સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત 28 ઓગસ્ટે કરી હતી.
ભારતીય હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે મંગળવારે હુલુનબુર (ચીન) જવા રવાના થઈ હતી. પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમની પ્રથમ મેચ 8 સપ્ટેમ્બરે યજમાન ચીન સામે થશે.
આ ટુર્નામેન્ટમાં ભારતની સાથે ચીન, કોરિયા, જાપાન, મલેશિયા અને પાકિસ્તાન ભાગ લેશે. ભારતનો મુકાબલો 14 સપ્ટેમ્બરે હરીફ પાકિસ્તાન સામે થશે. ટુર્નામેન્ટની ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે. ભારતીય હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારત ચાર વખત અને પાકિસ્તાન ત્રણ વખત ટાઈટલ જીત્યું છે.
એશિયન ટીમનો સામનો કરવા તૈયારઃ હરમનપ્રીત
ભારતીય હોકી ટીમની કેપ્ટન હરમનપ્રીતે ચીન જતા પહેલાં કહ્યું, ‘પેરિસ ઓલિમ્પિક બાદ બ્રેક પૂરો કરીને ટીમ એશિયન ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. પેરિસ ઓલિમ્પિકમાં અમારું પ્રદર્શન સારું હતું, પરંતુ હોકી ખૂબ જ નજીકની રમત છે.’
હોકી ઈન્ડિયાએ ગયા બુધવારે 18 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી હતી. પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર 10 ખેલાડીઓને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે 5 ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટ 8 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઇનર મંગોલિયાના હુલુનબુર ખાતે રમાશે. ગત વર્ષે ટીમે આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં મલેશિયાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આથી ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં પોતાનું ટાઇટલ ડિફેન્ડ કરવા ઉતરશે.
ભારતીય ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.
શ્રીજેશની જગ્યાએ ગોલકીપિંગની જવાબદારી પાઠક-કરકેરા પર
ભારતીય હોકી ટીમના અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ પેરિસ ઓલિમ્પિક બાદ નિવૃત્ત થઈ ગયો. આથી ટીમમાં ગોલકીપરની ભૂમિકા માટે શ્રીજેશની જગ્યાએ કૃષ્ણ બહાદુર પાઠક અને સૂરજ કરકેરાની પસંદગી કરવામાં આવી છે.
ગોલકીપર પીઆર શ્રીજેશ પેરિસ ઓલિમ્પિક બાદ નિવૃત્ત થયો હતો.
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 માટે ભારતીય મેન્સ હોકી ટીમ
ગોલકીપર્સઃ કૃષ્ણ બહાદુર પાઠક, સૂરજ કરકેરા.
ડિફેન્ડર્સઃ જરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), જુગરાજ સિંહ, સંજય, સુમિત.
મિડફિલ્ડર્સઃ રાજ કુમાર પાલ, નીલકંઠ શર્મા, વિવેક સાગર પ્રસાદ (વાઈસ કેપ્ટન), મનપ્રીત સિંહ, મોહમ્મદ રાહીલ મૌસિન.
ફોરવર્ડઃ અભિષેક, સુખજીત સિંહ, અરિજિત સિંહ હુંદલ, ઉત્તમ સિંહ, ગુરજોત સિંહ.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
હરમનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતીય હોકી ટીમે તાજેતરમાં પૂરા થયેલા પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું હતું. ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો આ સતત બીજો બ્રોન્ઝ મેડલ હતો. ટોકિયો ઓલિમ્પિકમાં પણ ટીમે જર્મનીને હરાવીને બ્રોન્ઝ જીત્યો હતો.
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.