સ્પોર્ટ્સ ડેસ્ક17 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર ડેવિડ જોહ્ન્સન(52)નું 20 જૂન, ગુરુવારે બેંગલુરુમાં અવસાન થયું હતું. તેમણે પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. જોહ્ન્સનને 1996માં ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે ત્રણ વિકેટ ઝડપી હતી.
જોહ્ન્સને ડોમેસ્ટિકમાં કર્ણાટક માટે 39 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમી હતી. જેમાં તેમણે 125 વિકેટ ઝડપી હતી. તેણે ચાર વખત 5 વિકેટ લીધી હતી. જોહ્ન્સન સૌથી ઝડપી ભારતીય બોલરોમાંથી એક હતા. 1995-96 રણજી ટ્રોફી સિઝન દરમિયાન, તેમણે કેરળ સામે 152 રન આપીને 10 વિકેટ લીધી હતી. આ કારણે તેમને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું.
1996માં ડેબ્યૂ કર્યું, ત્યારબાદ દક્ષિણ આફ્રિકા પણ ગયા
ડેવિડે 1996માં ઓસ્ટ્રેલિયા સામે નવી દિલ્હીમાં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના ભારતના પ્રવાસ દરમિયાન તેઓ માઈકલ સ્લેટરને આઉટ કરવામાં સફળ રહ્યા હતા. જમણા હાથનો આ બોલર પણ દક્ષિણ આફ્રિકા પ્રવાસનો એક ભાગ હતા, પરંતુ તેમને માત્ર પ્રથમ ટેસ્ટમાં જ રમવાની તક મળી, જેમાં તેમણે હર્શલ ગિબ્સ અને બ્રાયન મેકમિલનની વિકેટ લીધી હતી.
જય શાહ અને અનિલ કુંબલેએ શ્રદ્ધાંજલિ આપી
BCCIના સચિવ જય શાહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. શાહે લખ્યું, અમારા ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર ડેવિડ જોહ્ન્સનના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. રમતમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. ભૂતપૂર્વ ભારતીય લેગ સ્પિનર અનિલ કુંબલેએ X પર લખ્યું, મારા ક્રિકેટ પાર્ટનર ડેવિડ જોહ્ન્સનના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. બહુ જલ્દી ગયો ‘બેની’.
ફિટનેસના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંઘર્ષ કરવો પડ્યો હતો
તેમની તેજસ્વી શરૂઆત અને ઉત્કૃષ્ટ સ્પીડ હોવા છતાં, જોહ્ન્સન સાતત્ય અને ફિટનેસ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. જોહ્ન્સનને કર્ણાટક માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું, જ્યાં તેમને વધુ સફળતા મળી. તેમણે પોતાની ટીમના બોલિંગ આક્રમણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રમતમાંથી નિવૃત્તિ લીધા પછી, તેઓ યુવા ક્રિકેટરોને કોચિંગ અને માર્ગદર્શન આપતા હતા.