 રનની પાર પહોંચાડી દીધો હતો.
UAEએ 23 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી
204 રનના ટાર્ગેટને ચેઝ કરતી વખતે UAEએ 23 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. 56 રનના સ્કોર પર તેના ચાર ખેલાડીઓ પેવેલિયનમાં જતા રહ્યા હતા. UAE તરફથી અરવિંદ સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. તેણે 64 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. અરવિંદે પહેલા બાસિલ અહેમદ સાથે 33 રનની ભાગીદારી કરી અને પછી તનીશ સૂરી સાથે 61 બોલમાં 75 રનની ભાગીદારી કરી.
ફારૂકીએ 2 અને નવીને 1 વિકેટ લીધી
અફઘાનિસ્તાન તરફથી ફઝલ હક ફારુકીએ 4 ઓવરમાં 19 રન આપીને 2 અને નવીન ઉલ હકે 4 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી હતી.
ક્રિકેટ બોર્ડે ફારૂકી અને નવીન ઉલ હક સહિત ત્રણ ખેલાડીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો
ફઝલ હક ફારૂકી અને નવીન ઉલ હક એ ત્રણ ખેલાડીઓમાંથી બે છે જેમણે ચાર દિવસ પહેલા અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેમના વાર્ષિક કરારમાંથી મુક્ત થવાની વિનંતી કર્યા પછી બે વર્ષ માટે NOC ન આપવાનો નિર્ણય લીધો હતો.
ACBએ કહ્યું કે, પ્રતિબંધ બાદ ખેલાડીઓએ પુનર્વિચાર કરવા વિનંતી કરી છે
એસીબીના નિવેદનમાં જણાવાયું છે કે ‘તે બધાએ એસીબીનો સંપર્ક કર્યો છે અને ફરીથી તેમના દેશનું પ્રતિનિધિત્વ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને સમિતિને તેમની સામે શિસ્તભંગના પગલાં લાદવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે.’ જે બાદ તેમને UAE સામેની ત્રણ T20 મેચની સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.