સ્પોર્ટ્સ ડેસ્ક42 મિનિટ પેહલા
- કૉપી લિંક
રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ફ્રેન્ચાઇઝીએ રવિવારે તેનું પ્રથમ લીગ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. 2008માં લીગ ક્રિકેટ રમવાની શરૂઆત કરનાર RCBને મહિલા ટીમ સાથે 16 વર્ષ બાદ સફળતા મળી. ટીમે વુમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
મેન્સ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ મહિલા ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાને RCBની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. ફાઈનલ પુરી થયા બાદ વિરાટે વીડિયો કોલ કર્યો અને મંધાના સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા. મંધાનાએ મેચ બાદ એમ પણ કહ્યું કે, ‘ઈસ બાર ઈ સાલા કપ નામદે નહીં, ઈ સાલા કપ નામદૂ.’
મંધાનાએ કહ્યું- કોહલીને ખુશ જોઈને આનંદ થયો
મેચ પુરી થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં મંધાનાએ કહ્યું, ‘વીડિયો કોલ દરમિયાન હું વિરાટના શબ્દો યોગ્ય રીતે સાંભળી શકી ન હતી. સ્ટેડિયમમાં ખૂબ જ ઘોંઘાટ હતો પરંતુ તેમના ચહેરા પર ખુશી હતી. આ જોઈને મને સારું લાગ્યું. છેલ્લી સિઝન ખરાબ ગયા બાદ તેમણે આખી ટીમ સાથે વાત કરી અને અમને વિશ્વાસ અપાવ્યો. જ્યારે હું બેંગલુરુ પહોંચીશ ત્યારે હું ચોક્કસપણે તેમની સાથે વાત કરીશ.

સ્મૃતિ મંધાના RCBને ફ્રેન્ચાઇઝી ખિતાબ સુધી પહોંચાડનારી પ્રથમ કેપ્ટન બની હતી.
‘ઈ સાલા કપ નામદે’ નહીં, ‘ઈ સાલા કપ નામદૂ’
સ્મૃતિ મંધાનાએ WPL ચેમ્પિયન ટ્રોફી પ્રાપ્ત કરતી વખતે તેના ફેન્સનો આભાર માન્યો હતો. તેણે કહ્યું, “મેં RCB જેટલા વફાદાર ફેન્સ ક્યારેય જોયા નથી. દર વર્ષે બધા કહેતા હતા, ‘ઈ સાલા કપ નામદે, ઈ સાલા કપ નામદે,’ તો આ વખતે ‘ઈ સાલા કપ નામદુ.’ આખરે અમે કપ જીત્યો.”
‘ઈ સાલા કપ નામદે’ કન્નડ ભાષામાં એક વાક્ય છે, જેનો અર્થ છે ‘આ વર્ષનો કપ આપણો છે’. જ્યારે ‘ઇ સાલા કપ નામદુ’ એટલે કે ‘આ વર્ષનો કપ આપણો થયો’. RCBએ કપ જીતતાની સાથે જ બેંગલુરુ શહેરમાં વિજયની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. ચાહકોએ આખી રાત ‘RCB-RCB’ના નારા લગાવ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

કોહલી રવિવારે જ ભારત પહોંચ્યો હતો
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી રવિવારે જ ભારત પહોંચ્યો હતો. તે તેમના બીજા બાળક ‘અકાય’ના જન્મ માટે પત્ની અનુષ્કા અને પુત્રી વામિકા સાથે લંડન ગયા હતા. અકાયનો જન્મ 15 ફેબ્રુઆરીએ થયો હતો. આ માટે વિરાટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી બ્રેક પણ લીધો હતો અને ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ પણ રમી ન હતી.
વિરાટ ટૂંક સમયમાં RCBના ટ્રેનિંગ કેમ્પમાં સામેલ થવાની આશા છે. કોહલી 2008થી RCBનો ભાગ છે. એક ખેલાડી તરીકે તેણે 2009 અને 2011માં RCB માટે IPL ફાઈનલ રમી હતી પરંતુ ટીમ જીતી શકી નહોતી. 2016માં, તેની કેપ્ટનશિપ હેઠળ, તેણે ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી પરંતુ ટીમ હૈદરાબાદ સામે 8 રનથી હારી ગઈ હતી.

IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન વિરાટ કોહલીના નામે છે. તેણે 16 સિઝનમાં 7263 રન બનાવ્યા છે.
RCB ફ્રેન્ચાઈઝી ઈતિહાસમાં 4 વખત રનર્સઅપ રહી
RCBએ ફ્રેન્ચાઈઝી ઈતિહાસમાં 3 અલગ-અલગ ટૂર્નામેન્ટ રમી છે, IPL, CLT20 અને WPL. મેન્સ ટીમે 3 IPL અને એક CLT20 ફાઈનલ રમી હતી પરંતુ એક પણ વખત ચેમ્પિયન બની શકી નથી. ટીમે 2011માં ચેમ્પિયન્સ લીગમાં ફાઈનલ રમી હતી પરંતુ ત્યારબાદ તેને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે ટીમે તેની બીજી સિઝનમાં વુમન્સ પ્રીમિયર લીગમાં સફળતા હાંસલ કરી છે. પ્રથમ સિઝનમાં ટીમ ચોથા સ્થાને રહીને પ્લેઓફ માટે પણ ક્વોલિફાય કરી શકી ન હતી.
સ્પિનર્સ અને પેરીએ RCBને જીત અપાવી
રવિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં DCએ પ્રથમ બેટિંગ કરી હતી. ટીમે 6 ઓવરમાં વિના વિકેટે 61 રન બનાવી લીધા હતા, અહીં શેફાલી વર્મા 44 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જે બાદ ટીમે 52 રનમાં છેલ્લી 9 વિકેટ ગુમાવી દીધી હતી અને 113 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્પિનર્સે 9 વિકેટ લીધી હતી.
RCBએ 114 રનના ટાર્ગેટને 19.3 ઓવરમાં 2 વિકેટના નુકસાને સરળતાથી હાંસલ કરી લીધો હતો. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 31, સોફી ડિવાઈને 32 અને એલિસ પેરીએ 35 રન બનાવ્યા હતા. વિકેટકીપર રિચા ઘોષે 17 રનની ઇનિંગ સાથે વિનિંગ શોટ રમ્યો અને ટીમને જીત તરફ દોરી ગઈ.

વુમન્સ પ્રીમિયર લીગની ટ્રોફી સાથે RCBની ટીમ.
RCBની એલિસ પેરીએ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી. જ્યારે 21 વર્ષની શ્રેયંકા પાટીલે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝનનો એવોર્ડ જીત્યો હતો. તેણે સૌથી વધુ 13 વિકેટ લઈને પર્પલ કેપ પણ જીતી હતી.

RCBની શ્રેયંકા પાટીલે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝનનો એવોર્ડ જીત્યો હતો.