સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની સતત ત્રીજી હાર બાદ, ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમને ડિસીપ્લીનમાં રહીને ઘણી હિંમત બતાવવા વિનંતી કરી. વાનખેડે સ્ટેડિયમમાં સોમવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)એ મુંબઈને છ વિકેટે હરાવ્યું હતું.
હાર્દિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી અને લખ્યું- તમને ખબર હોવી જોઈએ કે મુંબઈ ઈન્ડિયન્સ એક એવી ટીમ છે જે હાર માનતી નથી, અમે લડતા રહીશું અને આગળ વધતા રહીશું.
આ સિઝનમાં, હાર્દિક મુંબઈનો નવો કેપ્ટન બન્યો છે, તેણે રોહિતની જગ્યાએ ટીમને 5 ટાઇટલ અપાવ્યું હતું. તેની કેપ્ટનશિપ હેઠળ આ સિઝનમાં મુંબઈની આ સતત ત્રીજી હાર છે.
હાર્દિક પંડ્યાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ સતત ત્રીજી મેચ હારી ગઈ હતી.
મને લાગે છે કે હું વધુ સારું કરી શક્યો હોત- હાર્દિક
કેપ્ટન પંડ્યાએ મેચ બાદ કહ્યું, ‘અમે જે રીતે ઇચ્છતા હતા તે રીતે અમે શરૂઆત કરી ન હતી. આજની રાત મુશ્કેલ હતી. એક ટીમ તરીકે અમે માનીએ છીએ કે અમે વધુ સારું કરી શકીએ છીએ. પરંતુ, અમારે થોડા વધુ શિસ્તબદ્ધ રહીને ઘણી હિંમત બતાવવી પડશે.
તેણે આગળ કહ્યું, ‘મને લાગે છે કે અમે એક સમયે 150-160 રન સુધી પહોંચવાની સ્થિતિમાં હતા, પરંતુ મારી વિકેટે રમત બદલી નાખી અને મેચમાં તેમને વધુ સારી સ્થિતિમાં મૂકી દીધા. મને લાગે છે કે હું વધુ સારું કરી શક્યો હોત.’
કેપ્ટન હાર્દિક એક બેજવાબદાર શોટ રમીને આઉટ થયો હતો
સોમવારે રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. રાજસ્થાને 126 રનનો ટાર્ગેટ 15.3 ઓવરમાં મેળવી લીધો હતો.
ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે સતત વિકેટ ગુમાવી હતી. ટ્રેન્ટ બોલ્ટે પહેલી જ ઓવરમાં રોહિત શર્મા અને નમન ધીરને પેવેલિયન મોકલી દીધા હતા. બંને ખાતા પણ ખોલી શક્યા ન હતા. ત્રીજી ઓવરમાં બોલ્ટે ફરીથી ડેવાલ્ડ બ્રેવિસને શૂન્ય પર કેચ આઉટ કરાવ્યો. ત્રણેય ખેલાડીઓ પ્રથમ બોલ પર આઉટ થઈ ગયા હતા.
શરૂઆતમાં વિકેટો પડ્યા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ ટીમની કમાન સંભાળી હતી. તેણે તિલક સાથે 50+ રનની ભાગીદારી પણ કરી હતી, પરંતુ ચહલ સામે બેજવાબદાર શોટ રમીને આઉટ થઈ ગયો હતો. તેની વિકેટ પડ્યા બાદ મુંબઈના બેટર્સ ઝડપથી રન બનાવી શક્યા ન હતા અને ટીમ વિખેરાઈ ગઈ હતી. હાર્દિકે 34 રન બનાવ્યા હતા.
હાર્દિક પંડ્યા (જમણે) યુઝવેન્દ્ર ચહલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ત્રીજા બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ લોંગ ઓન પર રોવમેન પોવેલના હાથે કેચ થઈ ગયો.
પોઈન્ટ ટેબલમાં મુંબઈ છેલ્લા સ્થાને
IPLમાં 14 લીગ મેચ સમાપ્ત થયા બાદ રાજસ્થાન રોયલ્સ ટોપ પર છે. ટીમે 3માંથી 3 મેચ જીતી છે અને હાલમાં તેના 6 પોઈન્ટ છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ 3 મેચમાં 3 હાર બાદ છેલ્લા સ્થાને છે. ટીમ પાસે હાલમાં કોઈ પોઈન્ટ નથી.