8 મિનિટ પેહલા
- કૉપી લિંક
સમોઆના બેટર ડેરિયસ વિસરે ઈતિહાસ રચી દીધો છે. વિસર T-20 ઇન્ટરનેશનલમાં 1 ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. અગાઉ T20 ઇન્ટરનેશનલમાં 1 ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સંયુક્ત રીતે યુવરાજ સિંહ, કાઇરન પોલાર્ડ, નિકોલસ પૂરન અને દીપેન્દ્ર સિંહ એરીના નામે હતો. આ તમામ બેટર્સે 1 ઓવરમાં 36 રન બનાવ્યા છે.
તેણે મંગળવારે (20 ઓગસ્ટ)ના રોજ ICC મેન્સ T20 વર્લ્ડ કપ સબ રિજનલ ઇસ્ટ એશિયા-પેસિફિક ક્વોલિફાયર A ઇવેન્ટની મેચમાં વાનુઆતુ સામે સીમર નલિન નિપિકોની બોલિંગમાં 39 રન બનાવ્યા. આ દરમિયાન વિસરે 1 ઓવરમાં 6 સિક્સર ફટકારવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.
ડેરિયસ વિસરે મેચની 15મી ઓવરમાં નિપિકોને 6 સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં બોલરે દબાણમાં 3 નો-બોલ ફેંક્યા હતા. જેના કારણે ઓવરમાં કુલ 39 રન થયા હતા.
ડેરિયસ વિસરે સીમર નલિન નિપિકોની ઓવરમાં 6 સિક્સર સાથે કુલ 39 રન બનાવ્યા હતા.
6 સિક્સર અને 3 નો બોલમાં 39 રન બનાવ્યા
ડેરિયસ વિસરે સીમર નલિન નિપિકોની ઓવરના પહેલા 3 બોલમાં 3 સિક્સર ફટકારી હતી. જ્યારે ચોથો બોલ નો-બોલ હતો. પરંતુ આગામી બોલ પર વિસરે વધુ એક સિક્સર ફટકારી. આ પછી ઓવરનો પાંચમો બોલ ડોટ હતો. છઠ્ઠો બોલ નો-બોલ અને ડોટ હતો. જ્યારે આગળનો બોલ પણ નો-બોલ હતો, પરંતુ આ વખતે વિસરે બોલને બાઉન્ડરી લાઇનની બહાર મોકલી દીધો હતો. છેલ્લા બોલ પર પણ વિસરે ગગનચુંબી સિક્સર ફટકારી અને ઓવરમાં કુલ 39 રન બનાવ્યા.
યુવરાજ સિંહની બરાબરી કરી
ડેરિયસ વિસરે એક ઓવરમાં 6 છગ્ગા મારવાના મામલે ભારતીય બેટરે યુવરાજ સિંહની પણ બરાબરી કરી લીધી છે. યુવરાજે વર્ષ 2007માં ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ સામે 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. વિસર T-20 ઈન્ટરનેશનલ મેચની એક ઓવરમાં 6 સિક્સર મારનાર ચોથો બેટર બની ગયો છે. તેની પહેલાં યુવરાજ સિંહ સિવાય કાઇરન પોલાર્ડ અને નેપાળના દીપેન્દ્ર સિંહ એરીએ એક ઓવરમાં 6 સિક્સર ફટકારી છે.
સદી ફટકારનાર વિસાર સમોઆનો પ્રથમ બેટર
આ મેચમાં ડેરિયસ વિસર ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી અને તોફાની સદી ફટકારી. વિસરે માત્ર 62 બોલમાં 132 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 14 છગ્ગા આવ્યા હતા. તે સમોઆ માટે સદી ફટકારનાર પ્રથમ બેટર પણ બની ગયો છે.
સમોઆએ આ મેચ 10 રને જીતી લીધી
ડેરિયસ વિસેરની તોફાની ઈનિંગની મદદથી સમોઆની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 174 રન બનાવ્યા હતા. ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી વાનુઆતુની ટીમ 9 વિકેટ ગુમાવીને 164 રન જ બનાવી શકી હતી. વાનુઆતુ માટે, પ્રથમ દાવમાં 6 છગ્ગા અપાવનાર સીમર નલિન નિપિકોએ સૌથી વધુ 73 રનની ઇનિંગ્સ રમી હતી. પરંતુ અન્ય બેટર્સના સહકારના અભાવને કારણે, વાનુઆતુ 10 રનથી હારી ગયું હતું.