સ્પોર્ટ્સ ડેસ્ક8 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ આઈપીએલની પ્રથમ 2 મેચમાંથી બહાર થઈ શકે છે. તે હજી સુધી ઈજામાંથી બહાર આવી શક્યો નથી. NCA કે BCCIએ પણ તેના ફિટનેસ વિશે હજુ સુધી કોઈ માહિતી આપી નથી.
સૂર્યકુમાર પહેલા, દિલ્હી કેપિટલ્સના રિષભ પંતને પણ IPLની તમામ મેચમાં હાજરી આપવી મુશ્કેલ લાગી હતી. ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પહેલેથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
સૂર્યા ICCની T20 બેટરના રેન્કિંગમાં નંબર-1 ખેલાડી છે. તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPL રમે છે. તેની ટીમ 17મી સિઝનમાં પ્રથમ મેચ 24 માર્ચે અને બીજી મેચ 27 માર્ચે રમશે.
દક્ષિણ આફ્રિકામાં ઈજાગ્રસ્ત થયો હતો
સૂર્યકુમાર યાદવ છેલ્લે ડિસેમ્બર 2023માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા જોવા મળ્યો હતો. અહીં તેણે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટી-20માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી. આ દરમિયાન તે ફિલ્ડિંગ દરમિયાન બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો.
સૂર્યાને પગમાં ઈજા થઈ હતી, જેના માટે તે સારવાર માટે ભારત પરત ફર્યો હતો. તેણે હર્નિયાની સર્જરી કરાવી અને પછી એનસીએમાં રિહેબ શરૂ કર્યું. એનસીએ તરફથી તેની ફિટનેસ વિશે હજુ સુધી માહિતી મળી નથી.
સૂર્યકુમારે 17 જાન્યુઆરીએ સર્જરી કરાવતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
એપ્રિલમાં પરત આવી શકે
સર્જરીને કારણે સૂર્યકુમારની વાપસીની હજુ પુષ્ટિ થઈ નથી. ડિસેમ્બરમાં ઈજાગ્રસ્ત થયા બાદ તે NCAમાં સ્વસ્થ થઈ રહ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, સૂર્યકુમાર મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે પ્રથમ 2 મેચ રમી શકશે નહીં.
IPLની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. મુંબઈ તેની પ્રથમ મેચ 24 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે રમશે. ટીમ 27 માર્ચે બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. સૂર્યા માટે બંનેમાં રમવું મુશ્કેલ છે.
અહેવાલો અનુસાર, સૂર્યકુમાર એપ્રિલમાં રમતના મેદાનમાં વાપસી કરી શકે છે. 1 એપ્રિલે, મુંબઈ ઈન્ડિયન્સ લીગ તબક્કાની તેમની ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. સૂર્યા આ મેચમાં રમતા જોવા મળી શકે છે.
સૂર્યકુમારે ભારત માટે તેની છેલ્લી મેચ ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.
સૂર્યા રિકવરી વીડિયો પોસ્ટ કરી રહ્યો છે
સૂર્યકુમાર યાદવે ઇન્જરી પછી પોતાની રમતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા નથી. તે પોતાની રિકવરી અને ટ્રેનિંગની તસવીરો શેર કરી રહ્યા છે. એવામાં માની શકાય છે કે તેમણે અત્યાર સુધી ફુલ સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને બેટિંગ શરૂ કરી નથી.
3 હજારથી વધારે IPL રન બનાવી ચૂક્યા છે સૂર્યકુમાર
સૂર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલ રમવાની શરૂઆત કરી હતી. તેને ફરીથી કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો, અહીં સારું પ્રદર્શન કર્યા બાદ મુંબઈએ તેને ફરીથી હરાજીમાં ખરીદ્યો. તેની ક્રિકેટ કારકિર્દી મુંબઈથી જ ઝડપથી વિકસતી ગઈ. તેણે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી અને 4 ઈન્ટરનેશનલ સદી ફટકારીને આઈસીસી T-20 બેટર રેન્કિંગમાં નંબર-1 બેટર પણ બન્યો.
સૂર્યાના 139 IPL મેચમાં 143.32ના સ્ટ્રાઈક રેટથી 3,249 રન છે. તેણે IPLમાં એક સદી અને 21 અર્ધસદી ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 60 મેચમાં સૂર્યાએ 171.55ના સ્ટ્રાઈક રેટથી 2141 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 17 અડધી સદી સામેલ છે. સૂર્યકુમારે ભારત માટે 37 વનડે અને એક ટેસ્ટ પણ રમી છે.
સૂર્યકુમાર યાદવના નામે IPLમાં એક સદી અને T-20 ઈન્ટરનેશનલમાં 4 સદી છે.
જય શાહે કહ્યું- પંત IPL રમી શકે છે
BCCI સેક્રેટરી જય શાહે વિકેટકીપર રિષભ પંતના IPLમાંથી મેદાનમાં પરત ફરવા અંગે વાત કરી હતી. તેણે કહ્યું કે પંતે નેટમાં બેટિંગ અને મેદાન પર વિકેટકીપિંગ શરૂ કરી દીધી છે. જો તે IPLમાં વિકેટકીપિંગ કરશે તો તેને T20 વર્લ્ડ કપની ટીમમાં પણ તક મળી શકે છે.
શમી T20 વર્લ્ડ કપ સુધી બહાર
મોહમ્મદ શમી IPL અને T-20 વર્લ્ડ કપ 2024માંથી બહાર છે.
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટી-20 વર્લ્ડ કપની સાથે જ આઈપીએલમાંથી બહાર થઈ ગયો હતો. તે પગની ઘૂંટીની સર્જરી કરાવશે, જેના પછી તે લગભગ 4-5 મહિના સુધી મેદાનમાં પાછો ફરે તેવી શક્યતા નથી. બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું કે શમી સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં સીધો ભારત માટે રમી શકશે.