કેપ ટાઉન8 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 10 વિકેટે હરાવ્યું હતું. કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં ચોથા દિવસે ઘરઆંગણે ટીમને 61 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે ટીમે 7.1 ઓવરમાં વિના નુકશાને ચેઝ કરી લીધો હતો. સાઉથ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ 2 વિકેટે જીતી લીધી હતી, આથી સિરીઝ પણ ઘરઆંગણે 2-0થી પોતાના નામે રહી હતી.
પ્રથમ ઇનિંગમાં 259 રનની મેરેથોન ઈનિંગ રમીને ઓપનર રેયાન રિકલ્ટન પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. 10 વિકેટ લેનાર માર્કો યાન્સેનને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કર્યો હતો.
પાકિસ્તાને બીજા દાવમાં 478 રન બનાવ્યા પાકિસ્તાને ચોથા દિવસે 213/1ના સ્કોર સાથે તેનો બીજો દાવ ચાલુ રાખ્યો હતો. શાન મસૂદે 102 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું. નાઈટ વોચમેન ખુર્રમ શહઝાદ 18 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી તમામ બેટર્સે સારી શરૂઆત કરી હતી, પરંતુ કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યું ન હતું.
મસૂદ 145 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી કામરાન ગુલામ 28, સઈદ શકીલ 23, મોહમ્મદ રિઝવાન 41, સલમાન આગા 48, આમેર જમાલ 34 અને મીર હમઝા 16 રન બનાવીને આઉટ થયા હતા. ટીમે બીજા દાવમાં 478 રન બનાવ્યા અને સાઉથ આફ્રિકાને 61 રનનો ટાર્ગેટ મળ્યો.
શાન મસૂદે સાઉથ આફ્રિકામાં તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી.
રબાડા-મહારાજની 3-3 વિકેટ સાઉથ આફ્રિકા તરફથી બોલિંગમાં કાગીસો રબાડા અને કેશવ મહારાજે 3-3 વિકેટ લીધી હતી. માર્કો યાન્સેનને 2 અને ક્વેના મફાકાને 1 વિકેટ મળી હતી. મફાકાએ મસૂદની મોટી વિકેટ લીધી. ટીમના 3 બોલરોએ 100થી વધુ રન આપ્યા હતા.
બેડિંગહામે 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં રેયાન રિકલ્ટનની જગ્યાએ ડેવિડ બેડિંગહામને ઓપનિંગ માટે મોકલ્યો હતો. તેણે ઝડપી બેટિંગ કરી અને માત્ર 30 બોલમાં 47 રન બનાવીને ટીમને જીત તરફ દોરી. તેણે 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. તેની સામે એડન માર્કરામ 13 બોલમાં 14 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.
પાકિસ્તાને ત્રીજા દિવસે ફોલોઓન રમવું પડ્યું હતું
બાબર આઝમે બંને ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારી હતી.
મેચના ત્રીજા દિવસે પાકિસ્તાન પ્રથમ દાવમાં માત્ર 194 રન બનાવી શક્યું હતું. સાઉથ આફ્રિકાએ તેમને ફોલોઓન આપ્યું, ટીમે બીજા દાવમાં પુનરાગમન કર્યું અને એક વિકેટના નુકસાને 213 રન બનાવ્યા. શાન મસૂદે સદી ફટકારી હતી, જ્યારે બાબર આઝમ 81 રન બનાવીને આઉટ થયો હતો.