સ્પોર્ટ્સ ડેસ્ક20 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાએ T-20 વર્લ્ડ કપમાં પોતાનું અજેય અભિયાન જારી રાખ્યું છે. સેન્ટ લુસિયામાં સોમવારે રાત્રે રમાયેલી મેચમાં ટીમે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું હતું.
ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 205 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને 206 રનનો ટાર્ગેટ આપ્યો. ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપમાં પ્રથમ વખત 200થી વધુ રન બનાવ્યા છે. આ પહેલાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ આ સિદ્ધિ મેળવી ચૂક્યું છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 41 બોલમાં 92 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઇનિંગ દરમિયાન રોહિતના બેટથી ઘણા રેકોર્ડ તોડ્યા…
રોહિતના બેટથી બનેલા રેકોર્ડ
1. T-20 ઈન્ટરનેશનલમાં 200 છગ્ગા પૂરા કર્યા
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 8 સિક્સર ફટકારી હતી. તેણે T-20 ઈન્ટરનેશનલમાં 200 સિક્સર પૂરી કરી છે. હવે રોહિતના નામે 203 સિક્સર છે, જે આ ફોર્મેટમાં સૌથી વધુ છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/25/20_1719295081.jpg)
2. T-20 વર્લ્ડ કપ 2024માં સૌથી ઝડપી ફિફ્ટી
રોહિતે ઓસ્ટ્રેલિયા સામે 19 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તે T20 વર્લ્ડ કપ 2024માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટર બન્યો હતો. રોહિતે અમેરિકાના એરોન જોન્સનો રેકોર્ડ તોડ્યો. જોન્સે આ સિઝનની પ્રથમ મેચમાં કેનેડા સામે 22 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. બાદમાં સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકે 22 બોલમાં તેના રેકોર્ડની બરાબરી કરી હતી.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/25/20-2_1719295119.jpg)
3. ટુર્નામેન્ટમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ભારતીય બેટર્સમાં નંબર-3 પર આવ્યો
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ભારતીય બેટર્સની યાદીમાં રોહિત ત્રીજા સ્થાને છે. તેની પહેલાં યુવરાજ સિંહે 12 બોલમાં અને કેએલ રાહુલે 18 બોલમાં અડધી સદી ફટકારી હતી.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/25/20-3_1719295170.jpg)
4. ઓસ્ટ્રેલિયા સામે 132 સિક્સર ફટકારી, ગેઇલને પાછળ છોડી દીધો
રોહિત શર્મા કોઈપણ એક દેશ સામે સૌથી વધુ છગ્ગા મારવાના મામલે પણ ટોપ પર આવી ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 132 સિક્સર ફટકારી છે. આ લિસ્ટમાં રોહિતે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટર ક્રિસ ગેઇલને પાછળ છોડી દીધો છે. ગેઇલે કાંગારૂંઓ સામે 130 સિક્સર ફટકારી હતી.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/25/20-4_1719295217.jpg)
5. T-20 વર્લ્ડ કપમાં ભારતીય કેપ્ટનનો મોટો સ્કોર
રોહિતે ઓસ્ટ્રેલિયા સામે 92 રનની ઇનિંગ રમી હતી. T20 વર્લ્ડ કપની મેચમાં ભારતીય કેપ્ટનનો આ સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા વિરાટ કોહલીએ 2021માં પાકિસ્તાન સામે 57 રનની ઇનિંગ રમી હતી.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/25/20-14_1719295697.jpg)
6. T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન, બાબરને પાછળ છોડી દીધો
ભારતીય કેપ્ટન રોહિત શર્મા T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. તેણે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દીધો. બાબરે 123 T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 4145 રન બનાવ્યા છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/25/20-6_1719295785.jpg)
7. T-20 વર્લ્ડ કપ મેચની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય
રોહિત શર્મા T20 વર્લ્ડ કપની મેચમાં સૌથી વધુ સિક્સ મારનાર ભારતીય બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 8 સિક્સર ફટકારી હતી. રોહિતે યુવરાજ સિંહનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. યુવરાજે 2007માં ઇંગ્લેન્ડ સામેની મેચમાં 7 સિક્સર ફટકારી હતી.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/25/20-7_1719295731.jpg)
8. સૌથી વધુ T-20 મેચ જીતનાર કેપ્ટનના રેકોર્ડની બરાબરી
રોહિત શર્માએ કેપ્ટન તરીકે પોતાની 48મી મેચ જીતી હતી. તેણે કેપ્ટન તરીકે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ જીતનાર કેપ્ટનના રેકોર્ડની બરાબરી કરી છે. પાકિસ્તાનના બાબર આઝમે પણ પોતાની આગેવાનીમાં 48 મેચ જીતી છે, જોકે રોહિતે બાબર કરતા ઓછી મેચમાં કેપ્ટનશિપ કરી છે. બાબરે 85 મેચમાં કેપ્ટનશિપ કરી છે, જ્યારે રોહિતે માત્ર 60 મેચમાં કેપ્ટનશિપ કરી છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/25/20-9_1719295842.jpg)
9. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 19 હજાર રન પૂરા કર્યા, આવું કરનાર ચોથો ભારતીય
ઓસ્ટ્રેલિયા સામેની આ ઇનિંગની મદદથી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 19 હજારથી વધુ રન બનાવ્યા છે. તે આવું કરનાર વિશ્વનો 9મો અને ભારતનો ચોથો બેટર છે. રોહિત પહેલા સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
હવે મેચમાં બનેલા રેકોર્ડ્સ પર નજર કરો…
10. ફારૂકી-અર્શદીપ T-20 વર્લ્ડ કપ 2024ના હાઇએસ્ટ વિકેટ-ટેકર
અર્શદીપે ઓસ્ટ્રેલિયાના 3 બેટર્સને આઉટ કર્યા હતા. તેણે T20 વર્લ્ડ કપ 2024ના ટોપ વિકેટ લેનારાઓની યાદીમાં અફઘાનિસ્તાનના ફઝલહક ફારૂકીની બરાબરી કરી લીધી છે. બંનેએ 6-6 મેચ બાદ 15-15 વિકેટ લીધી છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/25/20-13_1719295900.jpg)
11. T-20 વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ
આ વર્લ્ડ કપમાં અર્શદીપ સિંહના નામે 15 વિકેટ છે. તે T20 વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. અર્શદીપે આરપી સિંહનો રેકોર્ડ તોડ્યો. આરપીએ 2007ની સિઝનમાં 12 વિકેટ લીધી હતી.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/25/20-10_1719295917.jpg)
12. કોહલી બીજી વખત શૂન્ય પર આઉટ થયો
વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો હતો. તે જોશ હેઝલવુડની બોલિંગમાં ટિમ ડેવિડના હાથે કેચ આઉટ થયો હતો. કોહલી આ વર્લ્ડ કપમાં બીજી વખત ઝીરો પર આઉટ થયો છે. અગાઉ તેને ભારતીય મૂળના અમેરિકન બોલર સૌરભ નેત્રાવલકરે પણ આઉટ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં ભારતીય ટીમે 15 સિક્સ ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ આ T-20 વર્લ્ડ કપ મેચની ઇનિંગમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ તોડ્યો છે. ભારતીય ટીમે છેલ્લી મેચમાં બાંગ્લાદેશ સામે 13 સિક્સર ફટકારી હતી.
છેલ્લે એક ટીમ રેકોર્ડ પર નજર કરો…
13. ભારત T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની
ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને 33મી T20 વર્લ્ડ કપ મેચ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની ગઈ છે. ભારતીય ટીમે શ્રીલંકાના 32 જીતના રેકોર્ડને પાછળ છોડી દીધો.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/25/20-11_1719296068.jpg)