સ્પોર્ટ્સ ડેસ્ક5 કલાક પેહલા
- કૉપી લિંક
ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ મંગળવારે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર અને ઓલરાઉન્ડર ઈમાદ વસીમે કમબેક કર્યું છે.
ટીમની આગેવાની બાબર આઝમને સોંપવામાં આવી છે. ન્યૂઝીલેન્ડની ટીમ પાંચ મેચની T20 શ્રેણી માટે પાકિસ્તાનના પ્રવાસે જશે. શ્રેણીની પ્રથમ મેચ 18 એપ્રિલે રાવલપિંડીમાં રમાશે.
બાબરને ફરીથી ODI અને T20નો કેપ્ટન બનાવવામાં આવ્યો
થોડા દિવસો પહેલા પાકિસ્તાન બોર્ડે બાબર આઝમને ફરીથી ODI અને T20ના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા હતા. ODI વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ બાબરે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દીધી હતી. આ પછી શાન મસૂદને ટેસ્ટનો કેપ્ટન અને શાહીન આફ્રિદીને T20 ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ન્યૂઝીલેન્ડ સામેની પાકિસ્તાનની ટીમ
બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખર ઝમાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ આમિર, મોહમ્મદ ઈરફાન નિયાઝી, નસીમ શાહ, સૈમ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી, ઉસામા મીર, ઉસ્માન ખાન અને જમાન ખાન.
આમિર અને ઈમાદ નિવૃત્તિમાંથી પરત ફર્યા
પાકિસ્તાનના ડાબા હાથના મીડિયમ ફાસ્ટ ઝડપી બોલર મોહમ્મદ આમિર અને સ્પિન-ઓલરાઉન્ડર ઈમાદ વસીમ ગયા મહિને નિવૃત્તિમાંથી પરત ફર્યા છે. આમિરે 2019માં ટેસ્ટ ક્રિકેટમાંથી અને ડિસેમ્બર 2020માં વ્હાઇટ બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ઇમાદે નવેમ્બર 2023માં નિવૃત્તિ લીધી અને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે તે વિદેશી લીગમાં રમવા પર ધ્યાન કેન્દ્રિત કરે.
આમિરે 50 T20I મેચોમાં 59 વિકેટ લીધી છે
આમિરે પાકિસ્તાન માટે 50 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 59 વિકેટ લીધી છે. જ્યારે તેની સર્વશ્રેષ્ઠ 13 રનમાં 4 વિકેટ હતી. આ સિવાય તેણે 36 ટેસ્ટ મેચમાં 119 વિકેટ લીધી હતી જ્યારે 61 વન-ડે મેચમાં તેણે 81 વિકેટ ઝડપી હતી.
ઇમાદની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ઈમાદ વસીમે પાકિસ્તાન માટે 55 ODI અને 66 T20 મેચ રમી છે. આ લેફ્ટ આર્મ સ્પિનરે વન-ડેમાં 44 અને ટી-20માં 65 વિકેટ ઝડપી છે. વન-ડેમાં તેના 986 રન અને T20માં 486 રન છે.