સ્પોર્ટ્સ ડેસ્ક3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગોવા અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની રણજી મેચમાં એક એવું પરાક્રમ થયું છે જેણે વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું છે. હકીકતમાં, ગોવાના મિડલ ઓર્ડર બેટર કશ્યપ બાકલે 269 બોલમાં 300 રનની અણનમ ઇનિંગ રમી હતી, જ્યારે સ્નેહલ કૌથાનકરે માત્ર 215 બોલમાં 45 ફોર અને 4 સિક્સરની મદદથી અણનમ 314 રન બનાવ્યા હતા. બંનેએ સાથે મળીને ત્રીજી વિકેટ માટે 448 બોલમાં 606 રનની અણનમ ભાગીદારી કરી હતી. આમ કરીને બંનેએ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. હકીકતમાં, રણજી ટ્રોફી ટુર્નામેન્ટના 90 વર્ષના ઈતિહાસમાં કોઈપણ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે. આ પહેલાં રણજી ટ્રોફીમાં સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ મહારાષ્ટ્રના સ્વપ્નિલ સુગાલે અને અંકિત બાવનેનું હતું, જેમણે વર્ષ 2016માં દિલ્હી સામેની મેચમાં ત્રીજી વિકેટ માટે કુલ 594 રન જોડીને જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં આ માત્ર બીજી વખત છે જ્યારે કોઈ વિકેટ માટે 600થી વધુ રનની ભાગીદારી થઈ હોય. આ પહેલાં વર્ષ 2006માં શ્રીલંકાના કુમાર સંગાકારા અને મહેલા જયવર્દનેએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં 624 રનની ભાગીદારી કરી હતી. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં કુમાર સંગાકારા (287 રન) અને મહેલા જયવર્દને (374 રન)એ ઇનિંગ્સ રમી હતી.
રણજી ટ્રોફીમાં પહેલીવાર 600થી વધુ રનની ભાગીદારી ગોવાના કશ્યપ બાકલે અને સ્નેહલ કૌથાનકર વચ્ચે 606 રનની મેરેથોન ભાગીદારી રણજી ટ્રોફીમાં કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે. રણજી ટ્રોફીમાં પહેલીવાર 600થી વધુ રનની ભાગીદારી થઈ છે.
રણજી ટ્રોફીમાં આવું પણ બીજીવાર બન્યું રણજી ટ્રોફી મેચમાં, બે બેટર્સે એક જ ઇનિંગ્સમાં ત્રિપલ સેન્ચુરી ફટકારી હતી, જે રણજી ટ્રોફીના ઇતિહાસમાં માત્ર બીજી વખત બન્યું છે. આ પહેલાં વર્ષ 1989માં ગોવા સામેની મેચમાં તમિલનાડુના ડબલ્યુવી રમન અને અર્જુન ક્રિપાલ સિંહે 313 રન અને 302 રનની ઇનિંગ્સ રમી હતી. જો આ મેચની વાત કરીએ સ્નેહલ અને કશ્યપની ત્રેવડી સદીના આધારે ગોવાએ 2 વિકેટે 727 રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગના આધારે ગોવાએ અરુણાચલ પ્રદેશ સામે 643 રનની લીડ મેળવી લીધી છે.
121 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી ગોવાની ટીમે 121 રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવી હતી. અહીં રમવા આવેલા સ્નેહલ અને કશ્યપે રેકોર્ડ ભાગીદારી કરી અને ટીમને 700 રનથી આગળ લઈ ગયા.
સિંગલ ડિજિટમાં 7 બેટર્સ આઉટ અરુણાચલ પ્રદેશ મેચના પહેલા દિવસે 84 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમના 7 બેટર્સ ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. ગોવા માટે, અર્જુન તેંડુલકરે 25 રનમાં 5 વિકેટ ઝડપી હતી. તો મોહિત રેડકરે 15 રનમાં 3 વિકેટ અને કીથ પિન્ટોએ 31 રન આપીને બે વિકેટ લીધી હતી.
રણજીના અન્ય એક મેચમાં મહિપાલ લોમરોલની ત્રિપલ સેન્ચુરી, રાજસ્થાને 600નો આંકડો પાર કર્યો મહિપાલ લોમરોલે પણ એલિટ ગ્રૂપ મેચમાં રાજસ્થાન માટે ઉત્તરાખંડની સામે 300 રનની અણનમ ઇનિંગ રમી હતી. ટીમે 660/7ના સ્કોર પર પહેલી ઇનિંગ ડિકલેર કરી હતી. અજય સિંહ મહિપાલ સાથે 40 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. લોમરોલની ઇનિંગ્સમાં 25 ચોગ્ગા અને 13 છગ્ગાનો સમાવેશ થાય છે.
રાજસ્થાનનો મહિપાલ લોમરોરે ત્રિપલ સેન્ચુરી ફટકાર્યા પછી ઉજવણી કરી રહી હતી.