7 કલાક પેહલા
- કૉપી લિંક
દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવાનું ભારતનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું. ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેસ્ટમાં એક ઇનિંગ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે તેના 31 વર્ષના ઈતિહાસમાં દક્ષિણ આફ્રિકામાં ક્યારેય આટલી મોટી હારનો સામનો કરવો પડ્યો નથી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ ટેસ્ટમાં હારનું મુખ્ય કારણ ખરાબ બેટિંગને માની છે. જોકે, રોહિત બોલરોના પ્રદર્શનથી બહુ ખુશ દેખાતો નહોતો.
રોહિતે મેચ બાદ કહ્યું કે જીતવા માટે આખી ટીમે એકજૂથ પ્રયાસ કરવો પડશે, જે અમે આ મેચમાં નથી કરી શક્યા. આ મેચમાં અમે જે રીતે રમ્યા તે મેચ જીતવા લાયક નહોતા. અમે બંને દાવમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા. તેમના બેટર્સે ઘણા સ્કોરિંગ શોટ રમ્યા અને બાઉન્ડરી ફટકારી. પરંતુ અમારા બેર્ટ્સને પડકારનો સામનો કરવો પડ્યો. અમે તેમની શક્તિને બરાબર સમજી શક્યા નથી.
પ્રથમ દાવમાં કેએલ રાહુલે સારી બેટિંગ કરી અને અમને સારા સ્કોર સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે પછી અમે બોલિંગમાં પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. અમે બીજી ઈનિંગમાં પણ બેટથી કંઈ ખાસ કરી શક્યા નહીં. અમે આ હાર ભૂલીને આગામી ટેસ્ટ માટે એક થઈને રમીશું.
રોહિતનું માનવું છે કે તે દક્ષિણ આફ્રિકા સામેની સેન્ચુરિયન ટેસ્ટમાં જીતવા માટે પૂરતું સારું રમી શક્યો નહોતો.
કેએલ રાહુલ પાસેથી શીખવું જોઈએ
રોહિતે બેટર કેએલ રાહુલની પ્રશંસા કરતા કહ્યું કે આપણે કેએલ રાહુલ પાસેથી શીખવું જોઈએ. રાહુલે બતાવ્યું કે આવી પિચ પર અમારે શું કરવાની જરૂર છે. તેણે શાનદાર બેટિંગ કરી.
આફ્રિકાએ 400 રન બનાવ્યા
રોહિતે કહ્યું કે પિચ એવી નથી કે 400 રનનો સ્કોર બનાવી શકાય. અમે સારી બોલિંગ કરી ન હતી. અમે એક બોલર પર વધુ નિર્ભર ન રહી શકીએ, બાકીના બોલરોએ તેમનું કામ કરવું પડશે. આફ્રિકાએ જે રીતે બોલિંગ કરી તેમાંથી અમે શીખી શકીએ છીએ.
આવી રીતે રહી પહેલી ટેસ્ટ મેચ
આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 245 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 137 બોલમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા.
સાઉથ આફ્રિકા માટે કાગિસો રબાડા સૌથી સફળ બોલર રહ્યો, તેણે 5 વિકેટ લીધી. જવાબમાં સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં 408 રન બનાવ્યા હતા અને 163 રનની જંગી લીડ મેળવી હતી. ડીન એલ્ગરે 287 બોલનો સામનો કર્યો અને 185 રન બનાવ્યા જેમાં 28 ચોગ્ગા સામેલ હતા. જ્યારે માર્કો જેન્સને 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 84 રન બનાવ્યા હતા.
ભારત તરફથી પ્રથમ દાવમાં જસપ્રીત બુમરાહે ચાર અને મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ભારત બીજા દાવમાં 131 રનમાં સમેટાઈ ગયું હતું. બીજી ઇનિંગમાં ભારત માટે માત્ર વિરાટ કોહલી જ શાનદાર પ્રદર્શન કરી શક્યો હતો. કોહલીએ 82 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી નાન્દ્રે બર્ગરે 4 અને માર્કો યાન્સેને 3 વિકેટ ઝડપી હતી.