12 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટેસ્ટ ક્રિકેટમાં કમબેક કરવા માગે છે. હાલમાં જ હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક રેડ બોલ માટે સખત મહેનત કરતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાને ફિટનેસની સમસ્યા છે અને તેથી જ BCCI તેને ટેસ્ટ ક્રિકેટમાં તક નથી આપતું.
તેણે ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ 6 વર્ષ પહેલા 2018માં ઇંગ્લેન્ડ સામે રમી હતી. ભારત તરફથી રમાયેલી 11 ટેસ્ટમાં તેના નામે 17 વિકેટ અને 532 રન છે. હાર્દિક 2018થી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જોવા મળ્યો નથી. વર્ષ 2018માં તેણે મુંબઈ સામે રણજી ટ્રોફી મેચ રમી હતી. આ પછી હવે 6 વર્ષ બાદ હાર્દિક ટેસ્ટમાં કમબેક કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે.
હાર્દિક પંડ્યા રેડ બોલ સાથે ટ્રેનિંગ કરતો જોવા મળ્યો હકીકતમાં, હાર્દિક પંડ્યા તાજેતરમાં લંડનમાં હતો, જ્યાં તેણે IPLમાં ગુજરાત ટાઇટન્સના આસિસ્ટન્ટ કોચ નઇમ અમીનની દેખરેખ હેઠળ માઇટી વિલો ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગમાં ભાગ લીધો હતો. વાઇરલ વીડિયોમાં પંડ્યા રેડ બોલ ક્રિકેટની ટ્રેનિંગ લેતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
તો બીજી તરફ GTના આસિસ્ટન્ટ કોચ નઇમ અમીને પણ વીડિયો અપલોડ કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે ‘છેલ્લા કેટલાક અઠવાડિયામાં હાર્દિક સાથે કામ કરવાનો કેવો શાનદાર અનુભવ રહ્યો છે. અમે ઘણી બધી વસ્તુઓ પર કામ કર્યું છે અને હું ભવિષ્યમાં તેમની પ્રગતિ જોઈને ઉત્સાહિત છું. મેં જેમની સાથે કામ કર્યું છે તે તમામ હાઈ-પ્રોફાઈલ ખેલાડીઓની જેમ, હું હાર્દિકની ખૂબ પ્રશંસા કરું છું કે તે તેની રમત પર ઇનપુટ આપવા માટે મારા પર વિશ્વાસ કરે છે. અદ્ભુત, ભાઈ!’
પુત્ર અગસ્ત્યને મળ્યા બાદ હાર્દિક પંડ્યા ભાવુક થઈ ગયો હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો. છૂટાછેડા બાદ નતાશા અગસ્ત્ય સાથે તેના ઘરે જતી રહી હતી. આ પછી નતાશા તેના પુત્ર સાથે મુંબઈ પાછી આવી અને તેના પુત્ર અગસ્ત્યને મળ્યા બાદ હાર્દિકની ખુશીનો પાર ન રહ્યો. હાલમાં જ એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં હાર્દિક તેના પુત્ર અગસ્ત્યને ખોળામાં બેસાડી રહ્યો હતો.