સ્પોર્ટ્સ ડેસ્ક21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2024ના ગ્રાઉન્ડ્સમેન અને પિચ ક્યુરેટર્સ માટે પુરસ્કારોની જાહેરાત કરી છે. IPLની આ સિઝનમાં 10 સ્થળો પર કામ કરતા ગ્રાઉન્ડ્સમેન અને પિચ ક્યુરેટરને 25 લાખ રૂપિયા અને ત્રણ વધારાના સ્થળો (ધર્મશાલા, વિશાખાપટ્ટનમ અને ગુવાહાટી)ને 10 લાખ રૂપિયા મળશે.
BCCI સેક્રેટરી જય શાહે સોમવારે આ જાણકારી આપી. તેમણે ટ્વીટ કર્યું, ‘અમારી સફળ T20 સિઝનના અનસંગ હીરો ગ્રાઉન્ડ સ્ટાફ છે, જેમણે ખરાબ હવામાનમાં પણ ઉત્તમ પિચ તૈયાર કરી છે. અમે તેમને તેમની મહેનત માટે પુરસ્કાર આપવા માગીએ છીએ. IPLના 10 નિયમિત સ્થળો પર ગ્રાઉન્ડ્સમેન અને પિચ ક્યુરેટરને 25 લાખ રૂપિયા અને ત્રણ વધારાના સ્થળોને 10 લાખ રૂપિયા મળશે. તમારા સમર્પણ અને સખત મહેનત બદલ આભાર.’
IPLની આ સિઝન આ સ્થળો પર રમાઈ હતી
IPLની આ સિઝન 10 સ્થળો પર રમાઈ હતી. જેમાં ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, કોલકાતા, લખનઉ, ગુજરાત અને મુંબઈનો સમાવેશ થાય છે. દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સે પણ તેમની કેટલીક મેચ અન્ય ઘરેલું મેદાન પર રમી હતી. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ઉપરાંત, દિલ્હી વિશાખાપટ્ટનમમાં રમ્યું, પંજાબ મુલ્લાનપુર ઉપરાંત ધર્મશાલામાં રમ્યું જ્યારે રાજસ્થાને જયપુર ઉપરાંત ગુવાહાટીને તેના બીજા હોમ ગ્રાઉન્ડ તરીકે પસંદ કર્યું.
કોલકાતા ચેમ્પિયન બન્યું
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ IPL-2024નું ટાઈટલ જીતી લીધું છે. ટીમે ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને 8 વિકેટે હરાવ્યું હતું. કોલકાતા આ લીગમાં ત્રીજી વખત ચેમ્પિયન બન્યું છે. ટીમે 10 વર્ષ બાદ આ ખિતાબ જીત્યો છે. છેલ્લે કોલકાતા 2014માં ચેમ્પિયન બન્યું હતું.
રવિવારે ચેપોક મેદાન પર હૈદરાબાદે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. IPL ફાઈનલનો આ સૌથી ઓછો સ્કોર છે. કોલકાતાએ 10.3 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. IPL ફાઈનલમાં આ સૌથી ઝડપી રન ચેઝ છે. મિચેલ સ્ટાર્ક પ્લેયર ઑફ ધ ફાઈનલ રહ્યો હતો. તેણે 2 વિકેટ લીધી અને 2 કેચ પણ પકડ્યા.
IPL 2024ની ફાઈનલમાં કોલકાતાએ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું.