8 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 26 જાન્યુઆરીએ અમદાવાદમાં કોલ્ડપ્લેના કોન્સર્ટમાં ભાગ લીધો હતો. પીઠની ઈજાના કારણે ટીમની બહાર રહેલો બુમરાહ કોન્સર્ટમાં ખૂબ જ મસ્તી કરતો જોવા મળ્યો હતો. જ્યારે કોલ્ડપ્લેના લીડ સિંગર ક્રિસ માર્ટિને બુમરાહનું નામ ઓડિયન્સમાં લીધું ત્યારે ચાહકોનો જોશ જોવા જેવો હતો. બ્રિટિશ બેન્ડે ભારતીય ફાસ્ટ બોલર માટે કેટલીક લાઈનો પણ ગાઈ હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
બુમરાહ માટે સ્પેશિયલ સોંગ ગાયું
કોન્સર્ટમાં બ્રિટિશ બેન્ડે ભારતીય ફાસ્ટ બોલરનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેના માટે કેટલીક લાઈનો ગાઈ. બેન્ડે મજાકમાં કહ્યું કે તમે જ્યારે એક બાદ એક ઈંગ્લેન્ડની વિકેટ લો છો ત્યારે અમને ગમતું નથી. કોલ્ડપ્લે કોન્સર્ટમાં તેમના લીડ સિંગરે ગાયુ, ઓ જસપ્રીત બુમરાહ, મારા ભાઈ. ક્રિકેટ જગતમાં સૌથી શ્રેષ્ઠ બોલર. ઇંગ્લેન્ડ સામે એક પછી એક તમારી વિકેટ જોઈને અમને મજા નથી આવતી.
સ્ટેજ પર સિંગરે બુમરાહની સહી કરેલી જર્સી બતાવી હતી
કોલ્ડપ્લેએ અમદાવાદમાં બુમરાહના સન્માનમાં મંચ પર તેમની સહી કરેલી ટેસ્ટ જર્સી પ્રદર્શિત કરી હતી. આ પહેલીવાર નથી જ્યારે કોલ્ડપ્લેએ ભારતમાં તેમના કોન્સર્ટમાં બુમરાહનો ઉલ્લેખ કર્યો હોય. અગાઉ મુંબઈ શો દરમિયાન બેન્ડે 2024 ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લેન્ડની બેટિંગ લાઇન-અપ સામે બુમરાહનો વીડિયો ચલાવ્યો હતો.
મુંબઈમાં પણ બુમરાહના નામની બૂમો પડી હતી
તે જ શોમાં ક્રિસ માર્ટિને મજાક કરી હતી કે કોન્સર્ટ દરમિયાન બુમરાહના નામનો ઉપયોગ કરવા બદલ બેન્ડને બુમરાહના વકીલો તરફથી કાનૂની નોટિસ મળી હતી. કાલ્પનિક લેટર વાંચતી વખતે માર્ટિને કહ્યું હતું કે, ‘હું ખૂબ જ દિલગીર છું, પરંતુ મારે જસપ્રિત બુમરાહના વકીલનો લેટર વાંચવો છે. મારે આ કરવું પડશે, કારણ કે નહીં તો અમને જેલ થઈ શકે છે અને અમે અમદાવાદમાં પર્ફોમ કરી શકીશું નહીં.
તેમણે શો દરમિયાન અન્ય ઘણા રેફરેન્સ આપ્યા ત્યારબાદ બુમરાહ પોતે આખરે કોન્સર્ટમાં પહોંચ્યો. 26 જાન્યુઆરીનો શો હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. બુમરાહને ટીવી પર લાઈવ જોઈને ભારતીય ક્રિકેટ ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા. બુમરાહે પણ કોન્સર્ટની મજા માણી હતી અને ચાહકોથી ભરેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના વાતાવરણને પણ માણ્યું હતું.
કોન્સર્ટ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આ તસવીર ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીએ શેર કરી છે.
શો દરમિયાન સ્ટેડિયમમાં ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા.
ક્રિસે પ્લેલિસ્ટના અંતે AR રહેમાનનું 1997નું ગીત મા તુઝે સલામ ગાયું હતું.