સ્પોર્ટ્સ ડેસ્ક7 કલાક પેહલા
- કૉપી લિંક
પાંચ વખતની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ તાજેતરમાં જ રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને ટીમના નવા કેપ્ટન તરીકે જાહેર કર્યો હતો. ફ્રેન્ચાઇઝીના આ નિર્ણયથી ચાહકો ખૂબ જ નિરાશ છે અને સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.
પ્રશંસકોની નારાજગી જોઈને ટીમના ગ્લોબલ ડાયરેક્ટર મહેલા જયવર્દનેએ નિવેદન આપ્યું છે. JIO સિનેમા સાથેના એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, આ એક મુશ્કેલ નિર્ણય હતો. સાચું કહું તો, તે ઇમોશનલ ડિઝીશન હતો. અમે ક્રિકેટ ચાહકોની ઇમોશન્સનું સન્માન કરીએ છીએ. મને લાગે છે કે દરેક વ્યક્તિ લાગણીશીલ છે અને આપણે તેનું પણ સન્માન કરવું જોઈએ. પરંતુ, તે જ સમયે, એક ફ્રેન્ચાઇઝી તરીકે તમારે આવા નિર્ણયો લેવા પડશે.
પંડ્યાને 15 ડિસેમ્બરે ટીમનો નવો કેપ્ટન જાહેર કર્યો હતો
પંડ્યાને 15 ડિસેમ્બરે ટીમના નવા કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ગુજરાત ટાઇટન્સ (GT) કેપ્ટન રોહિતનું સ્થાન લેશે, જેના નામે પાંચ IPL ટાઇટલ છે. નવેમ્બરમાં રિટેન્શન ડેડલાઈન પહેલા પંડ્યાનો GTથી MI સુધી ટ્રેડ થયો હતો. પંડ્યા માટે બે ફ્રેન્ચાઇઝી વચ્ચે ઓલ કેશ ડીલ હતું.

IPL-2022ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું.
ગુજરાતને પ્રથમ વખત ચેમ્પિયન બનાવ્યું
મુંબઈ ફ્રેન્ચાઈઝીએ રોહિત શર્મા બાદ કેપ્ટનશિપ માટે હાર્દિક પંડ્યા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પંડ્યાએ પહેલી જ સિઝનમાં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. ગુજરાતની ટીમ 2022ની સિઝનમાં ચેમ્પિયન અને 2023માં રનર્સઅપ બની હતી. પંડ્યાની વિદાય બાદ ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો છે.
પંડ્યા મુંબઈનો પાંચમો નિયમિત કેપ્ટન હશે
હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો પાંચમો નિયમિત કેપ્ટન હશે. તેના પહેલાં રોહિત શર્મા, રિકી પોન્ટિંગ, હરભજન સિંહ અને સચિન તેંડુલકર ટીમનું સુકાન સંભાળી ચૂક્યા છે.
IPLની બીજી સૌથી સફળ ટીમ
મુંબઈ ઈન્ડિયન્સ IPLની સૌથી સફળ ટીમોમાંથી એક છે. ટીમે અત્યાર સુધીમાં 5 ટાઇટલ જીત્યા છે. સૌથી વધુ IPL ટાઈટલ જીતવાની બાબતમાં આ ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સની બરાબર છે, ચેન્નાઈએ પણ 5 ટાઈટલ જીત્યા છે. આ ઉપરાંત ચેન્નઈની ટીમ 6 વખત રનર્સ અપ રહી છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ માત્ર એક જ વખત રનર્સઅપ રહી છે. તેથી CSK લીગની સૌથી સફળ ટીમ છે.