8 મિનિટ પેહલા
- કૉપી લિંક
આગામી વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂયોર્કમાં મેચ રમાઈ શકે છે. આ અંગેનો અહેવાલ ધ ગાર્ડિયનમાં પ્રકાશિત થયો છે. T20 વર્લ્ડ કપ આ વર્ષે 4 જૂનથી 30 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાશે.
રિપોર્ટ અનુસાર આ અંગેનો નિર્ણય આજે (શુક્રવારે) ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને ન્યૂયોર્કની લોકલ કમિટી વચ્ચેની બેઠક બાદ લેવામાં આવી શકે છે.
રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્કની બહાર વર્લ્ડ કપની યજમાની માટે એક કામચલાઉ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેમાં 34 હજાર લોકોની બેઠક ક્ષમતા હશે.
T20 વર્લ્ડ કપ માટે અમેરિકાના ત્રણ સ્થળોની પસંદગી કરવામાં આવી છે. ન્યૂયોર્કમાં ભારત-પાક મેચનું આયોજન કરવા પાછળનું મુખ્ય કારણ તાજેતરનો સર્વે છે. સર્વે અનુસાર અહીં 7 લાખથી વધુ ભારતીયો અને લગભગ એક લાખ પાકિસ્તાની મૂળના લોકો રહે છે. આવી સ્થિતિમાં આયોજકોને આશા છે કે ભારત-પાક મેચને અહીં સારો પ્રતિસાદ મળશે.
વર્લ્ડ કપ રમી રહેલી તમામ ટીમ નક્કી થઈ ગઈ
યુગાન્ડાની જીત સાથે જ T20 વર્લ્ડ કપમાં ભાગ લેનારી તમામ 20 ટીમ નક્કી થઈ ગઈ છે. આ માટે એશિયન પ્રદેશમાંથી નેપાળ અને ઓમાન ક્વોલિફાય થયા છે જ્યારે આફ્રિકામાંથી યુગાન્ડા અને નામિબિયાને વર્લ્ડ કપની ટિકિટ મળી છે.
વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા યજમાન હોવાને કારણે ક્વોલિફાય થયા હતા, જ્યારે ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ્સ અને શ્રીલંકાએ 2022માં છેલ્લા T20 વર્લ્ડ કપમાં ટોપ-8માં સ્થાન મેળવીને પોતપોતાના સ્થાનો સુરક્ષિત કર્યા હતા. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ 14 નવેમ્બર 2022ના રેન્કિંગમાંથી ક્વોલિફાય થયા છે.
અમેરિકામાં વર્લ્ડ કપ યોજવાના 2 મહત્વના કારણો
અમેરિકામાં T20 વર્લ્ડ કપ યોજવા પાછળ ICC પાસે બે મહત્વપૂર્ણ કારણો છે.
- પ્રથમ: ઉત્તર અમેરિકામાં ક્રિકેટ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ICCએ અહીં મજબૂત પકડ જમાવવા માટે આ પગલું ભર્યું છે.
- બીજું: આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)એ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કર્યો છે.

દરેક 5 ટીમના 4 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવશે
20 ટીમને 5 ટીમના 4 ગ્રુપમાં વહેંચવામાં આવશે. ગ્રુપ સ્ટેજમાં 40 મેચ રમાશે. તમામ ગ્રુપની ટોપ 2-2 ટીમ સુપર-8 સ્ટેજમાં પહોંચશે, આ સ્ટેજમાં 12 મેચ રમાશે. સુપર-8ની ટોચની 2 ટીમ પણ સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશે. ટુર્નામેન્ટની ફાઈનલ 30 જૂન 2024ના રોજ સેમિફાઈનલની વિજેતા ટીમ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટમાં 27 દિવસમાં કુલ 55 મેચ રમાશે, જેમાં 2 સેમિફાઈનલ, એક ફાઈનલ અને 52 ગ્રુપ સ્ટેજ મેચનો સમાવેશ થાય છે.
છેલ્લી 2 ટુર્નામેન્ટ 16 ટીમ સાથે યોજાઈ હતી
2021 અને 2022માં રમાયેલા છેલ્લા T20 વર્લ્ડ કપમાં 16 ટીમ હતી. 8 માંથી 4 ટીમ ક્વોલિફાયર રમી અને સુપર-12 સ્ટેજનો ભાગ બની. બંને ટુર્નામેન્ટમાં 45-45 મેચ રમાઈ હતી. 2007માં શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં હવે પ્રથમ વખત 20 ટીમ સામેલ થશે અને પ્રથમ વખત ટુર્નામેન્ટમાં 50થી વધુ મેચો રમાશે. ભારતે 2007માં પહેલો ખિતાબ જીત્યો હતો, 2022માં ઇંગ્લેન્ડની ટીમ છેલ્લી વખત ચેમ્પિયન બની હતી.