ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં 5 વિકેટથી જીત મેળવીને ભારતીય ટીમે વિશ્વ ક્રિકેટમાં પોતાનો દબદબો હાંસલ કરી લીધો છે. ભારતીય ટીમ હવે ટેસ્ટ, ODI અને T-20માં નંબર વન ટીમ બની ગઈ છે. વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમ આવું કારનામું કરનારી માત્ર બીજી ટીમ બની છે. આ પહેલા માત્ર દક્ષિણ આફ્રિકાએ જ આવી સિદ્ધિ મેળવી હતી. તાજેતરમાં, ભારતે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેના કારણે ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં ICC રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચવામાં સફળ રહી હતી. મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની જીત સાથે ભારતીય ટીમના ICC ODI રેન્કિંગમાં 116 પોઈન્ટ થઈ ગયા છે, જ્યારે આ કરીને ભારતે પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે, પાકિસ્તાનના 115 પોઈન્ટ છે.
ODIમાં નંબર વન રેન્કિંગ સિવાય ભારતીય ટીમ ટેસ્ટમાં 118 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન સ્થાન પર છે, જ્યારે T20 ફોર્મેટમાં ભારતના 264 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 276 રન બનાવ્યા હતા. જે બાદ ભારતીય ટીમે 49મી ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી મોહમ્મદ શમીએ બોલિંગમાં 5 વિકેટ ઝડપી હતી, તો બીજી તરફ સૂર્યાએ બેટિંગમાં 50 રનની ઇનિંગ રમી હતી, જ્યારે કેએલ રાહુલ 58 રન બનાવીને અણનમ રહ્યો હતો. શામીને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વનડે શ્રેણીમાં 1-0થી આગળ છે.