સ્પોર્ટ્સ ડેસ્ક52 મિનિટ પેહલા
- કૉપી લિંક
વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. 23 ફેબ્રુઆરીએ સિઝન-1ની ફાઇનલિસ્ટ મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ઓપનિંગ મેચ યોજાશે. એલિમિનેટર 15 માર્ચે અને ફાઈનલ 17 માર્ચે રમાશે.
WPLની તમામ 22 મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાશે. બંને શહેરોમાં 11-11 મેચ રમાશે.
તમામ મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે
WPLની સિઝન 2માં, પહેલી 11 મેચ બેંગલુરુમાં 23 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી યોજાશે. આ પછી બાકીની 11 મેચ દિલ્હીમાં 5થી 17 માર્ચ સુધી રમાશે. એક દિવસમાં માત્ર એક જ મેચ હશે અને તમામ મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે.
છેલ્લી લીગ મેચ 13 માર્ચે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે દિલ્હીમાં રમાશે. 14 અને 16 માર્ચે એક-એક દિવસનો વિરામ રહેશે. જ્યારે એલિમિનેટર 15 માર્ચે અને ફાઈનલ 17 માર્ચે રમાશે.
WPLની 22 મેચ બેંગલુરુ અને દિલ્હીમાં યોજાશે. બેંગલુરુ RCB અને દિલ્હી DCનું હોમ ગ્રાઉન્ડ છે.
ટોચની ટીમ સીધી ફાઈનલ રમશે
WPLની બીજી સિઝનમાં પણ 5 ટીમ ભાગ લઈ રહી છે. તમામ ટીમ એકબીજા સામે 2-2 લીગ મેચ રમશે. લીગ તબક્કાની સમાપ્તિ પછી, પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી ટીમ ફાઇનલમાં પહોંચશે. એલિમિનેટર બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો વચ્ચે દિલ્હીમાં રમાશે. જે ટીમ આ જીતશે તે 17 માર્ચે પ્રથમ સ્થાન મેળવનાર ટીમ સામે ફાઈનલ રમશે.
મુંબઈએ દિલ્હીને હરાવીને સિઝન-1નો ખિતાબ જીત્યો હતો
વુમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ સિઝન 2023માં 4થી 26 માર્ચ દરમિયાન રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ટાઈટલ જીત્યું હતું. મુંબઈની કેપ્ટનશિપ હરમનપ્રીત કૌર અને દિલ્હીની કેપ્ટનશિપ મેગ લેનિંગે કરી હતી. પ્રથમ સિઝનમાં 5 ટીમે ભાગ લીધો હતો, બીજી સિઝનમાં પણ માત્ર 5 ટીમ જ ભાગ લેશે.
મુંબઈ ઈન્ડિયન્સે સિઝન-1નું ટાઈટલ જીત્યું હતું. ટીમની કેપ્ટનશિપ હરમનપ્રીત કૌરે સંભાળી હતી.
BCCI તેને માત્ર એક રાજ્યમાં કરવા માગતી હતી
અહેવાલો અનુસાર, BCCI વુમન્સ પ્રીમિયર લીગની બીજી સિઝન એક જ રાજ્યના અલગ-અલગ સ્ટેડિયમમાં યોજવા માંગતી હતી. કારણ કે એક જ રાજ્યમાં યોજાતી મેચ મેનેજમેન્ટને સરળ બનાવે છે.
BCCIએ મહારાષ્ટ્ર અને ગુજરાત માટે 2 વિકલ્પ બહાર પાડ્યા હતા. પરંતુ સિઝન 1ની તમામ મેચ મુંબઈમાં રમાઈ હતી, તેથી આ વખતે તેનું આયોજન કરવામાં આવ્યું નથી. જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની દર્શક ક્ષમતા ટુર્નામેન્ટ માટે ઘણી વધારે હશે. તેથી BCCIએ આ બંને સ્ટેડિયમને પડતું મૂક્યું અને અંતે દિલ્હી અને બેંગલુરુ પર સંમત થયા.
કાશવી ગૌતમ WPL-2ની સૌથી મોંઘી ખેલાડી
વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની સિઝન 2 માટે ઓક્શન થયું હતું. આ વખતે ફ્રેન્ચાઇઝીએ 30 ખેલાડીઓને ખરીદ્યા જેમાં 9 વિદેશી અને 21 ભારતીય ખેલાડીઓ સામેલ છે.
લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલેલા આ ઓક્શન પ્રક્રિયામાં ફ્રેન્ચાઇઝીએ 90 ખેલાડીઓ પર 12.75 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ઓક્શનમાં કુલ 90 ખેલાડીઓના નામ બોલવામાં આવ્યા હતા.
ભારતની કાશવી ગૌતમ અને વૃંદા દિનેશે ઓક્શનમાં સૌને ચોંકાવી દીધા હતા. કાશવી ગૌતમને 2 કરોડમાં અને વૃંદાને 1.30 કરોડમાં અનુક્રમે ગુજરાત અને યુપીની ટીમે પોતાની ટીમમાં સામેલ કર્યા છે. બંનેની બેઝ પ્રાઇસ 10-10 લાખ રૂપિયા હતી. ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડને પણ દિલ્હી કેપિટલ્સે 2 કરોડમાં લીધી છે, તે સૌથી મોંઘી વિદેશી ખેલાડી છે. જ્યારે ડિઆન્ડ્રા ડોટિન, ચમારી અટાપટ્ટુ દેવિકા વૈદ્ય, એમી જોન્સ અને કિમ ગાર્થ અનસોલ્ડ રહ્યાં હતાં.
5 ખેલાડીની કિંમત એક કરોડથી વધુ રહી
ઓક્શનમાં 5 ખેલાડીની કિંમત એક કરોડથી વધુ હતી. સધરલેન્ડ, વૃંદા અને કાશવી ઉપરાંત ઓસ્ટ્રેલિયાની ફોબી લિચફિલ્ડ (1 કરોડ) અને દક્ષિણ આફ્રિકાની શબનિમ ઈસ્માઈલ (1.20 કરોડ)ને પણ ઓક્શનમાં એક કરોડથી વધુ રૂપિયા મળી હતી. લિચફિલ્ડને ગુજરાતે અને શબનિમને મુંબઈએ લીધાં હતાં.
કાશવી ગૌતમ પહેલી વખત WPL રમશે
20 વર્ષની કાશવી ગૌતમ સીઝન 2ની ઓક્શનમાં સૌથી મોંઘી ખેલાડી બની હતી. પેસ બોલિંગ ઓલરાઉન્ડર કાશવી ચંદીગઢ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તે 2020માં અરુણાચલ પ્રદેશ સામે ઘરઆંગણે રમાયેલી ODIમાં 10 વિકેટ લઈને ચર્ચામાં આવી હતી. એ બાદ તેને 2022માં અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક પણ મળી. સંપૂર્ણ સમાચાર વાંચો
તાજેતરમાં જ તેણે સિનિયર મહિલા T-20 ટ્રોફીમાં 12 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનના કારણે તેને અંડર-23 એશિયા કપમાં ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક પણ મળી. છેલ્લી WPLના ઓક્શનમાં અનસોલ્ડ રહ્યાં બાદ, આ વખતે તેને કિંમત 2 કરોડ રૂપિયા મળ્યા હતા. ગુજરાત જાયન્ટ્સે તેને બેઝ પ્રાઇસ કરતાં 20 ગણી વધુ કિંમતે લીધી હતી. તેની બેઝ પ્રાઇસ માત્ર 10 લાખ રૂપિયા હતી. કાશવી ઓક્શનમાં સૌથી મોંઘી ભારતીય ખેલાડી પણ બની ગઈ છે.