6 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ને સુધારવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. BCCIના પ્રમુખ રોજર બિન્નીને તેના વડા બનાવવામાં આવ્યા છે. જ્યારે BCCI સેક્રેટરી જય શાહને તેના કન્વીનર બનાવવામાં આવ્યા છે.
આ સમિતિમાં IPLના અધ્યક્ષ અરુણ ધૂમલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય રાજીવ શુક્લા, આશિષ શેલાર, દેવજીત સૈકિયા, મધુમતી લેલે અને પ્રભતેજ ભાટિયાના નામ સામેલ છે.
WPL 2024 માટે મીની ઓક્શન 9 ડિસેમ્બરે યોજાશે
WPLની બીજી સિઝન માટે મીની ઓક્શન 9 ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે. ઓક્શન માટે 165 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 104 ભારતીય અને 61 વિદેશી ખેલાડીઓ છે. વિદેશીઓમાં 15 ખેલાડીઓ એસોસિયેટ દેશોના પણ છે.
હાલમાં 5 ટીમમાં માત્ર 30 ખેલાડીઓની જગ્યા ખાલી છે, જેમાંથી 9 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે અનામત છે. ટુર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં શરૂ થઈ શકે છે. તે માર્ચના બીજા સપ્તાહ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
165 ખેલાડીઓમાંથી 109 અનકેપ્ડ ખેલાડીઓ
WPL ઓક્શનમાં નોંધાયેલા 165 ખેલાડીઓમાંથી 56ને T-20 ઇન્ટરનેશનલ રમવાનો અનુભવ છે. એવા 109 અનકેપ્ડ ખેલાડીઓ છે જેમણે પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું નથી. ઓક્શનમાં 61 વિદેશી ખેલાડીઓ હશે જેમાં એસોસિયેટ રાષ્ટ્રોના 15 ખેલાડીઓ પણ સામેલ છે. અમેરિકન લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર તારા નોરિસ પણ એસોસિયેટ ખેલાડીઓમાં સામેલ હશે, જે સિઝન 1માં દિલ્હી તરફથી રમી હતી.
50 લાખની બેઝ પ્રાઇસ માત્ર 2 ખેલાડીઓ
WPL ઓક્શનની યાદીમાં માત્ર 2 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝની ડિઆન્ડ્રા ડોટિન અને ઓસ્ટ્રેલિયાની કિમ ગાર્થનો સમાવેશ થાય છે. 4 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 40 લાખ રૂપિયા છે, જેમાં ઇંગ્લેન્ડની વિકેટકીપર એમી જોન્સ, દક્ષિણ આફ્રિકાની ફાસ્ટ બોલર શબનીમ ઈસ્માઈલ, ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડ અને જ્યોર્જિયા વેરહેમનો સમાવેશ થાય છે.
ગુજરાત જાયન્ટ્સ પાસે સૌથી વધુ પર્સ
WPLની 5 ટીમમાં ગુજરાત જાયન્ટ્સ પાસે સૌથી વધુ 5.95 કરોડ રૂપિયા બાકી છે, જેમાંથી તેણે 10 ખેલાડીઓ ખરીદવાના છે. યુપી વોરિયર્સે 5 અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 7 ખેલાડીઓ ખરીદવાના છે. યુપી પાસે 4 કરોડ રૂપિયા અને RCB પાસે 3.35 કરોડ રૂપિયા બાકી છે.
સિઝન-1ની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પાસે ઓછામાં ઓછા 2.1 કરોડ રૂપિયા બાકી છે, જેમાંથી તેણે 5 ખેલાડીઓ ખરીદવાના છે. રનર અપ દિલ્હી કેપિટલ્સ પાસે 2.25 કરોડ રૂપિયા બાકી છે, જેમાંથી તેણે માત્ર 3 ખેલાડીઓ ખરીદવાના છે.
તમામ ટીમ પાસે કુલ 15 કરોડ રૂપિયા છે, પરંતુ ઓક્શન પહેલા ટીમે ઘણા ખેલાડીઓને રિટેન પણ કર્યા હતા. તમામ પાંચ ટીમ એ જ પર્સ સાથે ઓક્શનમાં પ્રવેશ કરશે જે ઇનકમ જાળવી રાખ્યા પછી બચશે.