સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) કમિશનરે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંતને લીગલ નોટિસ મોકલી છે. રિપોર્ટ અનુસાર, આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે શ્રીસંતે કોન્ટ્રાક્ટ તોડ્યો છે. શ્રીસંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ગૌતમ ગંભીરને નિશાન બનાવીને તેને હટાવવાની માગ કરવામાં આવી છે.
બુધવાર, 6 ડિસેમ્બરના રોજ, LLC 2023 એલિમિનેટર મેચમાં શ્રીસંત અને ગંભીર વચ્ચે ઝઘડો થયો હતો. મેચ બાદ શ્રીસંતે ગંભીર પર આરોપો લગાવ્યા હતા. પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે ગૌતમે મેચ દરમિયાન તેને ‘ફિક્સર’ કહ્યો હતો.
શ્રીસંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તેણે પહેલાં પ્રશંસકોનો આભાર માન્યો હતો અને ગંભીર સાથે મેદાન પર થયેલી બોલાચાલી પર સ્પષ્ટતા આપતાં તેણે ગંભીરને ફાઇટર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ગંભીર લડતો રહે છે, તે હંમેશા તેના સાથી ખેલાડીઓ સાથે લડતો રહ્યો છે.
શું છે સમગ્ર મામલો
6 ડિસેમ્બરે રમાયેલી આ મેચમાં ઈન્ડિયા કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇનિંગની બીજી ઓવરમાં ગુજરાત જાયન્ટ્સ તરફથી શ્રીસંત બોલિંગ કરી રહ્યો હતો, જ્યારે ગૌતમ ગંભીર સ્ટ્રાઈક પર હતો. ગંભીરે ઓવરના પહેલા બોલ પર સિક્સર અને પછીના બોલ પર ફોર ફટકારી હતી. ત્રીજો બોલ ડોટ હતો. ગંભીર ચોથા બોલ પર પણ કોઈ રન બનાવી શક્યો નહોતો. આના પર શ્રીસંત ગંભીર તરફ જોયો. ગંભીરે તરત જ જવાબ આપ્યો અને બોલાચાલી શરૂ થઈ ગઈ.
ગંભીરે શ્રીસંતની ઓવરના પહેલા બોલ પર સિક્સર અને બીજા બોલ પર ફોર ફટકારી હતી.
ગૌતમ ગંભીરે શ્રીસંતને જોતાં જ જવાબ આપ્યો.
IPL સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલો શ્રીસંત
IPL-2013માં સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં કથિત સંડોવણીને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની શિસ્ત સમિતિ દ્વારા શ્રીસંત પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બાદમાં 2019માં હાઈકોર્ટે આ પ્રતિબંધ ઘટાડીને 7 વર્ષ કરી દીધો હતો.
ભજ્જી સાથે શ્રીસંતનો વિવાદ
શ્રીસંત અને ભજ્જી વચ્ચે 2008માં વિવાદ થયો હતો. ત્યારબાદ શ્રીસંત કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) તરફથી રમતા હતા અને હરભજન મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા હતા. આ બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો હતો કે લાઈવ મેચમાં હરભજને શ્રીસંતને થપ્પડ મારી દીધી હતી.
પરિણામ એ આવ્યું કે હરભજન પર આખી સિઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જોકે, હવે બંને ખૂબ સારા મિત્રો બની ગયા છે.
IPL 2023માં ગંભીરની કોહલી સાથે ટક્કર થઈ હતી
લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ બાદ ગત સિઝનની IPL મેચ દરમિયાન ગૌતમ ગંભીરની વિરાટ કોહલી સાથે ટક્કર થઈ હતી. વાસ્તવમાં, આ મેચમાં વિરાટે ફિલ્ડિંગ દરમિયાન LSGના નવીન ઉલ હકને ઘણી વખત સ્લેજ કર્યો હતો. આટલું જ નહીં વિરાટ પર મેચ દરમિયાન નવીનને જૂતા દેખાડવાનો આરોપ પણ લાગ્યો હતો.
જો કે, વિરાટે કહ્યું હતું કે તેણે નવીનને જૂતું બતાવ્યું ન હતું, પરંતુ તે તેના જૂતા સાફ કરી રહ્યો હતો. મેચ પુરી થયા બાદ ગૌતમ ગંભીર વિરાટ પાસે ગયો અને તેની સાથે વાત કરી. જે બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અમિત મિશ્રા સહિત ઘણા ખેલાડીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી.