સ્પોર્ટ્સ ડેસ્ક32 મિનિટ પેહલા
- કૉપી લિંક
અરે…રે…હવે તો સચિન ગયો…ચાલો TV બંધ કરો…આવા શબ્દો પહેલાં ભારતીય ફેન્સના મુખેથી ખૂબ જ સંભળાતા હતા. લોકો ટીવી બંધ કરી દેતા અથવા તો ભગવાનને પ્રાર્થના કરવા બેસી જતા. પણ પછી એક એવો ક્રિકેટર આવ્યો કે જેને જોવા માટે સચિન આઉટ થયો હોય તોપણ લોકોને ટીવી સામે બેસી રહેવા મજબૂર કરી દીધા હતા. લોકોને આશા રહેતી કે તેંડુલકર આઉટ થયો તો કોઈ નહીં, વર્લ્ડનો બેસ્ટ ફિનિશર તો ટીમને નૈયા પાર કરાવી જ દેશે. એ ક્રિકેટર એટલે મહેન્દ્ર સિંહ ધોની.
વિશ્વના સૌથી સન્માનિત કેપ્ટનમાંના એક મહેન્દ્ર સિંહ ધોનીએ તેના બેટ, તેની આગેવાની અને સ્ટમ્પ પાછળની તેની શૈલીથી દેશને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણી જીત અપાવવામાં મદદ કરી છે. ભારતીય ચાહકો મેદાનમાં તેની પ્રભાવશાળી હાજરી ઝંખે છે. ધોની, માહી, કેપ્ટન કૂલ અને થાલા તરીકે ઓળખાય છે.
આજે કેપ્ટન કૂલના બર્થ-ડે પર આજે આપણે તેના કેપ્ટનશિપના કિસ્સા વિશે જાણીશું. તે સાથે જ તેની વિકેટકીપિંગ સ્કિલ્સ અને ખરા સમયે ભારત માટે બેટિંગ વિશે પણ જાણીશું…
તો ચાલો…ધોનીના કેપ્ટનશિપના કિસ્સાઓ વિશે જાણો…
1. જ્યારે ધોનીના માઇન્ડ ગેમની દુનિયાને ખબર પડી…
વર્ષ 2007માં 14 સપ્ટેમ્બરના રોજ ડરબનમાં રમાયેલી ગ્રૂપ મેચમાં ટીમ ઈન્ડિયા પહેલી બેટિંગ કરી રહ્યું હતું, જેમાં નિર્ધારિત ઓવરમાં ભારતે 141 રન કર્યા હતા, રોબિન ઉથપ્પાએ 50 રન બનાવ્યા હતા. તો મહેન્દ્રસિંહ ધોનીએ 33 રન કર્યા હતા. મોહમ્મદ આસિફે 4 વિકેટ લીધી હતી, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ પણ 141 રને જ અટકી ગઈ હતી. છેલ્લી ઓવરમાં એસ.શ્રીસંતની ધારદાર બોલિંગના કારણે પાકિસ્તાન જીતી શક્યું નહિ અને મેચ ટાઈમાં પરિણમી હતી.
ત્યારે મેચ ઑફિશિયલ્સે મેચનું પરિણામ લાવવા માટે બોલઆઉટ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં ભારતે ત્રણ બોલર સિલેક્ટ કર્યા હતા. હરભજન સિંહ, રોબિન ઉથપ્પા અને વિરેન્દ્ર સેહવાગને રાખ્યા હતા. આ તમામ ખેલાડીઓ સ્પિનર્સ છે. તો પાકિસ્તાને એક સ્પિનર અને બે ફાસ્ટ બોલર રાખ્યા હતા, જેમાં ભારતના ત્રણેય ખેલાડીઓએ બેઇલ્સ ઉડાડી હતી. તો પાકિસ્તાનના એકપણ ખેલાડી દાંડી ઉડાડી શક્યા નહોતા, જેના કારણે ટીમ ઈન્ડિયાએ આ મેચમાં જીત મેળવી હતી.
આ ફોટોમાં જોઈ શકો છો કે ધોની સ્ટમ્પ્સની વચ્ચે ઊભો છે.
આ બોલઆઉટમાં ભારતની જીતનો મુખ્ય આધાર ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ છે. તમે ઉપરના ફોટોમાં જોશો તો ધોની બોલઆઉટ વખતે એકદમ સ્ટમ્પ્સની પાછળ ઊભેલો છે, એટલે બોલર્સને સ્ટમ્પ્સને નિશાને લેવા માટે પર્ફેક્ટ જજમેન્ટ આવે, જે એકદમ સચોટ નીકળ્યું હતું અને ભારતના ત્રણેય બોલર્સે સ્ટમ્પ્સ ઉડાડ્યા હતા. જ્યારે તેની સરખામણીમાં પાકિસ્તાનનો વિકેટકીપર કામરાન અકમલ આડોઅવળો ઊભો છે, જેના કારણે પાકિસ્તાનના બોલર્સને જજમેન્ટ મેળવવું અઘરું થઈ પડ્યું હતું અને તે એકપણ વાર સ્ટમ્પ્સને અડી પણ શક્યો નહિ.
2. ઓસ્ટ્રેલિયાને પરચો દેખાડી દીધો…અમે પણ તમારા કરતાં ચડિયાતા છીએ
એમએસ ધોની પાસે ખરેખર જોરદાર મગજ છે, જેનાથી ભલભલી ટીમ પાણીમાં બેસી ગઈ છે. એક કિસ્સો યાદ આવે છે કે વર્ષ 2008માં CB સિરીઝ વખતે ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયા જીતની આરે હતી ત્યારે કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની માત્ર કેપ્ટનશિપના બીજા જ વર્ષમાં હતા, તેણે પોતાની ટીમ અને ડ્રેસિંગ રૂમમાં સ્પષ્ટપણે મેસેજ મોકલી દીધો હતો કે ટીમ જીતની ભારે ઉજવણી નહીં કરે. આમ કરવાથી પોન્ટિંગ એન્ડ કંપનીને એક મેસેજ મળશે કે તેઓ અપસેટનો શિકાર નથી બન્યા, પરંતુ ટીમ ઈન્ડિયા જેવી સ્ટ્રોન્ગ ટીમ સામે હાર્યા છે અને હવે આવું થતું રહેશે. આટલી નાની ઉંમર અને માત્ર બીજું જ વર્ષ હોવા છતાં ધોનીની આ સ્ટ્રેટેજીએ માત્ર કાંગારૂઓને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને સ્પષ્ટપણે એક મેસેજ આપી દીધો કે ભારતીય ટીમ કોઈપણ જગ્યાએ પોતાનં ઝંડો લહેરાવી શકે એમ છે.
3. ફાઈનલ ઓવરમાં હરભજનની જગ્યાએ જોગિન્દર શર્માને બોલ આપ્યો, પરિણામ… ભારત ચેમ્પિયન
24 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાઈ હતી. જોહાનિસબર્ગમાં રમાયેલી આ ફાઈનલમાં ભારતે પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરી હતી, જેમાં ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 157 રન બનાવ્યા હતા, જેમાં ગૌતમ ગંભીરે 54 બોલમાં 75 રન ફટકાર્યા હતા, તો રોહિત શર્માએ 16 બોલમાં જ 30 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ત્યારે 158 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી પાકિસ્તાનનો ધબડકો થયો હતો. જોકે મિસ્બાહ ઉલ હકે એક છેડો સાચવી રાખતાં મેચને છેલ્લી ઓવર સુધી ખેંચી હતી. છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 13 રનની જરૂર હતી અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સાવ નવા-સવા એવા જોગિન્દર શર્માના હાથમાં બોલ સોંપ્યો હતો.
જુઓ છેલ્લી ઓવરનો રોમાંચ… જોગિન્દર શર્મા ટુ મિસ્બાહ ઉલ હક…
19.1: જોગિન્દર શર્માએ પ્રેશરમાં આવીને પહેલો બોલ વાઈડ નાખ્યો હતો. હવે પાકિસ્તાનને જીતવા માટે 6 બોલમાં 12 રનની જરૂર.
19.1: જોગિન્દર શર્માએ આઉટ સાઇડ ઑફ સ્ટમ્પમાં બોલ નાખ્યો હતો અને મિસ્બાહ એને મારી શક્યો નહોતો અને બોલ ખાલી ગયો હતો. હવે પાકિસ્તાનને 5 બોલમાં 12 રનની જરૂર.
19.2: જોગિન્દર શર્માએ ફુલટોસ બોલ નાખ્યો, જેને મિસ્બાહે સીધો છગ્ગો ફટકારીને પાકિસ્તાનની છાવણીમાં જીતનો માહોલ સર્જી દીધો હતો. હવે પાકિસ્તાનને 4 બોલમાં માત્ર 6 રનની જરૂર.
19.3: મિસ્બાહને જોગિન્દર શર્માએ સ્લોઅર બોલ નાખ્યો હતો, જેને મિસ્બાહ થર્ડમેન ઉપરથી સ્કુપ શોટ મારીને ચોગ્ગો ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેનાથી સરખું ટાઈમિંગ થયું નહોતું અને તે થર્ડમેન પર ઊભેલા એસ. શ્રીસંતના હાથે કેચ આઉટ થયો હતો.
આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચીને પાકિસ્તાનને 5 રને હરાવીને T20 વર્લ્ડ કપનું સૌપ્રથમ ચેમ્પિયન બન્યું હતું. આ સાથે જ મહેન્દ્રસિંહની કેપ્ટનશિપનો સુવર્ણ યુગ પણ શરૂ થયો હતો.
4. 3 બોલમાં 2 રન અને ધોનીએ વિકેટ પાછળથી કરી કમાલ…
ભારત 2016 T-20 વર્લ્ડ કપમાં નિર્ણાયક મેચ હારી જવાના આરે હતું, કારણ કે બાંગ્લાદેશને છેલ્લી ઓવરમાં જીતવા માટે માત્ર 11 રનની જરૂર હતી. ધોનીએ તે છેલ્લી ઓવર હાર્દિક પંડ્યાને આપી. એ વખતે પંડ્યા સાવ નવો હતો.
પ્રથમ ત્રણ બોલમાં 9 રન આપ્યા બાદ મુશ્ફિકરે ભારતને મેચમાંથી વર્ચ્યુઅલ નોકઆઉટ મેચમાં બહાર કરી દેવાના કારણે સેલિબ્રેશન ચાલુ કરી દીધું હતું. અચાનક માહીના માઇન્ડે બધું પલટી નાખ્યું. મુશ્ફિકરે પંડ્યાની બોલિંગમાં ધોનીની જેમ ફિનિશ કરવાના લોભમાં ડીપ મિડવિકેટ પર શોટ માર્યો, પણ ત્યાં ઊભેલા શિખર ધવને કેચ કરી લીધો. આ પછીના બોલે પંડ્યાએ મહંમદુલ્લાહને ફુલટોસ નાખ્યો, જેમાં તે પણ છગ્ગાથી ફિનિશ કરવાના ઈરાદે ફરી ડીપ મિડવિકેટ સાઇડ શોટ માર્યો, પણ ત્યારે તેમણે ફિલ્ડર બદલીને જાડેજાને રાખ્યો હોવાથી તેણે શાનદાર ડાઇવ કેચ કર્યો હતો.
હવે બાંગ્લાદેશને 1 બોલમાં 2 રનની જરૂર હતી, એટલે ધોનીએ અગાઉ જ જમણા હાથના ગ્લવ્ઝ કાઢી નાખ્યા. સ્ટ્રાઈક પર શુભાગત હતો અને હાર્દિકે છેલ્લો બોલ નાખ્યો, શુભાગત ચૂકી ગયો અને ધોની વીજળીની માફક દોડીને રનઆઉટ કર્યો. આમ, માહીએ પોતાના પ્રેઝન્સ ઑફ માઇન્ડથી એકતરફી મળી રહેલી હારને રોમાંચક મેચને જીતમાં પલટીને ભારતને સેમી-ફાઈનલમાં પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
5. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈશાંત શર્માને ઓવર આપીને સૌને ચોંકાવી દીધા, પણ દાવ સફળ રહ્યો
ઇંગ્લેન્ડ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતશે એવી દરેક વ્યક્તિએ આગાહી કરી હતી. વરસાદના કારણે 50 ઓવરની ફાઈનલ 20 ઓવરની થઈ. ભારતે પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત ઓવરમાં 129 રન બનાવીને ઇંગ્લેન્ડને 130 રનનો ટાર્ગેટ આપ્યો. ટીમ ઈન્ડિયાના બોલર્સે સારી શરૂઆત કરી. પણ ઇઓન મોર્ગન અને રવિ બોપારા, બે બેટર્સ કે જેમણે ઇંગ્લેન્ડનો વિજયનો સરળ માર્ગ બનાવી દીધો હતો. ત્યારે ધોનીએ ઈશાંત શર્માને ઓવર આપી. ઈશાંતે એ દિવસે ખરાબ બોલિંગ કરી હતી. ઉપરાંત ઇંગ્લેન્ડને 18 બોલમાં માત્ર 28 રનની જ જરૂર હતી. ધોનીએ ઈશાંત પર વિશ્વાસ દર્શાવ્યો અને તેણે એ સાર્થક કરી બતાવ્યો.
શર્માએ ઓવરનો પહેલો બોલ વાઈડ નાખ્યો. આ પછી ધોનીએ ઈશાંત સાથે વાત કરી. ત્રીજા બોલમાં શર્માએ મોર્ગનને સ્લોઅર બોલ નાખ્યો અને સેટ બેટર મોર્ગન આઉટ થયો. પછી પાંચમા બોલે પણ ઈશાંતે વધુ એક સેટ બેટર રવિ બોપારાને શોર્ટ પિચ બોલ ફેંક્યો, જેમાં તે આઉટ થતાં ભારત ગેમમાં પરત ફર્યું હતું. છેલ્લી બે ઓવર ધોનીએ જાડેજા અને અશ્વિન પાસે નખાવી અને ચેમ્પિયન્સ ટ્રોફી 5 રને જીતીને ઈતિહાસ રચી દીધો. એ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની સાથે જ મહેન્દ્ર સિંહ ધોની એકમાત્ર એવો કેપ્ટન બન્યો, જેણે ICCની તમામ ટ્રોફી જીતી હોય. તમને જણાવી દઈએ કે આ રેકોર્ડ હજુ પણ તૂટ્યો નથી અને ભવિષ્યમાં કોઈ તોડી શકે તેના ચાન્સ પણ ખૂબ જ ઓછા છે.
6. વર્લ્ડ કપ ફાઈનલમાં ઇનફોર્મ યુવરાજ સિંહની જગ્યાએ પોતાને પ્રમોટ કર્યો
એક નિર્ણય, જેણે ધોનીને એક લેજેન્ડરી કેપ્ટન બનાવી દીધો અને એ છે 2011માં શ્રીલંકા વિરુદ્ધ વર્લ્ડ કપ ફાઈનલમાં પોતાને બેટિંગ ઑર્ડરમાં પ્રમોટ કરવો. શ્રીલંકાના ખેલાડીઓએ સ્કોરબોર્ડ પર 274 રનનો જબરદસ્ત સ્કોર બનાવ્યો. એ સ્કોર ફાઈનલમાં ક્યારેય કોઈએ ચેઝ કર્યો નહોતો અને ભારતનો રનચેઝ કરવામાં સ્કોર 114/3 હતો.
દરેકને અપેક્ષા હતી કે ફોર્મમાં રહેલા યુવરાજ સિંહ, જે એક શાનદાર ટુર્નામેન્ટ રમી રહ્યો હતો, આવશે અને સ્ટ્રાઇક લેશે. તેના બદલે ધોની જ આવ્યો. ધોનીની ફાઈનલ સુધીની સફર ટુર્નામેન્ટની એવરેજ રહી હતી અને તેના કારણે આખી દુનિયાને આશ્ચર્ય થયું હતું, પરંતુ બધાને ખોટા પાડતાં તેણે શાનદાર રીતે ગૌતમ ગંભીર (97 રન) સાથે મેચ વિનિંગ ભાગીદારી કરી. ધોની ત્યાર પછી રમતના શ્રેષ્ઠ ફિનિશરોમાંનો એક સાબિત થયો અને તેણે યુવરાજ સિંહ સાથે અંત સુધી બેટિંગ કરી. તેણે એક છગ્ગા સાથે ગેમ પૂરી કરી, જે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં યાદગાર ક્ષણોમાંની એક છે. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ 28 વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યો અને મહેન્દ્ર સિંહ ધોનીની ગણના દુનિયાના સફળ કેપ્ટનમાં થવા લાગી.
7. ‘નેગેટિવ’ ટેક્ટિક્સથી ઓસ્ટ્રેલિયા સામે મેચ જીતી
2008માં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારત 1-0થી આગળ હતું. ભારતે પ્રથમ બેટિંગ કરીને 441 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં માત્ર 49 ઓવરમાં 189/2 પર સારી બેટિંગ કરી રહ્યું હતું. ત્યાર બાદ ધોનીએ તેના બોલરોને ઑફ-સ્ટમ્પની બહાર બોલિંગ કરવા માટે સૂચના આપી.
ઘણા ટીકાકારોએ ધોનીની ‘નેગેટિવ’ વ્યૂહરચનાની ટીકા કરી અને ડ્રો માટે રમવા માટે તેની ઝાટકણી કાઢી. જોકે ઓસ્ટ્રેલિયાની ટીમ 356 રનમાં આઉટ થઈ ગઈ હતી. એ પછી, ભારતે અચાનક વળતો હુમલો કર્યો અને સેહવાગે 92 રન ફટકાર્યા, ધોનીએ ઝડપી અડધી સદી ફટકારીને 382 રનનો અસંભવિત લક્ષ્યાંક આપ્યો. ધોનીએ બધાને ખોટા પાડતાં ભારતે 172 રનનો વિજય મેળવ્યો અને દરેકને ટેસ્ટમાં ધોનીની કંઈક વિશેષ ઝલક મળી.
આ તો વાત કરી ધોનીની કેપ્ટનશિપની, પણ હવે વાત કરીએ વિકેટ પાછળના એવા સ્ટમ્પિંગ્સની, જેણે દાવ પલટી દીધા
1. રાઉન્ડ ધ વિકેટથી બોલ નાખ, પછી હું સંભાળી લઈશ
ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર રવિચંદ્રન અશ્વિને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુરેશ રૈના સાથે લાઇવ ચેટ વખતે ધોની વિશે વાત કરી હતી. તેણે કહ્યું, ‘ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં માહીભાઈએ મને આવીને કહ્યું કે જોનાથન ટ્રોટને તું રાઉન્ડ ધ વિકેટથી બોલિંગ કર, એટલે બોલ ટર્ન થશે અને હું તેને સ્ટમ્પ્ડ કરી લઈશ. મેં તેવી રીતે બોલ નાખ્યો અને જોનાથન ટ્રોટ આઉટ થયો. મને આજ સુધી ખબર નહીં પડી કે માહીભાઈએ તે પ્લાન કેવી રીતે મારી પાસે એક્ઝિક્યૂટ કરાવ્યો, પણ સફળતા મળી.’
2. શબ્બીર રહેમાનનો પગ હવામાં રહ્યો અને ખતમ, ધોનીએ સ્ટમ્પિંગ કર્યું
2016ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે વર્ચ્યુઅલ નોકઆઉટ મેચ રમી રહી હતી. ધોનીએ સુરેશ રૈનાના હાથમાં બોલ સોંપ્યો. સ્ટ્રાઈક પર શબ્બીર રહેમાન હતો. સુરેશ રૈનાએ લેગ સાઇડમાં બોલ નાખ્યો, જે વાઇડ ગયો, પરંતુ ત્યારે શબ્બીર રહેમાનનો એક પગ હવામાં હતો અને ધોનીએ આંખના પલકારામાં જ તેને સ્ટમ્પ્ડ કર્યો.
3. 0.08 સેકન્ડમાં જ બેટરને પેવેલિયન ભેગો કર્યો
વર્ષ 2018માં ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે વન-ડે મેચ હતી. એમાં રવીન્દ્ર જાડેજા બોલિંગ કરી રહ્યો હતો અને સ્ટ્રાઈક પર કિમો પોલ હતો. જાડેજાએ મિડલ સ્ટમ્પ પર બોલ ફેંક્યો, જે થોડો ટર્ન થઈ ગયો, જેમાં વિકેટની પાછળ ઊભેલા ધોનીએ માત્ર 0.08 સેકન્ડમાં કિમો પોલને સ્ટમ્પ્ડ કર્યો. માત્ર 0.08 સેકન્ડ એટલે આંખના પલકારા કરતાં પણ ઝડપથી સ્ટમ્પિંગ કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ સ્ટમ્પિંગ ક્રિકેટ ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ સ્ટમ્પિંગ છે.
4. નો લુક રનઆઉટ…
2017માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી વન-ડે મેચ હતી, જેમાં 46મી ઓવરમાં ઉમેશ યાદવના બોલ પર રોસ ટેલરે ફાઇન લેગ પર ફ્લિક શોટ માર્યો. બાઉન્ડરી પર ઊભેલા ધવલ કુલકર્ણીએ તેને રોકીને વિકેટકીપર તરફ ફેંક્યો. બધાને એમ હતું કે રોસ ટેલર બીજો રન આરામથી પૂરો કરી લેશે, પણ કેપ્ટન કૂલના મગજમાં કંઈ બીજું જ હતું. તેણે હાથના એક ગ્લવ્ઝ કાઢીને સ્ટમ્પને જોયા વગર ડાયરેક્ટ હિટ કર્યું . થર્ડ અમ્પાયર પાસે નિર્ણય ગયો અને પરિણામ… આઉટ. ધોનીના આ નો લુક રનઆઉટ ભારે ચર્ચામાં રહ્યા છે. તેની પ્રેઝન્સ ઑફ માઇન્ડ કમાલની હતી.
ફોટો ક્રેડિટ- BCCI.
5. મિચેલ માર્શને પ્રેઝન્સ ઑફ માઇન્ડથી પછડાટ આપી
વર્ષ 2016માં ભારત ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝ રમવા ગઈ હતી, જેમાં એક મેચમાં બ્રિએન્દર સરને ગ્લેન મેક્સવેલને બોલ ફેંક્યો, તો મેક્સવેલે કવર પર શોટ માર્યો. ઉમેશ યાદવે બાઉન્ડરી રોકીને વિકેટકીપર સાઇડ થ્રો કર્યો. હવે ત્રીજો રન પૂરો કરવામાં મિચેલ માર્શ સ્ટ્રાઈક એન્ડ પર જતો હતો. ત્યારે ધોનીએ તેની પાસે બોલ હજુ ના આવતો હોય, એવી રીતે હાથ નીચે રાખ્યા, જેને લીધે માર્શ ધીમો પડી ગયો, પણ ફરી એક જ સેકન્ડમાં ધોનીએ તેને રનઆઉટ કરીને ઓસ્ટ્રેલિયન કેમ્પમાં સોંપો પાડી દીધો. આમ, તેની ઝલક ઓસ્ટ્રેલિયન ખેલાડીને જોવા મળી હતી.
હવે આપણે એવા ટૉપ-5 ઇનિંગ્સ વિશે વાત કરીશું, જેનો ઉલ્લેખ વર્ષો સુધી થતો રહેશે…
1. આ ઇનિંગ્સનો રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યો નથી
2005માં, જયપુરમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની ક્રિકેટ મેચ દરમિયાન, એમએસ ધોનીએ તેનો સર્વોચ્ચ ODI સ્કોર બનાવ્યો હતો. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને 298/4નો પડકારજનક ટોટલ બનાવ્યો હતો. આટલા મોટા ટાર્ગેટને ચેઝ કરવો તે સમયે અસામાન્ય હતું. જ્યારે ભારતે તેમની ઇનિંગ્સ શરૂ કરી, ત્યારે ટીમે સચિન તેંડુલકરને વહેલો ગુમાવ્યો, અને ધોનીને નંબર 3 પર બેટિંગ કરવા મોકલ્યો. તે ક્ષણથી, તેણે ચેઝ કરવાની સંપૂર્ણ જવાબદારી લીધી. ધોનીએ 145 બોલમાં15 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી અણનમ 183 રન ફટકારીને અદભુત ઇનિંગ રમી હતી. વન-ડેમાં વિકેટકીપરે બનાવેલો આ સર્વોચ્ચ સ્કોર છે. ભારતે 46.1 ઓવરમાં 303/4નો સ્કોર કરીને ટાર્ગેટને સફળતાપૂર્વક ચેઝ કર્યો અને ગેમ જીતી લીધી.
2. યુવી-ધોનીની જોડીના કારણે ભારતે અંગ્રેજોને હરાવ્યું
2017માં, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ODI મેચ દરમિયાન, એમએસ ધોનીએ એક શાનદાર ઇનિંગ રમી હતી. ભારતની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ ધોનીએ યુવરાજ સિંહ સાથે મળીને શાનદાર ભાગીદારી કરીને રમતને ફેરવી નાખી હતી. તેઓએ એકસાથે 256 રન ઉમેર્યા, બંનેએ સદી ફટકારી. યુવરાજ 150 રન બનાવીને આઉટ થયો હોવા છતાં ધોનીએ તેની શાનદાર રમત ચાલુ રાખી હતી. તેણે 122 બોલમાં 134 રન બનાવ્યા જેમાં છ છગ્ગા અને દસ ચોગ્ગા સામેલ હતા. ભારતે મેચ 15 રને જીતી લીધી, જેમાં ધોનીનું પ્રદર્શન તેની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાંનું એક હતું.
3. પાકિસ્તાન સામે લડાયક સદી ફટકારી, ટીમ ઈન્ડિયાને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યું
ધોનીએ સાતમા ક્રમે સદી ફટકારીને વન-ડેમાં ઈતિહાસ રચ્યો હતો. એક યાદગાર સદી ડિસેમ્બર 2012માં ચેન્નઈમાં પાકિસ્તાન સામે હતી. આ છેલ્લી વખત પાકિસ્તાને ભારતમાં દ્વિપક્ષીય શ્રેણી રમી હતી. પાકિસ્તાને ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે 9.4 ઓવરમાં માત્ર 29 રનમાં પોતાના ટોચના પાંચ બેટર્સની વિકેટ ગુમાવી દીધા હતા. ધોનીએ ત્યારે સુરેશ રૈના (43) સાથે 73 રનની ભાગીદારી કરી અને બાદમાં રવિ અશ્વિન (31*) સાથે અણનમ 125 રનની ભાગીદારી કરી. ધોનીની અણનમ સદી, 125 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 113 રન કરીને ભારતને 227/6 સુધી પહોંચાડવામાં મદદ કરી. જવાબમાં પાકિસ્તાને ટાર્ગેટ ચેઝ કરી લીધો. ભારતની હાર છતાં ધોનીની લડાયક ઇનિંગના કારણે તેને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કર્યો હતો.
4. ટેસ્ટમાં બેસ્ટ ઇનિંગ રમી…હજુ સુધી આ રેકોર્ડ કોઈ તોડી શક્યો નથી
એમ.એસ. ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે 224 રન સાથે સૌથી વધુ ટેસ્ટ સ્કોરનો રેકોર્ડ ધરાવે છે. તેણે નિર્ણાયક સમયે આ ઇનિંગ રમી હતી. તે જ્યારે ક્રિઝ પર આવ્યો ત્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા કરતા 380 રનથી પાછળ હતું. તે આવ્યો ત્યારે ભારતનો સ્કોર 196/4 હતો. ધોનીએ વિરાટ કોહલી સાથે મળીને પાંચમી વિકેટ માટે 128 રનની ભાગીદારી કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયન બોલરો સામે આક્રમક રીતે રમીને 24 બાઉન્ડરી અને છ સિક્સર ફટકારી હતી. પહેલી ઇનિંગમાં ભારતની 198 રનની લીડમાં ધોનીની ઇનિંગ્સે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું, જેના કારણે આ ગેમ ભારતે જીતી લીધી હતી.
5. એ ઇનિંગ…એ છગ્ગો..ગંભીર સાથે મહત્ત્વપૂર્ણ ભાગીદારી…અને ભારત 28 વર્ષે વર્લ્ડ ચેમ્પિયન બન્યું
2011માં, એમએસ ધોનીએ વાનખેડે સ્ટેડિયમ ખાતે શ્રીલંકા સામેની ફાઈનલમાં સિક્સર ફટકારીને ભારતને બીજો વન-ડે વર્લ્ડ કપ અપાવ્યો હતો. તે ભારતીય ક્રિકેટની સૌથી યાદગાર ક્ષણોમાંની એક છે. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને મહેલા જયવર્દનેના અણનમ 103 રનની મદદથી 284/6 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકર (18) અને વીરેન્દ્ર સેહવાગ (0)ને શરૂઆતમાં ગુમાવ્યા બાદ ભારતે દબાણનો સામનો કરવો પડ્યો હતો. ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી (35)એ 83 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. ધોની, યુવરાજ સિંહ અને સુરેશ રૈનાથી આગળ પોતાની જાતને પ્રમોટ કર્યો, પછી ગંભીર સાથે જોડાયો અને સાથે મળીને 109 રન જોડ્યા. ધોનીના 79 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 91* રનની મદદથી ભારતે 48.2 ઓવરમાં 277/4ના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો. આ સાથે જ તેને ફાઈનલમાં પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ મળ્યો હતો.