સ્પોર્ટ્સ ડેસ્ક51 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર રમાયેલી મેચની પિચને અસંતોષકારક રેટિંગ આપ્યું છે. એક ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. બંને ટીમ વચ્ચે બે મેચની શ્રેણીની બીજી મેચ અહીં રમાઈ હતી. આ ઈતિહાસની સૌથી ટૂંકી ટેસ્ટ મેચ હતી, જે માત્ર બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી.
આ મેચમાં બંને ટીમ 4 ઇનિંગ્સ સહિત માત્ર 107 ઓવરની જ બેટિંગ કરી શકી હતી. 147 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આ સૌથી ટૂંકી મેચ હતી, જેનું પરિણામ આવ્યું.
ICC દ્વારા પિચને અસંતોષકારક રેટિંગ આપવામાં આવ્યા બાદ ક્રિકેટ સાઉથ આફ્રિકા પાસે અપીલ કરવા માટે હવે 14 દિવસનો સમય છે. બોર્ડ 14 દિવસની અંદર રેટિંગ સામે અપીલ કરી શકે છે.
મેચ રેફરી ક્રિસ બ્રોડે ચિંતા વ્યક્ત કરી હતી
મેચ રેફરી ક્રિસ બ્રોડે ન્યૂલેન્ડ્સ (કેપ ટાઉન)ની વિકેટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું- ન્યૂલેન્ડ્સની પિચ પર બેટિંગ કરવી ખૂબ મુશ્કેલ હતું. આખી મેચ દરમિયાન બોલ ઝડપથી અને ક્યારેક ખતરનાક રીતે ઉછળ્યો, જેના કારણે શોટ લેવાનું મુશ્કેલ બન્યું. ઘણા બેટર્સના ગ્લોવ્સ પર બોલ વાગ્યો હતો અને વિચિત્ર ઉછાળને કારણે ઘણી વિકેટો પણ પડી હતી.
પિચ સંબંધિત ICC નિયમો
ICCની ‘પિચ એન્ડ આઉટફિલ્ડ મોનિટરિંગ પ્રોસેસ’ હેઠળ તમામ મેચ દરમિયાન પિચ અને આઉટફિલ્ડનું નિરીક્ષણ કરવામાં આવે છે. ICC પિચ અને આઉટફિલ્ડને એક ડિમેરિટ પોઈન્ટ આપે છે જેને મેચ રેફરી અસંતોષકારક માને છે.
જો કોઈ સ્થળને 5 વર્ષમાં 6 કે તેથી વધુ ડીમેરિટ પોઈન્ટ મળે છે, તો તેના પર 12 મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે. એટલે કે એક વર્ષ સુધી તે સ્થળ પર કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાતી નથી. જ્યારે 12 ડીમેરિટ પોઈન્ટ મળવા પર ગ્રાઉન્ડ પર 24 મહિનાનો પ્રતિબંધ મુકાઈ છે.
મેચ વિશે જાણો…
ગુરુવારે કેપટાઉનમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું, પરંતુ ટીમ 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તેની પ્રથમ ઇનિંગમાં પણ માત્ર 153 રન જ બનાવી શક્યું હતું. જોકે ટીમને 98 રનની લીડ મળી હતી.
સાઉથ આફ્રિકા તેની બીજી ઇનિંગમાં માત્ર 176 રન જ બનાવી શકી હતી. ટીમ 78 રનથી આગળ હતી, જેથી ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ બીજા સેશનની માત્ર 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતી.