સ્પોર્ટ્સ ડેસ્ક6 કલાક પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં રમવા પર શંકા છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, શમી પગની ઘૂંટીની ઈજાથી પીડાઈ રહ્યો છે અને તે શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી રમાશે.
કેપ્ટન રોહિત શર્મા સહિત ખેલાડીઓનું છેલ્લું ગ્રુપ શુક્રવારે (15 ડિસેમ્બર) જોહાનિસબર્ગ માટે રવાના થવાનું છે, પરંતુ 33 વર્ષીય ફાસ્ટ બોલર શમી તેમાં સામેલ નથી. અત્યાર સુધી BCCIએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. જો શમી આઉટ થાય છે તો તેની જગ્યાએ પ્રસિદ્ધ ક્રિષ્નાને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
ટીમની જાહેરાત સમયે BCCIએ કહ્યું હતું કે શમીની સારવાર ચાલી રહી છે
રોહિત શર્માની સાથે સ્ટાર બેટર વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન, નવદીપ સૈની અને હર્ષિત રાણા જશે. આ ખેલાડીઓ દુબઈથી સાઉથ આફ્રિકા જશે.
30 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. તે જ સમયે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સ્પષ્ટ કર્યું હતું કે શમીની સારવાર ચાલી રહી છે.
ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન) અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
એન્ગિડી અને રબાડા પણ અનફિટ
દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એન્ગિડી અને કાગિસો રબાડા પણ અનફિટ છે. બંને ફાસ્ટ બોલર ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આ બંનેના રમવા પર શંકા છે. ફાસ્ટ બોલર એનરિક નોર્ટ્યાને પહેલાથી જ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી, તે હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી.
ભારત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી
દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમનું ટેસ્ટ પ્રદર્શન ખાસ રહ્યું નથી. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી નથી. ટીમ આફ્રિકાના મેદાનો પર અત્યાર સુધીમાં 8 ટેસ્ટ શ્રેણી રમી ચૂકી છે. માત્ર એક શ્રેણી ડ્રો રહી હતી, જ્યારે ભારતને ૨૦૧૪માં હારનો સામનો કરવો પડ્યો હતો.
ટીમે ત્યાં 23 ટેસ્ટ મેચ રમી છે. તેમાંથી ટીમ માત્ર 4 જીતી હતી, જ્યારે 7 મેચ ડ્રો રહી હતી. ટીમ ઈન્ડિયાને બાકીની 12 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.