સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
એક ઉંમર કે જ્યારે બાળક પિતાની આંગળી પકડીને ચાલે છે, ત્યારે કોઈના માથા પરથી પિતાનો પડછાયો જતો રહે, તો તે બાળક માટે ભવિષ્યની સફર કેટલી મુશ્કેલ હોઈ શકે છે. જસપ્રીત બુમરાહ સાથે પણ કંઈક આવું જ થયું છે. તે 5 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. આ પછી તેની માતા, જે વ્યવસાયે શિક્ષક છે. તેમણે બુમરાહના ક્રિકેટર બનવાના સપનાને સાકાર કરવા માટે પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું. આજે બુમરાહની ગણતરી વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોમાં થાય છે, તેના વિના ભારતીય પેસ આક્રમણમાં કોઈ ધાર નથી. પરંતુ, ટીમ ઈન્ડિયા સુધી પહોંચવાની તેની સફર સંઘર્ષોથી ભરેલી રહી છે. આજે ભારતનો જનરેશનલ ટેલેન્ટ 31 વર્ષનો થયો છે. તો આવો જાણીએ કેવી રીતે બુમરાહ ટીમ ઈન્ડિયાનો સર્વશ્રેષ્ઠ બોલર બન્યો…
નાની ઉંમરે પિતાને ગુમાવ્યા બાદ બુમરાહનું ક્રિકેટર બનવાનું સપનું પૂરું કરવું સરળ નહોતું. આ બનવામાં તેની માતા દલજીત બુમરાહની સૌથી મોટી ભૂમિકા છે. માતાએ જ બુમરાહ અને તેની મોટી બહેનનો ઉછેર કર્યો હતો. તેઓ અમદાવાદની એક શાળામાં શિક્ષિકા હતાં. બુમરાહનું ક્રિકેટર બનવાનું સપનું પૂરું કરવા માટે પૂરતી આવક નહોતી. આજે કરોડો રૂપિયાનો પગાર મેળવનાર આ બોલર એક સમયે માત્ર એક જોડી ટી-શર્ટ અને એક જોડી જૂતામાં રહે છે.
એક જોડી શૂઝ અને એક જોડી ટી-શર્ટ જ હતી નેટફ્લિક્સની ડોક્યુમેન્ટ્રી ક્રિકેટ ફીવરઃ મુંબઈ ઈન્ડિયન્સમાં, બુમરાહે તેના સંઘર્ષના દિવસોની વાર્તા કહી. ત્યારે તેણે કહ્યું હતું કે, ‘અમારા પિતાને ગુમાવ્યા બાદ અમે કંઈ લઈ શક્યા ન હતા. મારી પાસે શૂઝની એક જોડી અને ટી-શર્ટની એક જોડી હતી. હું દરરોજ ટી-શર્ટ ધોતી અને પછી પહેરતી. જ્યારે તમે નાનપણમાં હો ત્યારે તમે ક્યારેક આવી વાર્તાઓ સાંભળો છો. જીવનમાં ઘણા લોકો સાથે આવું થાય છે.
મુંબઈ ઈન્ડિયન્સની આ જ ડોક્યુમેન્ટ્રીમાં બુમરાહની માતા દલજીતે કહ્યું હતું કે, ‘જ્યારે મેં તેને પહેલીવાર IPLમાં રમતા જોયો ત્યારે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે મારા સંઘર્ષને નજીકથી જોયો છે.’
અંડર-17 ક્રિકેટ ઈન્ટરસ્કૂલ ટુર્નામેન્ટમાં બુમરાહે 5 વિકેટ લીધી હતી. જેમાં એક હેટ્રિક પણ સામેલ હતી
તો આવી રીતે તે યોર્કર નાખતા શીખ્યો… યોર્કરનો પાયો જેના કારણે બુમરાહ આજે વિશ્વના સૌથી ખતરનાક બોલર તરીકે ઓળખાય છે, તે તેના ઘરની છત પર નાખવામાં આવ્યો હતો. હકીકતમાં, બુમરાહ બાળપણથી જ તેના ઘરની છત પર બોલિંગની પ્રેક્ટિસ કરતો હતો. અવાજ ઓછો ન થવો જોઈએ અને માતાને ગુસ્સો ન આવવો જોઈએ. એટલા માટે બુમરાહ બોલને સીધો દિવાલના ખૂણામાં ફેંકતો હતો, જેથી વધારે અવાજ ન થાય. ત્યારપછી તેણે ટેનિસ બોલ ક્રિકેટમાં પોતાની કુશળતાને આગળ વધારી. જે પ્રકારની એક્શન તેણે તેના યોર્કરને વધુ અસરકારક અને ખતરનાક બનાવી દીધી હતી.
જ્હોન રાઇટની નજરમાં આવ્યો ને નસીબ બદલી નાખ્યું એજગ્રૂપમાં ક્રિકેટ રમતી વખતે, તે દિવસ આવ્યો જ્યારે બુમરાહે ગુજરાત માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો. આ વર્ષ 2013 હતું અને ત્યારે બુમરાહ 20 વર્ષનો હતો. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની તેની પહેલી જ ઇનિંગમાં વિદર્ભને 85 રન સુધી ઓલઆઉટ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બુમરાહે પ્રથમ ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ લીધી હતી. આ રીતે તેનું ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ યાદગાર રહ્યું. તેણે મેચમાં કુલ 7 વિકેટ લીધી હતી. અહીંથી તેની એક્શન ચર્ચામાં આવી હતી. જ્હોન રાઈટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન બુમરાહને જોયો અને તેનું નસીબ બદલી નાખ્યું.
2013માં બુમરાહને મુંબઈ તરફથી રમવાની તક મળી હતી. તેણે પ્રથમ મેચથી જ બધાને પ્રભાવિત કર્યા. વિરાટ કોહલીના બે ચોગ્ગા ખાધા બાદ બુમરાહે તે જ ઓવરમાં તેની વિકેટ લીધી હતી. તેણે RCB સામે 32 રનમાં ત્રણ વિકેટ લઈને બધાને પ્રભાવિત કર્યા હતા. મુંબઈમાં મલિંગાએ બુમરાહને શીખવ્યું અને તે પહેલા કરતા વધુ સારો બોલર બન્યો.
પહેલી ઈન્ટરનેશનલ સિરીઝમાં જ સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે અજાયબી કર્યા પછી, બુમરાહે 2016માં ભારત માટે તેની પ્રથમ મેચ રમી હતી. ઘૂંટણની ઈજાને કારણે બુમરાહની આંતરરાષ્ટ્રીય કારકિર્દી મોડી શરૂ થઈ હતી. પાંચ મહિના બહાર રહ્યા બાદ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું અને ભારતીય ટીમમાં જગ્યા બનાવી. બુમરાહ પહેલી ઈન્ટરનેશનલ સિરીઝમાં જ સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને તેમના જ ઘરઆંગણે 3-0થી હરાવ્યું હતું. આ સિરીઝ પછી ધોનીએ કહ્યું હતું કે બુમરાહ આ સિરીઝનો શોધ છે.
હવે રવીન્દ્ર જાડેજા વિશે જાણો… ‘સર’ રવીન્દ્ર જાડેજા… આ નામ વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાંનું એક ગણાય છે. આ નામે 2013માં ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જિતાડી છે. આ નામે CSKને 3 IPL ટ્રોફી અપાવી છે. અને આ નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અનેક રેકોર્ડ તોડ્યા છે. જાડેજાએ સાબિત કર્યું કે શા માટે તેને અત્યારે વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં ગણવામાં આવે છે. જો કે જાડેજાની સફર આસાન રહી નથી. તેણે પોતાના અંગત જીવનમાં ઘણા પડકારોનો સામનો કર્યો. બાપુ આજે 36 વર્ષના થયા છે, તો આવો જાણીએ તેણે ક્રિકેટમાં કેવી રીતે પગ માંડ્યો…
પિતાની ઇચ્છા આર્મીમાં જાય; માતાની ઇચ્છા ક્રિકેટર બને જાડેજાની ક્રિકેટર બનવાની સફર સરળ નહોતી, પિતા આર્મી ઑફિસર બનાવવા માગતા, તો માતા ક્રિકેટર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1988ના રોજ જામનગરમાં થયો હતો. તેના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા ખાનગી સિક્યોરિટી કંપનીમાં ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. જાડેજાની માતા લતાબા જાડેજા નર્સ તરીકે કામ કરતાં હતાં. જાડેજાને બાળપણમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ક્રિકેટ રમવાનો ખૂબ જ શોખ હતો અને તે ક્રિકેટર બનવા માગતો હતો, પરંતુ પિતાની ઇચ્છા હતી કે તે આર્મી ઓફિસર બને. તો, માતા લતાબા જાડેજા ઈચ્છતાં હતાં કે જાડેજા જે બનવા માગે છે તે બને. જ્યારે જાડેજાએ તેમને કહ્યું કે તે ક્રિકેટર બનવા માગે છે, ત્યારે લતાબા તેમને ભારતીય ક્રિકેટ ટીમમાં રમતા જોવા માગતાં હતાં. તેમનું સપનું હતું કે તેમનો પુત્ર ભારત માટે ક્રિકેટ રમે.
રવીન્દ્ર જાડેજાનાં માતાના અવસાન પછી તેની બહેન નયનાબાએ તેની સંભાળ રાખી અને તેને ક્રિકેટ ફરી ચાલુ કરાવ્યું.
જોકે, આ સફર સરળ ન હતી. ત્યારબાદ જાડેજા જામનગરની એક ક્રિકેટ એકેડમીમાં જોડાયો. ત્યાં તેણે ક્રિકેટ શીખવાનું શરૂ કર્યું. જો કે, જ્યારે જાડેજા 17 વર્ષનો થયો (2005), ત્યારે તેના પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો. તેની માતા લતાનું અકસ્માત દરમિયાન મૃત્યુ થયું. જાડેજા માતાના અવસાનનો આઘાત સહન કરી શક્યો નહોતો. તે ક્રિકેટથી દૂર રહેવા લાગ્યો. આ મુશ્કેલ પરિસ્થિતિમાં જાડેજાની સંભાળ તેની બહેન નયનાબાએ લીધી. તેની બહેને તેને ફરીથી ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું અને તેને પ્રોત્સાહિત કર્યો. પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને બહેન નયાનાબાએ નર્સ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
જ્યારે રવીન્દ્રએ પોતાની માતાનું સપનું પૂરું કર્યું જાડેજાની માતાનું સપનું 2009માં પૂરું થયું, જ્યારે તેને ભારતીય ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો. જાડેજાએ 8 ફેબ્રુઆરી 2009ના રોજ શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું. ત્યારે ધોની ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા. આ એક વન-ડે મેચ હતી. પહેલી જ મેચમાં જાડેજાએ 60 રનની ઇનિંગ રમી હતી આ પછી જાડેજાએ 10 ફેબ્રુઆરી 2009ના રોજ T20માં ડેબ્યૂ કર્યું હતું. જડ્ડુએ 2012માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. શરૂઆતમાં જાડેજાનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. જોકે, 2012માં જાડેજાને IPLની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો અને ત્યારથી તેનું નસીબ બદલાઈ ગયું. જ્યારે જડ્ડુનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું ત્યારે ધોની પર અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા અને તેના પર ફેવરેટિઝમનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ટીકાકારોએ કહ્યું કે જાડેજાએ પ્રદર્શન કર્યું નથી તો તે ટીમમાં કેમ છે તે ખબર પડતી નથી.
જાડેજા અને કોહલી U-19 દિવસોથી સાથે છે.
કેમ જડ્ડુને બેસ્ટ ઓલરાઉન્ડર ગણવામાં આવે છે એ જાણો… ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ લેવાનો રેકોર્ડ જાડેજાના નામે છે. તેણે માત્ર 44 ટેસ્ટમાં આવું કરીને રંગના હેરાથનો રેકોર્ડ તોડ્યો હતો. હેરાથે 47 મેચમાં આવું કર્યું હતું. 2015માં ખરાબ ફોર્મના કારણે જાડેજાને પણ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ થોડા મહિનાઓ બાદ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શનના આધારે કમબેક કર્યું અને ક્યારેય પાછળ વળીને જોયું નથી. હાલમાં જ પૂરી થયેલી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં તે ટેસ્ટમાં 3000 રન અને 300+ વિકેટ લેનાર ભારતનો ત્રીજો ઓલરાઉન્ડર બન્યો છે. તે કપિલ દેવ અને રવિચંદ્રન અશ્વિનની સાથે આ એલાઇટ લિસ્ટમાં આવી ગયો છે.
જાડેજાને ઘોડેસવારીનો જબરો રસ ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનો ઘોડેસવારી પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. તેની પાસે અત્યારે કુલ 4 ઘોડા છે. લોકડાઉન વખતે તે ઘણા ફોટોઝ શેર કરતો હતો. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે ‘જીવનમાં, ક્રિકેટની પ્રેક્ટિસને કારણે હું ક્યારેય મારા ફાર્મ હાઉસમાં પૂરતો સમય નથી વિતાવી શક્યો, પરંતુ મને આનંદ છે કે છેલ્લા કેટલાક મહિનામાં મને તક મળી. હું મારા મિત્રના ઘરે ઘોડા પર સવારી કરવા જતો અને ધીમે ધીમે મને ઘોડા અને ઘોડેસવારીમાં રસ પડ્યો. મેં મારા ફાર્મહાઉસ માટે 2010માં થોડા ઘોડા ખરીદ્યા હતા અને તેમની સંભાળ રાખવામાં આનંદ અનુભવી રહ્યો હતો. હું ફક્ત જ બ્રીડ કરું છું અને તેને વેચવાનો ઈરાદો નથી.’ તેણે વધુમાં ઉમેર્યું કે ‘લોકડાઉનના મહિનાઓ દરમિયાન, મેં મારા ફાર્મ હાઉસ પર મારા ઘોડાઓ સાથે સમય વિતાવ્યો. મને આનંદ છે કે આ વર્ષે મને તેમની સાથે પૂરતો સમય મળ્યો. મેં ખરેખર મારી જાતનો આનંદ માણ્યો.’
જાડેજાનો ઘોડેસવારી પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી.
બન્ને ક્રિકટર્સ T20 ચેમ્પિયન આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને USAમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રને હરાવીને બીજીવાર T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ જીતના તો દરેક ખેલાડીઓ હીરો છે. પણ સૌથી વધુ હોય તો તે છે જસપ્રીત બુમરાહ…બુમરાહને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો અવોર્ડ પણ મળ્યો છે. ઉપરાંત સર જાડેજાએ પણ પોતાની ફિલ્ડિંગ અને સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે ઉપયોગી ઇનિંગ રમીને ટીમને જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જાડેજાએ તો આ પછી T20 ઈન્ટરનેશનલમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું..પણ હવે વન-ડે અને ટેસ્ટમાં પોતાનો જાદુ બતાવશે… તો બુમ…બુમ…બુમરાહની ધારદાર પેસ સામે તો હજુ પણ બેટર્સને પરસેવો પડી જાય છે.