સ્પોર્ટ્સ ડેસ્ક13 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPL 2025નું મેગા ઓક્શન 24 (આજે) અને 25 (આવતીકાલે) નવેમ્બરે થશે. આ ઇવેન્ટ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. ઓક્શનમાં 577 ખેલાડીઓ છે, જોકે 10 ટીમમાં માત્ર 204 ખેલાડીઓની જ જગ્યા ખાલી છે. રિષભ પંત, કેએલ રાહુલ અને ગ્લેન મેક્સવેલ જેવા મોટા નામો પણ ઓક્શનમાં પ્રવેશ કરશે, જેના માટે ટીમ 20 થી 30 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે.
છેલ્લા ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો રહ્યો હતો. તેને કોલકાતાએ 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટાર્ક પણ આ વખતે ઓક્શનમાં હશે. તેની સાથે અર્શદીપ સિંહ, સેમ કરન અને મોહમ્મદ શમી જેવા બોલરોને પણ 15 થી 20 કરોડ રૂપિયાની બોલી લાગી શકે છે.
ક્યારેય મેગા ઓક્શનમાં
16 કરોડની બિડ લાગી નથી
IPLના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓ મિની ઓક્શનમાં જ આવ્યા હતા. ટુર્નામેન્ટના ઈતિહાસમાં 5 મેગા ઓક્શન થયા છે અને બિડ ક્યારેય 16 કરોડ રૂપિયાને સ્પર્શી નથી. ઈશાન કિશનને 2022માં 15.25 કરોડ રૂપિયામાં અને ગૌતમ ગંભીરને 2011માં 14.9 કરોડ રૂપિયામાં ખરીદાયો હતો. બંને મેગા ઓક્શનના સૌથી મોંઘા ખેલાડી છે. આ સિવાય બાકીની 3 મેગા ઓક્શનમાં સૌથી વધુ બોલી માત્ર 12 અને 14 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી.
ટૉપ-5 ખેલાડીઓ, જેઓ મેગા ઓક્શનમાં સુપરસ્ટાર બની શકે છે…
1. રિષભ પંતઃ 30 કરોડનો બેરિયર તોડી શકે
- દિલ્હી કેપિટલ્સનો ભૂતપૂર્વ કેપ્ટન રિષભ વિકેટકીપર બેટર છે. ગત સિઝનમાં ટીમે 7 મેચ જીતી હતી, પરંતુ પ્લેઓફમાં પહોંચી શકી નહોતી.
- 2024 IPLની 13 મેચમાં 155થી વધુના સ્ટ્રાઈક રેટથી 446 રન બનાવ્યા. પોતાની કારકિર્દીમાં 3 હજારથી વધુ રન બનાવ્યા છે. તેના નામે એક સદી પણ છે.
- 5 ટીમને કેપ્ટનની જરૂર છે અને ચારને વિકેટકીપરની જરૂર છે. પંત આ ટીમની જરૂરિયાતો પૂરી કરશે અને કેપ્ટનશિપ પણ કરી શકશે.
- પંજાબ અને બેંગલુરુની ટીમ સૌથી મોટા પર્સ સાથે ઓક્શનમાં ઉતરશે. બંને ટીમમાં પંત માટે બિડિંગ વોર 30 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.
2. અર્શદીપ સિંહઃ સૌથી મોંઘો બોલર બની શકે
- ટીમ ઈન્ડિયાના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે રિલીઝ કર્યો હતો. નવા બોલને સ્વિંગ કરવાની સાથે તે ડેથ ઓવરોમાં યોર્કર પણ ફેંકે છે.
- ગત સિઝનમાં 14 મેચમાં 19 વિકેટ લીધી હતી. પોતાના કરિયરમાં 76 વિકેટ લીધી છે. પંજાબે તેને ક્યા કારણોસર મુક્ત કર્યો તે હજુ સુધી બહાર આવ્યું નથી.
- અર્શદીપે 2022માં ભારત માટે T20માં ડેબ્યૂ કર્યું હતું, તે 3 વર્ષમાં દેશનો બીજો ટૉપ વિકેટ લેનાર બોલર બન્યો હતો. T-20 વર્લ્ડ કપ 2024માં તેણે સૌથી વધુ 17 વિકેટ લીધી હતી.
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના સતત પ્રદર્શનને કારણે તેની ખૂબ જ માગ છે. ગુજરાત, હૈદરાબાદ, બેંગલુરુ જેવી ટીમ તેના માટે 20 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે.
3. જોસ બટલર: સૌથી મોંઘો વિદેશી બની શકે
- ઇંગ્લેન્ડનો વ્હાઇટ બોલનો કેપ્ટન જોસ બટલર વિકેટકીપર છે અને ઓપનિંગની સાથે સાથે તેની પાસે કેપ્ટનશિપની કુશળતા પણ છે. રાજસ્થાન તેને રિટેન કરી શક્યું ન હતું.
- બટલરે પોતાની કેપ્ટનશિપમાં ઇંગ્લેન્ડને 2022નો T20 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. તેમની આગેવાની હેઠળ ટીમે 2024 વર્લ્ડ કપની સેમિફાઈનલ પણ રમી હતી.
- બટલરે ગત સિઝનમાં 11 મેચમાં 2 સદી ફટકારીને 359 રન બનાવ્યા હતા. તેના નામે 7 IPL સદી છે અને તેણે 3500 થી વધુ રન પણ બનાવ્યા છે.
- વિદેશી વિકેટકીપર બેટરની શોધ કરતી ટીમ માટે બટલર શ્રેષ્ઠ વિકલ્પ છે. કોલકાતા, મુંબઈ અને ગુજરાતમાં આ માટે બિડિંગ વોર 15 કરોડ રૂપિયાને પણ પાર કરી શકે છે.
4. ગ્લેન મેક્સવેલ: જ્યારે પણ ઓક્શનમાં પ્રવેશ્યો, ત્યારે તેને વધુ કિંમત મળી
- ગ્લેન મેક્સવેલ ઓફ સ્પિન ઓલરાઉન્ડર છે અને તે તેની સખત બેટિંગ માટે જાણીતો છે. ટીમને પોતાના દમ પર મેચ જીતાડી શકે છે.
- ગત સિઝનમાં મેક્સવેલ 10 મેચમાં માત્ર 52 રન બનાવી શક્યો હતો, RCBએ તેને રિલીઝ કર્યો હતો. તે તેની કારકિર્દીમાં 3000 રનની નજીક છે, તેણે આ રન 156થી વધુના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે.
- દરેક ઓક્શનમાં મેક્સવેલ પર 5 કરોડથી વધુની બોલીઓ લાગી હતી. 2013માં મુંબઈએ તેને 5.32 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, 2014માં પંજાબે તેને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, 2018માં દિલ્હીએ તેને 9 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, 2020માં પંજાબે તેને 10.75 કરોડ રૂપિયામાં અને 2021માં બેંગલુરુએ તેને 14.75 કરોડમાં ખરીદ્યો હતો.
- IPLની તમામ ટીમને વિદેશી બેટિંગ ઓલરાઉન્ડરની જરૂર છે. મેક્સવેલ એક મોટું નામ છે, તેથી ટીમ તેના પર 15 થી 20 કરોડ રૂપિયા સરળતાથી ખર્ચી શકે છે.
5. કેએલ રાહુલઃ મુંબઈ-ગુજરાત કરોડો વરસાવી શકે છે
- લખનઉ અને પંજાબની કેપ્ટનશિપ કરી ચૂકેલા કેએલ રાહુલ વિકેટકીપર-ઓપનર છે. પંત અને બટલરમાં સમાન સ્કિલ્સ છે. રાહુલ ગત સિઝનમાં લખનઉને પ્લેઓફમાં લઈ જઈ શક્યો ન હતો, તેથી ટીમે તેને રિલીઝ કર્યો હતો.
- રાહુલે ગત સિઝનમાં 14 મેચમાં 520 રન બનાવ્યા હતા, તેની IPL કરિયરમાં 4 સદી છે. તે 5 હજાર રનની નજીક છે અને વિસ્ફોટક બેટિંગ પણ કરે છે.
- રાહુલે આંતરરાષ્ટ્રીય T-20માં પણ 2 સદી ફટકારી છે. ટેસ્ટ અને ODI ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે તે હાલમાં T20 ટીમની બહાર છે, પરંતુ રાહુલ કોઈપણ IPL ટીમ માટે સ્માર્ટ સિલેક્શન બની શકે છે.
- મુંબઈ, ગુજરાત, બેંગલુરુ અને દિલ્હી જેવી ટીમ રાહુલને ખરીદવામાં રસ ધરાવે છે. જો બિડિંગ વોર થાય તો રકમ સરળતાથી 20 કરોડ રૂપિયાને પાર કરી શકે છે.
ઓક્શનમાં શ્રેયસ-સ્ટાર્ક સરપ્રાઈઝ કરી શકે છે
શ્રેયસ અય્યર: કેપ્ટનશિપમાં કોલકાતા 10 વર્ષે ચેમ્પિયન બન્યું
- ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે કેપ્ટન શ્રેયસ અય્યરને રિલીઝ કર્યો છે. તે પોતાની કેપ્ટનશિપમાં દિલ્હીને પ્લેઓફમાં પણ લઈ ગયો છે. તે મિડલ ઓર્ડર બેટર છે.
- ગત સિઝનમાં શ્રેયસે 14 મેચમાં 146થી વધુના સ્ટ્રાઈક રેટથી 351 રન બનાવ્યા હતા. તેણે પોતાની કારકિર્દીમાં 3 હજારથી વધુ રન બનાવ્યા છે, તેના નામે 21 ફિફ્ટી છે.
- શ્રેયસને છેલ્લી મેગા ઓક્શનમાં કોલકાતાએ 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જો કોઈપણ ટીમ તેને 7 કરોડ રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદે છે તો તે ખૂબ જ સ્માર્ટ ચોઈસ હશે.
- ઓક્શનમાં એવી 5 ટીમ છે, જેને કેપ્ટનની જરૂર છે. પંજાબ, દિલ્હી અને બેંગલુરુએ શ્રેયસ જેવા ખેલાડી માટે મોટી રકમ બચાવી છે.
મિચેલ સ્ટાર્કઃ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી
- છેલ્લી મિની ઓક્શનમાં IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનેલો મિચેલ સ્ટાર્ક પર ફરી એક મોટી બોલી લગાવી શકાય છે. તેને કોલકાતાએ ગત સિઝનમાં 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
- સ્ટાર્કે ગત સિઝનમાં 13 મેચમાં 17 વિકેટ લીધી હતી. કોલકાતાને ચેમ્પિયન બનાવવામાં તેનો મોટો ફાળો હતો, તેણે પ્લેઓફની બંને મેચમાં ઓપનરોની મહત્વની વિકેટ લીધી હતી.
- સ્ટાર્કે તેની IPL કરિયરની 40 મેચમાં 51 વિકેટ લીધી છે. છેલ્લા ઓક્શનમાં, બેંગલુરુ અને ગુજરાતે પણ તેના માટે મોટી બોલી લગાવી હતી. બંને ટીમ આ વખતે પણ મેદાનમાં ઉતરી શકે છે.
- સ્ટાર્ક યોર્કર સ્પેશિયાલિસ્ટ છે અને બેટર્સને ડેથ ઓવરોમાં ઝડપી રન બનાવતા અટકાવે છે. આ સ્કિલ્સના કારણે તેની કિંમત ફરી એકવાર 20 કરોડ રૂપિયાને પાર કરી શકે છે.
ગ્રાફિક્સઃ કુણાલ શર્મા