સ્પોર્ટ્સ ડેસ્ક46 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાનો ઓપનર યશસ્વી જયસ્વાલ ફેબ્રુઆરી માટે ICC પ્લેયર ઓફ ધ મંથ બન્યો છે. ઓસ્ટ્રેલિયાની સ્ટાર ઓલરાઉન્ડર એનાબેલ સધરલેન્ડને વુમન્સ કેટેગરીમાં આ એવોર્ડ મળ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે એવોર્ડ વિજેતાઓની જાહેરાત કરી હતી.
યશસ્વીએ ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન અને શ્રીલંકાના ઓપનર પથુમ નિસાન્કાને પાછળ છોડીને આ એવોર્ડ જીત્યો હતો.
યશસ્વીએ ઈંગ્લેન્ડ સામે બે બેવડી સદી ફટકારી હતી
યશસ્વીએ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 712 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બીજી અને ત્રીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. તેણે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 209 રન અને ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં અણનમ 214 રન બનાવ્યા હતા. હાલમાં, યશસ્વી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન સાઇકલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
યશસ્વી સૌથી ઓછી મેચમાં 1000 રન બનાવનાર ભારતનો પહેલો બેટર
યશસ્વી જયસ્વાલે 9 મેચમાં 1000 રન પૂરા કર્યા. સૌથી ઓછી મેચ રમીને આવું કરનાર તે વિશ્વનો બીજો બેટર બન્યો. ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેન આ યાદીમાં નંબર-1 પર છે. તેમણે માત્ર 7 મેચમાં 1000 રન બનાવ્યા હતા. યશસ્વી ભારતનો પ્રથમ બેટર છે જેણે સૌથી ઓછી મેચ રમીને હજાર રન બનાવ્યા છે.
યશસ્વીએ એક ટેસ્ટ ઇનિંગ્સમાં 12 સિક્સર ફટકારી હતી
રાજકોટ ટેસ્ટની બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે તેની 214 રનની ઇનિંગમાં 12 સિક્સ ફટકારી હતી, જે કોઇપણ ભારતીય પ્લેયર દ્વારા એક ઇનિંગમાં સૌથી વધુ છે. વસીમ અકરમ (વિ. ઝિમ્બાબ્વે)ના વર્લ્ડ રેકોર્ડની પણ બરાબરી કરી.
ICC એવોર્ડ મેળવીને હું ખૂબ જ ખુશ છું: યશસ્વી
ICC એવોર્ડની જાહેરાત થયા બાદ જયસ્વાલે કહ્યું કે, હું આઈસીસી એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છું અને મને ભવિષ્યમાં વધુ એવોર્ડ મળવાની આશા છે. ઈંગ્લેન્ડની ટેસ્ટ શ્રેણી અંગે તેણે કહ્યું કે, મેં ખૂબ એન્જોય.કર્યું છે અને જે રીતે રમ્યું છે અને અમે 4-1થી સિરીઝ જીતી છે તેનાથી મને ખૂબ આનંદ થયો.