ગયાના1 કલાક પેહલા
- કૉપી લિંક
T-20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 27 જૂને ગયાનામાં રમાશે. મેચમાં એક દિવસ બાકી છે, પરંતુ ગયાનામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આના કારણે મેચ પૂરો રીતે રમાશે કે કેમ તે અંગે શંકા ઊભી થઈ છે. ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, મેચ દરમિયાન વરસાદની 70% અને તોફાનની સંભાવના 28% છે.
ICCએ 250 મિનિટનો વધારાનો સમય રાખ્યો છે એટલે કે વરસાદ પડશે તો વધુ એક્સ્ટ્રા 4 કલાક આપશે. આ પછી પણ જો હવામાન અને પિચ રમવા માટે યોગ્ય ન હોય તો મેચ રદ થઈ શકે છે. સેમિફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં, જો મેચ રદ થાય છે, તો ભારત, સુપર-8માં ગ્રૂપ-1ની ટેબલ ટોપર છે, તો ફાઈનલમાં પહોંચી જશે.

ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમની પિચ વરસાદને કારણે ઢંકાઈ ગઈ છે. ગ્રાઉન્ડ સ્ટાફ ગ્રાઉન્ડ પર નજર રાખી રહ્યો છે.
ભારતે સુપર-8ના ગ્રૂપ-1માં ત્રણેય મેચ જીતી છે અને 6 પોઇન્ટ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર છે. જો મેચ રદ થશે, તો ભારતનો મુકાબલો ફાઈનલમાં અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચેની સેમિફાઈનલ-1ની વિજેતા ટીમ સાથે થશે.


સેમિફાઈનલ-1 માટે રિઝર્વ ડે
T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઈનલ સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં સવારે 6 વાગ્યાથી રમાશે. જ્યારે, ફાઈનલ એક દિવસ પછી 29 જૂને રાત્રે 8 વાગ્યે યોજાશે. સમયના અંતરને કારણે, સેમિફાઈનલ-1 માટે રિઝર્વ-ડે આપવામાં આવ્યો છે. જો કે, ત્રિનિદાદમાં મેચ દરમિયાન વરસાદની શક્યતા ઘણી ઓછી છે. જો આ મેચ પણ વરસાદના કારણે રદ થશે તો ગ્રૂપ-2 ટેબલ ટોપર સાઉથ આફ્રિકા ફાઈનલમાં પહોંચી જશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ
ગુયાનામાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ-2 રમાવાની છે. T20 વર્લ્ડના ઈતિહાસમાં બંને વચ્ચે કુલ 4 મેચ રમાઈ છે, જેમાં ભારત અને ઇંગ્લેન્ડે બે-બે મેચ જીતી છે. બંને વચ્ચે ત્રણ ગ્રૂપ અને એક નોકઆઉટ મેચ રમાઈ છે. આ સેમિફાઈનલ T20 વર્લ્ડ કપની બીજી નોકઆઉટ મેચ હશે જ્યારે ભારત અને ઇંગ્લેન્ડ સામસામે ટકરાશે. છેલ્લા નોકઆઉટમાં ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. જોકે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુલ 23 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં ભારતે 12 અને ઇંગ્લેન્ડે 11 મેચ જીતી છે.

ગ્રૂપ સ્ટેજમાં ભારત અને ઇંગ્લેન્ડની મેચ રદ થઈ હતી
T-20 વર્લ્ડ કપના લીગ તબક્કામાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક-એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. બાર્બાડોસમાં 4 જૂને યોજાયેલી ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ ટૉસ વિના પડતી મૂકવામાં આવી હતી. જેના કારણે ઇંગ્લેન્ડે સુપર-8માં ક્વોલિફાય થવા માટે સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પર નિર્ભર રહેવું પડ્યું હતું. તે જ સમયે, 15 જૂને ફ્લોરિડામાં કેનેડા સામેની ભારતની મેચ પણ ટૉસ વિના રદ થઈ હતી.
છેલ્લી મેચ 8 જૂને ગયાનામાં રમાઈ હતી
ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની માત્ર 5 મેચ રમાઈ હતી. આમાં સુપર-8 તબક્કાની એક પણ મેચ સામેલ નથી. આ સ્ટેડિયમમાં છેલ્લી મેચ 9 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને યુગાન્ડા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પહેલા રમતા વેસ્ટ ઈન્ડિઝે 5 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા અને યુગાન્ડાને 39 રનમાં ઓલઆઉટ કરીને 134 રનથી મેચ જીતી લીધી હતી. અહીં સૌથી વધુ સ્કોર 183 છે. છેલ્લી 5 મેચમાં ચેઝ કરતી વખતે ટીમ ત્રણ વખત ઓલઆઉટ થઈ ગઈ છે.

યુગાન્ડા સામેની મેચમાં વેસ્ટ ઈન્ડિઝના અકીલ હોસેને 5 વિકેટ ઝડપી હતી.