સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટર ઈશાન કિશને પહેલીવાર બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ના કોન્ટ્રાક્ટ અને રણજી ટ્રોફીમાં ન રમવા અંગે વાત કરી હતી. ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે અડધી સદી ફટકાર્યા બાદ તેણે કહ્યું કે, હું પ્રેક્ટિસ કરી રહ્યો હતો. જ્યારે મેં રમતમાંથી મારા માટે થોડો સમય કાઢ્યો ત્યારે લોકો ઘણી વાતો કરતા હતા. સોશિયલ મીડિયા પર ઘણી બાબતો સામે આવી છે. પરંતુ તમારે એ પણ સમજવું જોઈએ કે ઘણી વસ્તુઓ ખેલાડીઓના હાથમાં નથી હોતી. RCB સામેની મેચમાં મુંબઈ તરફથી ઈશાન કિશને 69 રનની ઈનિંગ રમી હતી.
હકીકતમાં, ઈશાન તેના રાજ્ય ઝારખંડ માટે રણજી રમવાને બદલે બરોડામાં તાલીમ લઈ રહ્યો હતો. જ્યારે BCCIએ ટીમ ઈન્ડિયા માટે નહીં રમી રહેલા સિનિયર ખેલાડીઓને ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રણજીમાં પોતાના રાજ્યો માટે રમીને પોતાની યોગ્યતા સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. તેના રણજી ન રમવાને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા હતા અને તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો.
ઈશાનને આ વર્ષે BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે BCCIએ આ કાર્યવાહી એટલા માટે કરી કારણ કે તે રણજી ટ્રોફીમાં ભાગ ન લઈને ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની તૈયારી કરી રહ્યો હતો.
બ્રેક દરમિયાન મારી વિચારસરણી બદલાઈ ગઈ- ઈશાન
ઈશાને વધુમાં કહ્યું કે, તમે એક જ વસ્તુ કરી શકો છો કે તમારા સમયનો યોગ્ય ઉપયોગ કરો. વળી, જો અગાઉનો ઈશાન કિશન આ ચોક્કસ પરિસ્થિતિમાં હોત તો તેની માનસિકતા કેવી હોત. મેં પહેલી બે ઓવરમાં ક્યારેય બોલ છોડ્યો નથી. ભલે તેઓ કેટલી સારી બોલિંગ કરતા હોય. હવે સમય સાથે હું શીખ્યો છું કે 20 ઓવર પણ એક મોટી મેચ છે. તમે તમારો સમય કાઢી શકો છો અને તમે આગળ વધી શકો છો. ભલે અમે મેચ હારી ગયા પણ અમે એક ટીમ તરીકે સાથે મળીને કામ કરવા માગીએ છીએ.
તેણે વધુમાં કહ્યું કે, મારામાં એવા બદલાવ આવ્યા છે જેમ કે જો હું પરફોર્મ નથી કરતો અને જો મને ખબર હોય કે અન્ય કોઈ પરફોર્મ નથી કરી રહ્યું તો હું તેમની સાથે વાત કરું છું. હું જાણવા માગુ છું કે તેઓ શું વિચારી રહ્યાં છે. તેથી આ બાબતોએ મને વિરામ દરમિયાન મદદ કરી.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ભારત પરત ફર્યો
કિશને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં ભારતીય ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેણે અંગત કારણોસર BCCI પાસે ભારત પરત ફરવા માટે પરવાનગી માગી હતી. કિશન દક્ષિણ આફ્રિકામાં T20 ટીમનો ભાગ હતો, પરંતુ તેને એક પણ T20 રમવાની તક મળી ન હતી. તે ODI ટીમનો ભાગ નહોતો. આ પછી તેનું નામ ટેસ્ટ સિરીઝમાં હતું, પરંતુ તે પહેલા જ ભારત પરત ફર્યો હતો. ત્યારથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે.