4 કલાક પેહલા
- કૉપી લિંક
શ્રીલંકાએ 2 ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશને 192 રને હરાવ્યું. બુધવારે બાંગ્લાદેશની ટીમ ચેંતગાંવ મેદાન પર મેચના પાંચમા દિવસે શ્રીલંકાએ આપેલા 511 રનના લક્ષ્યને ચેઝ કરી શકી ન હતી અને 318 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
શ્રીલંકાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમે પ્રથમ દાવમાં 531 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ પ્રથમ દાવમાં માત્ર 178 રન જ બનાવી શકી હતી. બીજી ઇનિંગમાં લીડ સાથે શ્રીલંકાએ 7 વિકેટે 157 રન પર ઇનિંગ ડિકલેર કરી હતી અને બાંગ્લાદેશને 511 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
બાંગ્લાદેશ ચોથા દાવમાં 318 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને મેચ હારી ગઈ. આ સાથે શ્રીલંકાએ બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ કરી લીધું હતું. શ્રીલંકાએ પ્રથમ મેચ 328 રને જીતી હતી.
શ્રીલંકા માટે 25 વર્ષનો ઓલરાઉન્ડર કામિન્દુ મેન્ડિસ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે પ્રથમ દાવમાં અણનમ 92 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે બીજા દાવમાં ટીમ માટે 3 વિકેટ ઝડપી હતી.
બાંગ્લાદેશે બીજા દાવમાં શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ તે ટાર્ગેટ સુધી પહોંચી શકી નહીં
બાંગ્લાદેશે બીજા દાવમાં શાનદાર બેટિંગ કરી અને 318 રન બનાવ્યા. જોકે ટીમ ટાર્ગેટને ચેઝ કરી શકી નહોતી. ઓપનરો કામમાં ન આવ્યા, પરંતુ મિડલ ઓર્ડર મોમિનુલ હક 50 રન બનાવીને આઉટ થયો હતો અને શાકિબ અલ હસન 36 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે મેહદી હસન મિરાજે 81 રનની અણનમ ઇનિંગ રમી હતી.
શ્રીલંકા તરફથી ફાસ્ટ બોલર લાહિરુ કુમારાએ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે કામિન્દુ મેન્ડિસને 3 વિકેટ મળી હતી. પ્રભાત જયસૂર્યાને 2 અને વિશ્વા ફર્નાન્ડોને 1 વિકેટ મળી હતી.
શ્રીલંકા બીજા દાવમાં 157 રન બનાવી શકી હતી
શ્રીલંકાની ટીમ બીજા દાવમાં માત્ર 157 રન જ બનાવી શકી હતી. આ સ્કોર પર ટીમે 7 વિકેટ ગુમાવીને દાવ ડિકલેર કર્યો હતો. એકમાત્ર અડધી સદી એન્જેલો મેથ્યુસે ફટકારી હતી, જેણે 56 રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશ તરફથી હસન મહમુતે 4 વિકેટ લીધી હતી. જ્યારે ખાલેદ અહેમદે 2 અને શાકિબે 1 વિકેટ લીધી હતી.
પ્રથમ દાવમાં શ્રીલંકાના 6 બેટ્સમેનોએ અડધી સદી ફટકારી
શ્રીલંકા માટે પ્રથમ દાવમાં 6 બેટર્સે અડધી સદી ફટકારી હતી. કોઈ ખેલાડી સદી ફટકારી શક્યો નહોતો. ઓપનર નિશાન મદુશંકાએ 57 રન, દિમુથ કરુણારત્નેએ 86 રન અને કુસલ મેન્ડિસે 93 રન બનાવ્યા હતા. દિનેશ ચાંદીમલ 59 રન બનાવીને આઉટ થયો હતો, કેપ્ટન ધનંજય ડી સિલ્વા 70 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે, કામિન્દુ મેન્ડિસ 92 રન બનાવીને અણનમ રહ્યો હતો.
બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે હસન મહમૂદે 2 અને ખાલિદ અહેમદે 1 વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશના બેટર્સ પ્રથમ દાવમાં ફ્લોપ રહ્યા હતા
બાંગ્લાદેશ તરફથી પ્રથમ દાવમાં કોઈ બેટર ચાલ્યો નહોતો. ઓપનર ઝાકિર હસનના બેટમાંથી એકમાત્ર અડધી સદી આવી હતી. તેણે 54 રનની ઇનિંગ રમી હતી. ટીમ 178 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાને ફોલોઓન કરવાનો મોકો મળ્યો હતો, જે તેણે પસંદ કર્યો ન હતો અને પછી બીજા દાવમાં બેટિંગ કરવા ઉતર્યો હતો.
શ્રીલંકા તરફથી પ્રથમ દાવમાં અસિથા ફર્નાન્ડોએ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે વિશ્વ ફર્નાન્ડો, લાહિરુ કુમારા અને પ્રભાત જયસૂર્યાને 2-2 વિકેટ મળી હતી.