સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત પર IPLની એક મેચ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે 7 મેના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થયો હતો. IPLએ તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકાર્યો છે. આ સાથે તેના પર એક મેચનો પ્રતિબંધ પણ મુકાયો હતો.
પંતે સ્લો ઓવર રેટ માટે ત્રીજી વખત IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું. જેના કારણે તેના પર પ્રતિબંધ અને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ-11ના બાકીના ખેલાડીઓને મેચ ફીના 50 ટકા અથવા 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
રિષભ પંતે આ સિઝનમાં 12 મેચમાં 413 રન બનાવ્યા છે.
આ માટે વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવામાં આવી હતી
IPL આચાર સંહિતાની કલમ 8 મુજબ દિલ્હી કેપિટલ્સે મેચ રેફરીના નિર્ણયને પડકારતી અપીલ દાખલ કરી હતી. આ પછી અપીલ BCCI લોકપાલને સમીક્ષા માટે મોકલવામાં આવી હતી. આ પછી લોકપાલે આ કેસની વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરી હતી. આ પછી મેચ રેફરીના નિર્ણયને અંતિમ અને બંધનકર્તા માનવામાં આવે છે.
DC પ્લેઑફની રેસમાં છે
દિલ્હી હજુ પણ પ્લેઑફની રેસમાં છે. દિલ્હી 12 મેચમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. રવિવારે આગામી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુરનો છે. 12 મેના રોજ રમાનારી આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમ પંત વિના મેદાનમાં ઉતરશે.
IPLમાં સ્લો ઓવર રેટ માટે દંડ
સ્લો ઓવર રેટ સંબંધિત IPL આચાર સંહિતા હેઠળ, જો કોઈ ટીમનો કેપ્ટન પહેલો ગુનો કરે છે તો તેને 12 લાખ રૂપિયાના દંડનો સામનો કરવો પડે છે. જો તે કેપ્ટન સિઝનમાં બીજી વખત સ્લો ઓવર રેટનો ગુનો કરે છે, તો 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો ત્રીજી વખત ભૂલ થાય છે, તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ અને 30 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે.