4 કલાક પેહલા
- કૉપી લિંક
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ છ મેચની પિચને સરેરાશ રેટિંગ આપ્યું છે, જેમાં ODI વર્લ્ડ કપ 2023 ફાઈનલ અને બીજી સેમિફાઈનલનો સમાવેશ થાય છે. જેમાં પાંચ મેચ ભારતની છે. ODI વર્લ્ડ કપની ફાઈનલ 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. બીજી સેમિફાઈનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતામાં રમાઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાઈનલ સિવાય ICCએ ભારતે રમેલી અન્ય ચાર મેચને પણ એવરેજ રેટિંગ આપ્યું છે. જેમાં 8 ઓક્ટોબરે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ, 14 ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામેની મેચ, 29 ઓક્ટોબરે લખનઉના એકાના સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામેની મેચ અને 5 નવેમ્બરે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામેની મેચનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે હારી અને પાકિસ્તાન સામે જીત મેળવી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું હતું. બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. ઓપનર શુભમન ગિલ, શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યા ન હતા. કેપ્ટન રોહિત શર્માએ 47 રન, કોહલીએ 54 રન અને કેએલ રાહુલે 66 રન બનાવ્યા હતા.
241 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટના નુકસાને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓપનર ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રનની ઇનિંગ રમી હતી. જ્યારે માર્નસ લાબુશેને 110 બોલમાં 58 રનની અણનમ ઇનિંગ રમી હતી.
ફાઈનલ પહેલા ભારતે 14 ઓક્ટોબરે આ પિચ પર પાકિસ્તાન સામે મેચ પણ રમી હતી. જેમાં ભારતનો 7 વિકેટે વિજય થયો હતો. ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયાના ઘણા પૂર્વ ક્રિકેટરોએ આ પિચને લઈને સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ ફાઈનલના એક દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટને આ પિચને સારી ગણાવી હતી.
ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું.
ઈડન ગાર્ડનમાં રમાયેલી બીજી સેમિફાઈનલ અને ભારતની લીગ મેચની પિચ પણ સરેરાશ હતી
ICCએ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી બીજી સેમિફાઈનલ મેચની પિચને પણ સરેરાશ રેટિંગ આપ્યું છે. આ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવ્યું.
આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 49.4 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા. 213 રનના લક્ષ્યાંકને ચેઝ કરતા ઓસ્ટ્રેલિયાએ 47.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 215 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
આ સ્ટેડિયમમાં 5 નવેમ્બરે ભારત અને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ICCએ માત્ર પિચનું સરેરાશ રેટિંગ આપ્યું છે. ભારતે આ મેચ 243 રને જીતી લીધી હતી. ભારતે આ પિચ પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 5 વિકેટના નુકસાન પર 326 રન બનાવ્યા. 327 રનને ચેઝ કરતા દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 27.1 ઓવરમાં 83 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતે દક્ષિણ આફ્રિકા સામે 243 રને જીત મેળવી હતી.
ચેન્નઈ અને લખનઉમાં રમાયેલી ભારતની મેચની પિચ પણ સરેરાશ હતી
અમદાવાદ, કોલકાતા ઉપરાંત ICCએ લખનઉ અને ચેન્નઈમાં રમાયેલી ભારતની મેચની પિચને પણ સરેરાશ ગણાવી છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી લીગ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 49.3 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. 200 રનના લક્ષ્યાંકને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 41.2 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 201 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું.
લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું હતું. બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 229 રન બનાવ્યા હતા. લક્ષ્યને ચેઝ કરતી વખતે ઇંગ્લેન્ડની આખી ટીમ 34.5 ઓવરમાં માત્ર 129 રન જ બનાવી શકી અને ભારતે 100 રનથી મેચ જીતી લીધી.
ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું.
મુંબઈમાં રમાયેલી ભારતની સેમિફાઈનલ મેચ માટે ક્લીન ચિટ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 15 નવેમ્બરે ભારત અને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચની પિચને ICCએ ક્લીનચીટ આપી દીધી છે. આંતરરાષ્ટ્રીય મીડિયાએ આ પિચને લઈને ઘણા સવાલો ઉઠાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મીડિયાએ BCCI અને ટીમ ઈન્ડિયા પર પિચ બદલવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ICCએ સ્પષ્ટતા કરી હતી કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જે પિચ પર સેમિફાઈનલ મેચ રમાઈ હતી તે પહેલાથી જ નક્કી હતી.
ભારતે આ મેચ 70 રને જીતી લીધી હતી. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટના નુકસાન પર 397 રન બનાવ્યા હતા. લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 48.5 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 327 રન બનાવ્યા હતા.