સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. મંગળવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સેમસન પર આ દંડ લગાવવામાં આવ્યો છે.
સેમસનને આચાર સંહિતાની કલમ 2.8 હેઠળ લેવલ 1 ના ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જે અમ્પાયરના નિર્ણયથી અસંમતિ સાથે સંબંધિત છે. તેણે દોષ કબૂલ્યો અને મેચ રેફરીની સજા સ્વીકારી છે.
હોપના વિવાદાસ્પદ કેચને કારણે સેમસન આઉટ
રાજસ્થાનનો કેપ્ટન સંજુ સેમસન શાઈ હોપની બાઉન્ડરી પર શાનદાર કેચ લઈને આઉટ થયો હતો. મુકેશ કુમારે 16મી ઓવરનો ચોથો બોલ ગુડ લેન્થ પર ફેંક્યો, સેમસને લોંગ ઓન તરફ શોટ રમ્યો. અહીં હોપે કેચ લીધો પરંતુ આ દરમિયાન તેનો પગ બાઉન્ડરીની ખૂબ નજીક દેખાયો. ત્રીજા અમ્પાયરે રિપ્લે જોયો પરંતુ કેચને ક્લીન માનતા સેમસનને આઉટ જાહેર કર્યો.
કેચ ક્લીન જાહેર થયા બાદ સેમસન અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો કે ફિલ્ડરનો પગ બાઉન્ડરીને સ્પર્શી રહ્યો છે. જોકે, અમ્પાયરે તેનો નિર્ણય માન્ય રાખ્યો અને સેમસનને પેવેલિયન પરત ફરવું પડ્યું. તેણે 46 બોલમાં 86 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સ ટીમે શાઈ હોપના આ કેચ સામે વાંધો ઉઠાવ્યો હતો.
દિલ્હીએ રાજસ્થાનને 28 રને હરાવ્યું
હોમ ગ્રાઉન્ડ પર ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટે 221 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 8 વિકેટે 201 રન જ બનાવી શક્યું હતું. ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી. RR તરફથી સંજુ સેમસને 46 બોલમાં 86 રનની ઇનિંગ રમી હતી. રિયાન પરાગે 27 રન અને શિવમ દુબેએ 25 રન બનાવ્યા હતા.
DC ઓપનર જેક ફ્રેઝર-મેગર્ક (50 રન) અને અભિષેક પોરેલે (65 રન) અડધી સદી ફટકારી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 41 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા અને ટ્રેન્ટ બોલ્ટને એક-એક વિકેટ મળી હતી.