સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
હાર્દિક પંડ્યા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની તાજેતરની T-20 ખેલાડીઓની રેન્કિંગમાં ઓલરાઉન્ડરમાં ટોચ પર પહોંચી ગયો છે. તેને બે સ્થાનનો ફાયદો થયો છે. તેણે શ્રીલંકાના ખેલાડી વાનિન્દુ હસરંગા અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસને પાછળ છોડી દીધા છે.
T-20 વર્લ્ડ કપ બાદ બુધવારે ICCએ રેન્કિંગ જાહેર કર્યા હતા. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ 844 રેટિંગ સાથે બેટિંગમાં પ્રથમ સ્થાને છે. સૂર્યકુમાર યાદવ બીજા નંબર પર યથાવત છે.
હાર્દિક કેમ ટોચ પર પહોંચ્યો?
3 દિવસ પહેલાં પંડ્યાએ વર્લ્ડ કપ ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે મહત્વની ક્ષણોમાં વિકેટ લઈને જીત મેળવી હતી. તેણે સેટ બેટર હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરને આઉટ કર્યા. તેણે વર્લ્ડ કપની 8 મેચમાં 11 વિકેટ ઝડપી હતી. તેણે બાંગ્લાદેશ સામે સુપર-8 મેચમાં અણનમ 50 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપમાં તેણે 48ની એવરેજથી 144 રન બનાવ્યા હતા.
ટ્રેવિસ હેડ રેન્કિંગમાં ટોચ પર યથાવત
ટ્રેવિસ હેડ હજુ પણ T-20 બેટર્સની રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ધરાવે છે. છેલ્લી વખત જ્યારે હેડ નંબર વન બન્યો ત્યારે તેનું રેટિંગ 844 હતું જે હજુ પણ એટલું જ છે. ભારતીય બેટર સૂર્યકુમાર યાદવ 838 રેટિંગ સાથે બીજા સ્થાને છે.
બુમરાહે 12 સ્થાનની છલાંગ લગાવી
T20 વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરનાર જસપ્રીત બુમરાહે બોલિંગ રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહેલા બુમરાહ 12 સ્થાનની છલાંગ લગાવીને 12માં સ્થાને પહોંચી ગયો છે. બોલિંગ રેન્કિંગમાં ટૉપ-10માં બે ભારતીય છે.