36 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજથી ગુજરાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત કોન્કલેવ શરૂ થયું છે. આવું પહેલી વખત છે જ્યારે દેશમાં સ્પોર્ટ્સ કોન્કલેવનું આયોજન કરાયું છે. ગૃહ રાજ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ કોન્ક્લેવનું ઉદ્ધાટન કર્યું હતું. હર્ષ સંઘવીએ સ્ટાર્ટઅપ માટે 25 લાખના ઈનામની જાહેરાત કરી છે.
સ્પોર્ટ્સના ઈતિહાસમાં સૌથી મોટા બદલાવની શરૂઆત
હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘દેશના ઈતિહાસમાં કોઈ રાજ્ય સરકાર દ્વારા પહેલીવાર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવની શરૂઆત તો કરવામાં આવી જ છે, પરંતુ તેની સાથે તેમને આઈડિયા પીચ કરવાનો અવસર પણ આપવામાં આવ્યો છે. સાથે જ ઈનામ તરીકે 25 લાખની રકમ સ્ટાર્ટઅપ્સને આપવાની શરૂઆત કરવી એ સ્પોર્ટ્સના ઈતિહાસમાં મોટા બદલાવની શરૂઆત છે.
શક્તિદૂત યોજના ગુજરાતના રમતગમત સાથે જોડાયેલા યુવાનો માટે આશીર્વાદ રુપ યોજના છે. ગુજરાતના હજારો ખેલાડીઓને ઈમેલના માધ્યમથી શક્તિદૂત યોજનામાં કયા બદલાવની જરૂર છે. યોજનામાં કયા વિષયનો ઉમેરો કરવાથી ખેલાડીનું ભવિષ્ય કેવી રીતે બદલાઈ શકે તે માટે ઈમેઈલ કરવામાં આવ્યો છે.’
ગુજરાત સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગ હબ બનશે: સંઘવી
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, ‘હાલમાં આપણા ત્યાં નવી તકો અને પોલિસીના માધ્યમથી આ ઈનવેસ્ટમેન્ટ મોટા પાયે આવે તે માટે સ્પોર્ટ્સની મોટી કંપનીઓ સાથે અમારી બેઠકો સતત ચાલુ છે. જેમ દરેક સેક્ટરમાં મોટા પાયે ઈનવેસ્ટમેન્ટ આવ્યું છે તેમ સ્પોર્ટસમાં પણ આવશે અને મને વિશ્વાસ છે ગુજરાત સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગ હબ બનશે.’
સ્પોર્ટ્સનો નવો યુગ શરૂ: હર્ષ સંઘવી
શોર્ટલિસ્ટેડ સ્ટાર્ટઅપને રૂપિયા 25 લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. તેમજ સ્પોર્ટસ સ્ટાર્ટપ કોન્કલેવમાં વર્કશોપનું પણ આયોજન છે. ત્યારે રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું છે કે ખેલાડીઓ ટેક્નોલોજી સાથે જોડાશે. આજથી સ્પોર્ટ્સનો નવો યુગ શરૂ થયો છે. ખેલાડીઓ અને તેમના પરિવારજનોના અભિપ્રાય લેવાયા છે. અભિપ્રાય શક્તિદૂત યોજના અંતર્ગત આવરી લેવાયા છે. સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતનો ડંકો વાગશે.
સ્ટાર્ટઅપને 25 લાખનું ઈનામ
ગુજરાતની ધરતી પર આજે પ્રથમ વખત સ્પોર્ટ્સ કોન્કલેવ યોજાયો છે. દેશના ઇતિહાસમાં પહેલી વાર સ્ટાર્ટઅપને રૂપિયા 25 લાખના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. અહીં અનેક ટેકનોલોજી કંપની કે જે સ્પોર્ટ્સ માટે મદદ કરે તેમના પ્રદર્શન યોજાયા છે. સમગ્ર ગુજરાતના સ્પોર્ટ્સ ખેલાડી ટેકનોલોજી સાથે જોડાશે. સ્પોર્ટ્સને લગતા ઇન્વેસ્ટમેન્ટ રાજ્યમાં વધે તેના કાર્યો થશે.