વડોદરા57 મિનિટ પેહલા
- કૉપી લિંક
કર્ણાટક પાંચમી વખત વિજય હજારે ટ્રોફી ટાઈટલ જીત્યું છે. ટીમે રવિવારે પ્રથમ વખત ફાઈનલ રમી રહેલા વિદર્ભને 36 રનથી હરાવ્યું હતું. વડોદરામાં પ્રથમ બેટિંગ કરતા કર્ણાટકે 6 વિકેટ ગુમાવીને 348 રન બનાવ્યા હતા. જવાબમાં વિદર્ભ 312 રન જ બનાવી શક્યું હતું.
સિઝનમાં 5 સદી ફટકારનાર વિદર્ભનો કેપ્ટન કરુણ નાયર માત્ર 27 રન જ બનાવી શક્યો હતો. ઓપનર ધ્રુવ શૌરેએ સદી ફટકારી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો ન હતો. કર્ણાટક તરફથી મિડલ ઓર્ડર બેટર રવિચંદ્રન સ્મરણએ 101 રનની ઇનિંગ રમી હતી. ટીમ તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ના, વાસુકી કૌશિક અને અભિલાષ શેટ્ટીએ 3-3 વિકેટ લીધી હતી.
કર્ણાટકની 3 વિકેટ વહેલી પડી ગઈ હતી કોટંબી સ્ટેડિયમમાં વિદર્ભે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. કર્ણાટકની શરૂઆત ખરાબ રહી હતી, ટીમે 67 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન મયંક અગ્રવાલ માત્ર 32 રન, દેવદત્ત પડિકલ માત્ર 8 અને કે.વી. અનીશ માત્ર 23 રન જ બનાવી શક્યા હતા. ત્યારબાદ સ્મરણે વિકેટકીપર કૃષ્ણન શ્રીજીત સાથે ઇનિંગની જવાબદારી સંભાળી હતી. બંનેએ ટીમના સ્કોરને 200ની પાર પહોંચાડી દીધો હતો.
કર્ણાટકનો કેપ્ટન મયંક અગ્રવાલ ફાઈનલમાં માત્ર 32 રન જ બનાવી શક્યો હતો.
સ્મરણની સદી, શ્રીજીથે ફિફ્ટી ફટકારી શ્રીજીથ 78 રન બનાવીને આઉટ થયો હતો, તેણે સ્મરણ સાથે ચોથી વિકેટ માટે 160 રનની ભાગીદારી કરી હતી. સ્મરણે સદી ફટકારીને ટીમનો સ્કોર 300ની પાર પહોંચાડ્યો હતો. તેણે અભિનવ મનોહર સાથે પાંચમી વિકેટ માટે 106 રન જોડ્યા. સ્મરણે 101 રન બનાવ્યા હતા, જ્યારે મનોહર 79 રન બનાવીને આઉટ થયો હતો.
અંતમાં કર્ણાટક તરફથી હાર્દિક રાજે 12 રન અને શ્રેયસ ગોપાલે 3 રન બનાવ્યા અને સ્કોર 348 રન પર લઈ ગયો. વિદર્ભ તરફથી દર્શન નલકાંડે અને નચિકેત ભૂતેએ 2-2 વિકેટ લીધી હતી. યશ ઠાકુર અને યશ કદમને 1-1 સફળતા મળી.
કર્ણાટક માટે રવિચંદ્રન સ્મરણે ફાઈનલમાં સદી ફટકારી હતી. તેણે સેમિફાઈનલમાં પણ 76 રન બનાવ્યા હતા.
ધ્રુવને વિદર્ભમાંથી કોઈનો સાથ મળ્યો નહોતો 349 રનના ટાર્ગેટ સામે વિદર્ભે 6ના રન રેટથી બેટિંગ કરી હતી. ઓપનર ધ્રુવ શૌરે એક છેડે ઊભો રહ્યો, પરંતુ તેની સામે સતત વિકેટો પડવા લાગી. યશ રાઠોડ 22, કરુણ નાયર 27, યશ કદમ 15, વિકેટકીપર જીતેશ શર્મા 34 અને શુભમ દુબે માત્ર 8 રન બનાવીને આઉટ થયા હતા.
પ્રસિદ્ધ ક્રિષ્નાએ ફાઈનલમાં વિદર્ભના કેપ્ટન કરુણ નાયરને બોલ્ડ કર્યો હતો.
ધ્રુવની વિકેટ પડતાં વિદર્ભની આશાઓ ખતમ થઈ ગઈ ધ્રુવ શૌરેએ સદી ફટકારી હતી, તે 110 રન બનાવીને આઉટ થયો હતો અને વિદર્ભની ફાઇનલમાં જીતવાની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. તેના પછી અપૂર્વ વાનખેડેએ 12 રન, નચિકેત ભુટેએ 5 રન અને દર્શન નલકાંડેએ 11 રન બનાવ્યા હતા. હર્ષ દુબેએ ઝડપી 63 રન બનાવ્યા, પરંતુ તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહીં. વિદર્ભ 312 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. કર્ણાટક તરફથી વાસુકી કૌશિક, પ્રસિદ્ધ ક્રિષ્ના અને અભિલાષ શેટ્ટીએ 3-3 વિકેટ લીધી હતી. હાર્દિક રાજને એક સફળતા મળી હતી.
વિદર્ભના ધ્રુવ શૌરેએ ક્વાર્ટર ફાઈનલ, સેમિફાઈનલ અને ફાઈનલમાં સદી ફટકારી હતી.
કર્ણાટક પાંચમી વખત ટાઈટલ જીત્યું કર્ણાટક પાંચમી વખત વિજય હજારે ટ્રોફીનું ટાઈટલ જીત્યું છે. ટીમ માત્ર પાંચમી ફાઈનલ રમી રહી હતી, તેમને ક્યારેય ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો ન હતો. ટીમે છેલ્લું ટાઇટલ 2019માં જીત્યું હતું. બીજી તરફ વિદર્ભે પ્રથમ વખત ફાઈનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ ટીમ રનર્સઅપ રહી હતી. હરિયાણાએ ગત સિઝનમાં ટાઈટલ જીત્યું હતું. કર્ણાટક સેમિફાઈનલમાં હરિયાણાને હરાવીને ફાઈનલમાં ક્વોલિફાય થયું હતું.