મુંબઈ3 કલાક પેહલા
- કૉપી લિંક
મુંબઈએ આગામી રણજી ટ્રોફીની નવી સિઝનની પ્રથમ બે મેચ માટે 15 સભ્યોની ટીમ બહાર પાડી છે. ભારતના યુવા બેટર પૃથ્વી શોને આમાં સ્થાન મળ્યું નથી.
અજિંક્ય રહાણે સતત બીજી સિઝનમાં ટીમનું સુકાન સંભાળશે. 2023માં, મુંબઈની ટીમ એલિટ ગ્રુપ Bમાં ચોથા સ્થાને રહી અને નોકઆઉટ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી.
મુંબઈ 5 જાન્યુઆરીએ બિહાર સામે તેમના અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ 12થી 15 જાન્યુઆરી સુધી આંધ્ર પ્રદેશ સાથે ટક્કર થશે.
શો ઇંગ્લેન્ડમાં ઈજાગ્રસ્ત થયો હતો
ગયા વર્ષે શો કાઉન્ટી ક્રિકેટ ટીમ નોર્થમ્પટનશાયરનો ભાગ બન્યો હતો. સપ્ટેમ્બરમાં ડરહામ સામેની મેચમાં તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. તે પછી તે 3 મહિનાના રિકવરી બ્રેક પર હતો. જોકે, મુંબઈ ક્રિકેટ એસોસિયેશને શોના ટીમમાં ન હોવા અંગે કંઈ કહ્યું નથી. શોએ મુંબઈ માટે 44 રણજી મેચમાં 12 સદીની મદદથી 3802 રન બનાવ્યા છે.
પૃથ્વી શોએ વન-ડે કપમાં સમરસેટ સામે 244 રનની રેકોર્ડ ઇનિંગ રમી હતી.
અથર્વ અંકોલેકરને પ્રથમ વખત તક મળી
23 વર્ષનો લેફ્ટ આર્મ સ્પિનર અથર્વ અંકોલેકર પ્રથમ વખત ટીમ સાથે જોડાયો છે. 2020માં, અથર્વ ભારતીય અંડર-19 ટીમનો ભાગ હતો. 31 ડિસેમ્બર રવિવારના રોજ, અંકોલેકરે પોલીસ જીમખાના ખાતે યોજાયેલી પોલીસ શિલ્ડની ફાઈનલમાં ન્યૂ હિંદ સ્પોર્ટિંગ ક્લબ સામે વિજય ક્રિકેટ ક્લબ માટે 70 રન બનાવ્યા અને 5 વિકેટ લીધી હતી.
અથર્વ પાસે 8 લિસ્ટ A મેચ અને 12 T20 મેચનો અનુભવ છે.
જયસ્વાલ અને સૂર્યા પણ ટીમમાં નથી
શો ઉપરાંત, યશસ્વી જયસ્વાલ અને સૂર્યકુમાર યાદવ પણ આ સિઝનની પ્રારંભિક રમતોમાં ટીમનો ભાગ નથી. જોકે, બંને ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમના નિયમિત ખેલાડી બની ગયા છે.
મુંબઈ રણજીની સૌથી સફળ ટીમ છે પરંતુ 2015-16થી તે ટાઈટલ જીતી શકી નથી
રણજી ટ્રોફીના ઈતિહાસમાં મુંબઈ સૌથી સફળ ટીમ છે. તેઓએ 88 સિઝનમાં 39 વખત ટ્રોફી જીતી છે જે 44.3 ટકા છે. આ પછી બીજી સૌથી સફળ ટીમ કર્ણાટક છે જેણે 8 વખત ટાઈટલ જીત્યું છે. જોકે, મુંબઈએ 2015-16 સિઝન પછી એક પણ ટાઇટલ જીત્યું નથી. ત્યારપછી મુંબઈએ બે વખત ફાઈનલ રમી હતી, જેમાં તે જીતી શકી નહોતી. અગાઉની (2022-23) સિઝન સૌરાષ્ટ્રે જીતી હતી.
પ્રથમ બે રણજી મેચ માટે મુંબઈની ટીમની ટીમ- અજિંક્ય રહાણે (કેપ્ટન), જય બિસ્તા, ભૂપેન લાલવાણી, હાર્દિક તામોર, સરફરાઝ ખાન, શિવમ દુબે, સુવેદ પારકર, પ્રસાદ પવાર, શમ્સ મુલાની, તનુષ કોટિયન, તુષાર દેશપાંડે, મોહિત અવસ્થી, ધવલ કુલકર્ણી, રોયસ્ટન ડાયસ અને અથર્વ અંકોલેકર.