એજન્સી : મુંબઈ
ભૂતપૂર્વ સુકાનીના મતે ભારત હજી પણ વર્લ્ડ કપની દાવેદાર ટીમ છે પરંતુ ટ્રોફી જીતવા કોહલીસેનાએ વધારે મહેનત કરવી પડશે
ભારતીય ક્રિકેટ ટીમને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પાંચ વન-ડે મેચની શ્રેણીમાં 2-3થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે ભૂતપૂર્વ સુકાની રાહુલ દ્રવિડનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયા સામેનો શ્રેણી પરાજય વર્લ્ડ કપ અગાઉ વિરાટ કોહલીની ટીમ માટે આંખ ઉઘાડનારો છે. ભારતીય ટીમે આ પરાજયને ચેતવણી સમાન ગણવો જોઈએ.
ભારતીય ટીમ શ્રેણીમાં 2-0થી આગળ હતી પરંતુ બાદમાં એરોન ફિંચની આગેવાનીવાળી ટીમે વળતો પ્રહાર કરીને શ્રેણી જીતી લીધી હતી. છેલ્લા બે વર્ષથી વર્લ્ડ કપ ટીમ તૈયાર કરી રહેલા ભારતે આ શ્રેણીમાં ઘણા અખતરા કર્યા હતા. આ શ્રેણી 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ અગાઉ ભારતની અંતિમ આંતરરાષ્ટ્રીય શ્રેણી હતી.
રાહુલ દ્રવિડે કહ્યું છે કે મારા મતે લોકો માનતા હતા કે ભારત વર્લ્ડ કપમાં જશે અને આસાનીથી ચેમ્પિયન બની જશે. તેથી આ પરાજય ભારત માટે આંખ ઉઘાડનારો છે. ઓસ્ટ્રેલિયા સામેના પરાજયથી આપણને એક વાત શીખવા મળે છે કે આપણે વર્લ્ડમાં વધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.
બુધવારે એક કાર્યક્રમ દરમિયાન રાહુલ દ્રવિડ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર સાથે હાજર રહ્યો હતો. વર્તમાન ભારત-એ અને અંડર-19ના કોચ દ્રવિડે કહ્યું છે કે ભારતીય ટીમ છેલ્લા ઘણા વર્ષથી સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રહી છે. આપણી ટીમ નંબર વન છે અને છેલ્લા કેટલાક સમયથી વન-ડે ક્રિકેટમાં શ્રેષ્ઠ દેખાવ કરી રહી છે તેથી લોકોને માનવા લાગ્યા હતા કે ભારત ઈંગ્લેન્ડ જશે અને આસાનીથી વર્લ્ડ કપ જીતી જશે. પરંતુ મેં શ્રેણી જોઈ અને તેમાં મને વધારે કંઈ વિચિત્ર લાગ્યું ન હતું. હું હજી પણ માનું છું કે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવાની દાવેદાર છે પરંતુ તેના માટે વર્લ્ડ કપ ટ્રોફી જીતવી પડકારજનક રહેશે. ભારતને મજબૂત સ્પર્ધાનો સામનો કરવો પડશે.
આઈપીએલમાં વર્કલોડ અંગે ખેલાડીઓ વધારે સમજદાર છે
છેલ્લા ઘણા સમયથી વર્લ્ડ કપ અગાઉ આઈપીએલમાં ખેલાડીઓના વર્કલોડને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. દ્રવિડ અને માંજરેકરે 23 માર્ચથી શરૂ થઈ રહેલી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓના વર્કલોડને લઈને વાતો કરી હતી.
દ્રવિડે જણાવ્યું હતું કે મોટા ભાગના ખેલાડીઓ આને લઈને વધારે સમજદાર છે. તેઓ જાણે છે કે તેમણે પોતાના શરીર પાસેથી કેટલું કામ લેવાનું છે. મને નથી લાગતું કે કોઈ ખેલાડી પોતાના શરીરને વધારે પડતો શ્રમ આપશે. ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર પેટ કમિન્સની વાત સાંભળી છે જેમાં તેણે કહ્યું હતું કે તે આરામ કરવા કરતા સતત બોલિંગ કરવાથી વધારે સારૂ અનુભવે છે. તેથી પ્રત્યેક ખેલાડી અલગ છે. ખેલાડીઓ જાણે છે કે તેમને કેટલા આરામની જરૂર છે.
જ્યારે માંજરેકરે જણાવ્યું હતું કે આઈપીએલ એક અલગ ટુર્નામેન્ટ છે. મને નથી લાગતું કે આને લઈને બહારની કોઈ દરમિયાનગીરીની જરૂર છે. વર્કલોડને કેવી રીતે મેનેજ કરવો તે ફ્રેન્ચાઈઝી પર છોડી દેવું જોઈએ. મને નથી લાગતું કે વર્લ્ડ કપ માટેના ખેલાડીઓને આરામ આપવાને લઈને આઈપીએલ પર બીસીસીઆઈનો કોઈ દબાણ હશે.