22 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયા 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે આવતા વર્ષે જૂનમાં ઇંગ્લેન્ડના પ્રવાસે જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગુરુવાર, ઓગસ્ટ 22ના રોજ તેનું શિડ્યૂલ જાહેર કર્યું. ટેસ્ટ સિરીઝ 20 જૂનથી શરૂ થશે. આ સાથે, ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની 2025-27 સાયકલની શરૂઆત કરશે.
ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ જૂનમાં શરૂ થશે અને ઑગસ્ટ સુધી ચાલશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી આવતા વર્ષે જૂનમાં શરૂ થશે અને ઑગસ્ટ સુધી ચાલશે. પ્રથમ ટેસ્ટ 20 જૂનથી હેડિંગ્લે ખાતે, બીજી ટેસ્ટ 2 જુલાઈથી એજબેસ્ટન ખાતે, ત્રીજી ટેસ્ટ 10 જુલાઈથી લોર્ડ્સમાં, ચોથી ટેસ્ટ 23 જુલાઈથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે અને પાંચમી ટેસ્ટ 31 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી લંડનના ઓવલ મેદાન પર રમાશે.
છેલ્લે 2007માં ઇંગ્લેન્ડમાં શ્રેણી જીતી હતી
ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2007માં ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી હતી. જ્યાં રાહુલ દ્રવિડની આગેવાનીમાં ભારતીય ટીમે 3 મેચની શ્રેણી 1-0થી જીતી લીધી હતી. આ શ્રેણીની પ્રથમ અને છેલ્લી મેચ ડ્રો રહી હતી. જ્યારે નોટિંગહામમાં રમાયેલી બીજી મેચમાં ભારતીય ટીમનો 7 વિકેટે વિજય થયો હતો.
આ ફોટો 2007નો છે. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ જશ્ન મનાવતી ટીમ ઈન્ડિયા.
વિરાટની કેપ્ટનશિપમાં 2-1ની લીડ મેળવી હતી
ટીમ ઈન્ડિયા 17 વર્ષથી ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. ગત પ્રવાસમાં ભારતીય ટીમે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં 2-1થી લીડ મેળવી હતી. સિરીઝની છેલ્લી મેચ કોવિડને કારણે ફરીથી શિડ્યૂલ કરવામાં આવી હતી. આ પછી, 2022માં આયોજિત શ્રેણીની છેલ્લી મેચ જીતીને, ઇંગ્લેન્ડે શ્રેણી 2-2થી બરાબર કરી હતી.
2021-22ના ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમે શ્રેણી 2-2થી ડ્રો કરી હતી.