સ્પોર્ટ્સ ડેસ્ક49 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ આજે રમાશે. આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં સવારે 9:30 વાગ્યાથી રમાશે. ટૉસ સવારે 9 વાગ્યે થશે. રાંચી ટેસ્ટ જીત્યા બાદ ભારતે 3-1ની લીડ સાથે સિરીઝ પર કબજો કરી લીધો છે.
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ મેચમાં પરત ફરશે. તેને ચોથી ટેસ્ટમાં આરામ આપ્યો હતો. સિરીઝમાં નિષ્ફળ ગયેલા રજત પાટીદારના સ્થાને દેવદત્ત પડ્ડિકલને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
ઇંગ્લેન્ડ હેડ ટુ હેડમાં આગળ
ઇંગ્લેન્ડનો હાથ હેડ ટુ હેડમાં ઉપર છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 135 ટેસ્ટ મેચ રમાઈ છે જેમાંથી ભારતે 34 અને ઇંગ્લેન્ડે 51માં જીત મેળવી છે. જોકે, ભારતમાં બંને ટીમ વચ્ચે રમાયેલી 68 ટેસ્ટ મેચમાં ભારતે 25માં જીત, 15માં હાર અને 28 મેચ ડ્રો કરી હતી.
યશસ્વી જયસ્વાલ ટોપ સ્કોરર
હૈદરાબાદમાં ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ ભારતે શાનદાર કમબેક કર્યું છે. વિશાખાપટ્ટનમમાં ક્લોઝ મેચ જીત્યા બાદ રાજકોટમાં રમાયેલી એકતરફી મેચમાં ટીમનો 434 રને વિજય થયો હતો. ભારત તરફથી યશસ્વી જયસ્વાલ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. જ્યારે જસપ્રીત બુમરાહ ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
હાર્ટલીએ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લીધી
ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ જીત્યા બાદથી લયમાં હોય તેવું લાગતું નથી. છેલ્લી ત્રણ મેચમાં ટીમનો પરાજય થયો છે. આ સિરીઝમાં ટીમ માટે સૌથી વધુ રન ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલે બનાવ્યા છે. તેણે છેલ્લી ચાર મેચમાં ત્રણ અડધી સદી ફટકારી અને 328 રન બનાવ્યા. ટીમ માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલે ટોમ હાર્ટલી ટોપ પર છે. હાર્ટલી શ્રેણીમાં બંને ટીમના સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
મેચમાં બની શકે છે આ રેકોર્ડ્સ-
ધર્મશાલા ટેસ્ટમાં ઘણા રેકોર્ડ દાવ પર છે. આમાંથી મુખ્ય રેકોર્ડ જાણીશું…
- એન્ડરસન 700 વિકેટની નજીક- જેમ્સ એન્ડરસન 700 ટેસ્ટ વિકેટથી માત્ર બે વિકેટ દૂર છે. માત્ર મુથૈયા મુરલીધરન (800) અને શેન વોર્ન (708)એ 700થી વધુ વિકેટ લીધી છે.
- 300 વિકેટથી આઠ વિકેટ દૂર જાડેજા- રવીન્દ્ર જાડેજા 300 ટેસ્ટ વિકેટની નજીક છે. તે અહીં પહોંચનાર સાતમો ભારતીય બની શકે છે, આ માટે તેને વધુ આઠ વિકેટની જરૂર છે.
- 1000 રનથી 29 રન દૂર છે જયસ્વાલ- યશસ્વીએ 8 મેચની 15 ઇનિંગમાં 971 રન બનાવ્યા છે.
82% વરસાદની સંભાવના
ગુરુવારે ધર્મશાલામાં હવામાનને લઈને સારા સમાચાર નથી, આવતીકાલે અહીં હવામાન ખૂબ જ ખરાબ રહેશે. વરસાદની સંભાવના 82% છે. આવતીકાલે અહીં તાપમાન 6 થી 9 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
પિચ રિપોર્ટ
ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં ઝડપી બોલરોને વધુ મદદ મળે છે. અત્યાર સુધી અહીં રમાયેલી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 61.69% વિકેટ ફાસ્ટ બોલર્સે લીધી છે. સ્પિનર્સને 248માંથી માત્ર 95 વિકેટ મળી હતી, જેનો અર્થ છે કે ટીમ એક્સ્ટ્રા પેસરને રમાડવા વિશે વિચારી શકે છે. જો કે ઇંગ્લેન્ડે પોતાની પ્લેઇંગ-11 જાહેર કરી દીધી છે. જેમાં તેમણે બે ફૂલ ટાઇમ પેસર્સ અને સ્પિનર્સને લીધા છે. જ્યારે ત્રીજા સ્પિનર તરીકે જો રૂટ બોલિંગ કરશે. ધર્મશાલામાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ભારતનો વિજય થયો છે. આ મેચ 2017માં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી.
ભારત શ્રેણીમાં 3-1થી આગળ
ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ સિરીઝમાં 3-1થી આગળ છે. ઇંગ્લેન્ડે પહેલી મેચ 28 રને જીતી હતી. આ પછી ભારતે બીજી મેચ 106 રને, ત્રીજી મેચ 434 રનથી અને ચોથી ટેસ્ટ 5 વિકેટના અંતરથી જીતી હતી. પાંચમી મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે.
ધર્મશાલા ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11
બેન સ્ટોક્સ (કેપ્ટન), જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન ફોક્સ (વિકેટકીપર), ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન અને શોએબ બશીર.
ધર્મશાલા ટેસ્ટમાં ભારતની સંભવિત પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, દેવદત્ત પડ્ડિકલ/રજત પાટીદાર, રવીન્દ્ર જાડેજા, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ/કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.