સ્પોર્ટ્સ ડેસ્ક15 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુંબઈએ રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 17મી સિઝનમાં તેની પ્રથમ જીત નોંધાવી હતી. ટીમે તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવી હતી. આ સાથે તેમને 2 પોઈન્ટ મળ્યા અને ટીમ પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાનેથી નંબર-8 પર પહોંચી ગઈ.
બીજી તરફ ચોથી હાર બાદ દિલ્હી કેપિટલ્સ 10મા નંબર પર પહોંચી ગઈ છે. આજે ટુર્નામેન્ટની 22મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. KKR આજની મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી શકે છે, બીજી તરફ CSK પાસે નંબર-2 પર પહોંચવાની તક છે.
ઓરેન્જ કેપની રેસમાં RCBનો વિરાટ કોહલી ટોપ પર છે અને પર્પલ કેપની રેસમાં રાજસ્થાન રોયલ્સનો યુઝવેન્દ્ર ચહલ ટોપ પર છે.
પોઈન્ટ ટેબલમાં LSG અને MIને ફાયદો થયો
આઈપીએલમાં રવિવારે બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં MIએ દિલ્હીને 29 રને હરાવી હતી. આ જીત સાથે મુંબઈને 4 મેચમાં 2 પોઈન્ટ મળ્યા છે અને ટીમ 8મા સ્થાને પહોંચી ગઈ છે. આ પહેલાં ટીમ સતત 3 મેચ હારી હતી.
- બીજી તરફ 5 મેચમાં ચોથી હાર બાદ દિલ્હી કેપિટલ્સ 10મા નંબર પર પહોંચી ગઈ છે. ટીમની એકમાત્ર જીત ચેન્નઈ સુપર કિંગ્સ સામે હતી. દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પણ માત્ર 2 પોઈન્ટ સાથે 9મા નંબર પર છે.
- રવિવારની બીજી મેચમાં LSGએ GTને 33 રને હરાવી હતી. 17મી સિઝનમાં લખનઉની આ સતત ત્રીજી જીત હતી, આ જીત સાથે ટીમ 6 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ટીમનો એકમાત્ર પરાજય રાજસ્થાન રોયલ્સ સામે થયો હતો, જે 8 પોઈન્ટ સાથે ટોચ પર છે.
- લખનઉમાં મળેલી હાર બાદ ગુજરાત ટાઇટન્સ સાતમા નંબરે યથાવત છે. જોકે, ટીમ હવે 5માંથી 3 મેચ હારી ચૂકી છે. ટીમને SRH અને MI સામે 2 જીત મળી હતી.
KKR આજે ટોપ પર આવી શકે છે
બે વખતની IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ 17મી સિઝનમાં અજેય છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 3 મેચમાં 3 જીત બાદ 6 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ટીમના બેટર્સે દિલ્હી સામે 272 રન બનાવ્યા હતા. ટીમે RCBને 7 વિકેટે અને SRHને 4 રનથી હરાવ્યું હતું.
આજે KKR ચેન્નઈમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આજની મેચ જીતીને કોલકાતા રાજસ્થાનને પછાડીને 8 પોઈન્ટ સાથે નંબર-1 પર પહોંચી જશે. રાજસ્થાનના પણ માત્ર 8 પોઈન્ટ છે, પરંતુ કોલકાતા રનરેટમાં RR કરતા ઘણું આગળ છે. તેથી, CSK સામેની મેચ જીતીને જ ટીમ ટોચ પર રહેશે. જો તેઓ મેચ હારી જશે તો પણ KKR 6 પોઈન્ટ સાથે ટોપ-4માં રહેશે.
CSK બીજા સ્થાને પહોંચી શકે છે
5 વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ 4 મેચમાં 2 જીત અને 2 હાર સાથે ચોથા સ્થાને છે. ટીમના હાલમાં 4 પોઈન્ટ છે અને ટીમે તેના હોમ ગ્રાઉન્ડ પર RCB અને GTને હરાવી છે. ટીમ SRH અને DC સામે 2 મેચ હારી છે, બંને વિરોધી ટીમના હોમ ગ્રાઉન્ડ પર.
CSK આજે કોલકાતાને હરાવીને 6 પોઈન્ટ મેળવશે. LSG અને KKR પાસે પણ સમાન પોઈન્ટ છે, પરંતુ જો ચેન્નઈ 100 કે તેથી વધુ રનથી જીતશે તો તે બીજા સ્થાને પહોંચી જશે. બીજી તરફ જો ટીમ 30થી વધુ રનથી મેચ જીતે છે તો તે નંબર-3 પર આવી જશે. જો મેચ હારી જાય તો CSK પણ નંબર-7 પર સરકી શકે છે.
વિરાટ ઓરેન્જ કેપમાં ઘણો આગળ
RCBના વિરાટ કોહલીએ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતી છે. તેણે 5 મેચમાં 316 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 2 અર્ધસદી સામેલ છે. રવિવારે સાઈ સુદર્શન 191 રન સાથે બીજા સ્થાને પહોંચી ગયો હતો. આજે જો શિવમ દુબે 169 રન બનાવશે તો જ તે વિરાટને પાછળ છોડી શકશે. જે થવું ઘણું મુશ્કેલ છે.
ચહલ પાસે પર્પલ કેપ
RR લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ 4 મેચમાં 8 વિકેટ સાથે ટોપ વિકેટ ટેકર્સમાં ટોચ પર છે. MIના ગેરાલ્ડ કોત્ઝીએ દિલ્હી સામે 4 વિકેટ ઝડપી હતી અને 7 વિકેટ સાથે બીજા સ્થાને પહોંચી ગયો હતો. આજે KKRના હર્ષિત રાણા અથવા આન્દ્રે રસેલ 4-4 વિકેટ લઈને ટોપ પર પહોંચી શકે છે. બંનેના નામે 5-5 વિકેટ છે. જો મુસ્તફિઝુર CSK માટે રમે છે તો તે માત્ર 2 વિકેટ લઈને ટોપ પર પહોંચી જશે, તેના નામે 7 વિકેટ છે.
હેનરિક ક્લાસેન સિક્સર કિંગ
સનરાઇઝર્સ હૈદરાબાદના હેનરિક ક્લાસેને 17મી સિઝનમાં સૌથી વધુ 17 સિક્સર ફટકારી છે. તેના પછી SRHનો અભિષેક શર્મા છે, જેણે 15 સિક્સર ફટકારી છે. LSGનો નિકોલસ પૂરન રવિવારની મેચ બાદ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ડીસીનો ટ્રિસ્ટન સ્ટબ્સ 14 છગ્ગા સાથે ચોથા સ્થાને છે. આજે KKRનો સુનીલ નારાયણ 6 છગ્ગા ફટકારીને ટોચ પર આવી શકે છે. CSKના શિવમ દુબેને ટોચ પર આવવા માટે 8 સિક્સર મારવી પડશે.
કોહલી બાઉન્ડ્રી કિંગ
ઓરેન્જ કેપ લીડરબોર્ડમાં ટોચ પર રહેલા RCBના વિરાટ કોહલીએ 17મી સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે. તેના નામે 5 મેચમાં 29 બાઉન્ડ્રી છે. GTનો સાઈ સુદર્શન 20 ચોગ્ગા સાથે બીજા સ્થાને પહોંચ્યો હતો. CSKના રચિન રવીન્દ્રને ટોપ-2માં પહોંચવા માટે આજે 10 ચોગ્ગા મારવા પડશે. KKRનો કોઈ બેટર ટોપ-20 ખેલાડીઓમાં પણ નથી.