સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાર મેચની T20 સિરીઝની પહેલી મેચ આજે ડરબનમાં રમાશે. કિંગ્સમીડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે. ટૉસ રાત્રે 8:00 કલાકે થશે.
આ વર્ષે જૂનમાં T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. ફાઈનલ બાદ સાઉથ આફ્રિકા અને ભારતીય ટીમ પહેલીવાર આમને સામને રમવા જઈ રહી છે.
સાઉથ આફ્રિકા સામે ભારત મજબૂત બંને વચ્ચે અત્યાર સુધીમાં 27 T-20 મેચ રમાઈ છે. જેમાં ભારતે 15 અને સાઉથ આફ્રિકાએ 11માં જીત મેળવી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. ભારતે છેલ્લી વખત T20 સિરીઝ માટે સાઉથ આફ્રિકાનો પ્રવાસ 2023માં કર્યો હતો, જ્યાં બંને ટીમે 1-1 સિરીઝ ડ્રો રમી હતી, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. બંને વચ્ચે અત્યાર સુધીમાં 9 T-20 સિરીઝ રમાઈ છે, જેમાં ભારતે 4 અને સાઉથ આફ્રિકાએ 2 જીતી છે. જ્યારે 3 સિરીઝ ડ્રો રહી હતી.
સૂર્યાએ આ વર્ષે ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ વર્ષે T-20માં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટર છે. તેણે 14 મેચમાં 400થી વધુ રન બનાવ્યા છે. જેમાં 4 ફિફ્ટીનો સમાવેશ થાય છે. જ્યારે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હાઇએસ્ટ વિકેટ ટેકર બોલર છે. તેણે 14 મેચમાં 28 વિકેટ લીધી છે.
સાઉથ આફ્રિકા તરફથી હેન્ડ્રીક્સ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી સાઉથ આફ્રિકાનો ઓપનર રીઝા હેન્ડ્રીક્સ આ વર્ષે ટીમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. હેન્ડ્રીક્સે 17 મેચમાં 399 રન બનાવ્યા છે. એનરિક નોર્કિયા આ વર્ષે ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. પરંતુ, તે આ સિરીઝમાં ટીમનો ભાગ નથી. આ સ્થિતિમાં ઓટનેલ બાર્ટમેન સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 10 મેચમાં 14 વિકેટ લીધી છે.
રમણદીપ સિંહ ડેબ્યૂ કરી શકે છે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પ્રથમ મેચમાં રમણદીપ સિંહને ડેબ્યૂ કરવાની તક આપી શકે છે. ઇમર્જિંગ એશિયા કપ 2024માં રમણદીપે બોલ, બેટ અને ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે IPLની છેલ્લી સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતી વખતે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
રમણદીપ સિંહ સાઉથ આફ્રિકામાં T20 ડેબ્યૂ કરી શકે છે.
પિચ રિપોર્ટ અને રેકોર્ડ્સ કિંગ્સમીડ ક્રિકેટ ગ્રાઉન્ડની પિચ બોલિંગ માટે અનુકૂળ છે. ફાસ્ટ બોલરને અહીં વધુ મદદ મળે છે. અહીં અત્યાર સુધીમાં કુલ 22 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 11 મેચ જીતી છે. જ્યારે 9 મેચમાં પ્રથમ બોલિંગ કરતા ટીમને સફળતા મળી હતી. અહીં બે મેચ અનિર્ણિત રહી હતી. આવી સ્થિતિમાં ટૉસ જીતનારી ટીમ આ મેદાન પર પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે.
હવામાન અહેવાલ મેચના દિવસે ડરબનમાં હવામાન સાફ રહેશે. દિવસભર કેટલાક વાદળો સાથે તડકો રહેશે. જો કે, 10% વરસાદની પણ સંભાવના છે. તાપમાન 20 થી 24 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી/રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને આવેશ ખાન.
સાઉથ આફ્રિકા (SA): એડન માર્કરમ (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, રિયાન રિકલ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, ડોનોવન ફરેરા, માર્કો યાન્સેન, ગેરાલ્ડ કોત્ઝી, ઓટનેલ બાર્ટમેન અને લુથો સિપામલા.
તમે મેચ ક્યાં જોઈ શકો છો?
- મેચનું લાઈવ કવરેજ દિવ્ય ભાસ્કર એપ પર પણ કરવામાં આવશે.
- Sports18 આ T-20 સિરીઝના ઑફિશિયલ બ્રોડકાસ્ટર છે. તમે ભારતમાં Sports18 ટીવી ચેનલ પર મેચ લાઈવ જોઈ શકો છો.
- ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ અને વેબસાઈટ પર થશે.