સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મંગળવારે ICC પ્લેયર્સ ઓફ ધ મંથની જાહેરાત કરી છે. પાકિસ્તાની સ્પિનર નોમાન અલીને મેન્સ કેટેગરીમાં પ્લેયર ઓફ ધ મંથ જાહેર કર્યો છે. જ્યારે વુમન્સ કેટેગરી ન્યૂઝીલેન્ડની એમેલિયા કેરને આ એવોર્ડ આપ્યો છે.
નોમાનની સાથે ન્યૂઝીલેન્ડના લેફ્ટ આર્મ સ્પિનર મિચેલ સેન્ટનર અને સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડા પણ રેસમાં હતા. સેન્ટનરે ભારત સામે અને રબાડાએ બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
નોમાને ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં 20 વિકેટ ઝડપી નોમાન અલીએ ઓક્ટોબરમાં ઇંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં 20 વિકેટ લીધી હતી. તેણે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી પાછળ રહેલા પાકિસ્તાનને બાકીની બે મેચ જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે બીજી ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં 101 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
બીજી ઇનિંગમાં તેણે 46 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. તેણે ત્રીજી ટેસ્ટમાં પ્રથમ દાવમાં 88 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઇનિંગમાં તેણે 42 રનમાં 6 વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ 45 રન બનાવ્યા હતા.
કેરે T-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું ન્યૂઝીલેન્ડની ઓલરાઉન્ડર એમેલિયા કેરે T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કેર પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહી હતી. તેણે 6 મેચમાં 15 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 29 રન બનાવ્યા અને ચાર વિકેટ લીધી.
શ્રીલંકા સામેની મેચમાં તેણે 34 રન બનાવ્યા અને 2 વિકેટ લીધી. પાકિસ્તાન સામે 14 રનમાં 3 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની સેમિફાઈનલ મેચમાં તેણે 14 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
સાઉથ આફ્રિકા સામેની ફાઈનલમાં તે 38 બોલમાં 43 રન બનાવીને ટીમની ટોપ સ્કોરર હતી. આ સિવાય તેણે 24 રનમાં 3 વિકેટ લીધી હતી. જે બાદ તેણે અમદાવાદમાં ભારત સામેની વન-ડે શ્રેણીમાં ચાર વિકેટ ઝડપી હતી.