લંડન2 કલાક પેહલા
- કૉપી લિંક
ઇંગ્લેન્ડમાં બુધવારે રમાઈ રહેલી ફૂટબોલ પ્રીમિયર લીગમાં વોલ્વ્સ ક્લબ અને બ્રેન્ટફોર્ડ વચ્ચેની મેચમાં 3 મિનિટ અને 12 સેકન્ડની અંદર 3 ગોલ થયા હતા. વોલ્વ્સે બ્રેન્ટફોર્ડને 4-1થી હરાવ્યું. તો ચેલ્સીએ પેનલ્ટી મળ્યા બાદ ક્રિસ્ટલ પેલેસને 2-1થી હરાવ્યું અને માન્ચેસ્ટર સિટીએ વિવાદાસ્પદ પેનલ્ટી બાદ એવર્ટનને હરાવ્યું.
વોલ્વ્સે 12 સેકન્ડમાં બે ગોલ કરીને બ્રેન્ટફોર્ડના ડિફેન્સને પછાડ્યું
બુધવારે વોલ્વ્સે બ્રેન્ટફોર્ડ સામે 4-1થી વિજય નોંધાવ્યો હતો. વોલ્વ્સે પ્રથમ હાફમાં 12 સેકન્ડની અંદર બે ગોલ કરીને બ્રેન્ટફોર્ડના ડિફેન્સને પછાડ્યું હતું. વોલ્વ્સનો પહેલો ગોલ મારિયો લેમિનાએ 13મી મિનિટે કર્યો હતો. માત્ર 12 સેકન્ડ બાદ હ્વાંગ હી ચાને ગોલ કરીને સ્કોર 2-0 કરી દીધો હતો.
બ્રેન્ટફોર્ડે કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને 16મી મિનિટે યોઆન વિઝાએ બ્રેન્ટફોર્ડ માટે ગોલ કરીને કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પછી, બ્રેન્ટફોર્ડના ડિફેન્ડર્સ ફરીથી વોલ્વ્સ સામે લાચાર દેખાતા હતા. હ્વાંગે 28મી મિનિટે બીજો ગોલ કર્યો હતો. આ સાથે જ 79મી મિનિટમાં જેનેરિસનર બેલેગાર્ડે ગોલ કરીને પોતાની ટીમને 4-1થી જીત અપાવી હતી.
ચેલ્સીએ ક્રિસ્ટલ પેલેસને હરાવ્યું
ચેલ્સી અને ક્રિસ્ટલ પેલેસ વચ્ચે રમાયેલી મેચમાં વીડિયો આસિસ્ટન્ટ રેફરીના એક નિર્ણયને લઈને વિવાદ થયો હતો અને ચેલ્સીના ચાહકો તેના પર ગુસ્સે થયા હતા, પરંતુ થોડી જ મિનિટો બાદ પેનલ્ટી ગોલ કરીને ચાહકોના ગુસ્સાનો અંત લાવી દીધો હતો. ચેલ્સી માટે નોની માડુકેએ 89મી મિનિટે પેનલ્ટી પર ગોલ કરીને ચેલ્સીને 2-1થી જીત અપાવી હતી. અગાઉ બંને ટીમ એક-એક ગોલથી બરાબરી પર હતી.
ચેલ્સી માટે પહેલો ગોલ મેચની 13મી મિનિટે મિખાઈલો મુડ્રિકે કર્યો હતો. આ પછી 46મી મિનિટે ક્રિસ્ટલ પેલેસ માટે માઈકલ ઓલિસે ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. એવું લાગી રહ્યું હતું કે આ મેચ ડ્રો થશે, પરંતુ પેનલ્ટીએ ચેલ્સીને જીત અપાવી.
ક્રિસ્ટલ પેલેસ સામેની મેચ પછી ચેલ્સિયાના મેનેજર મૌરિસિયો પોચેટીનો નોની માડુકેને અભિનંદન આપે છે.
માન્ચેસ્ટર યુનાઇટેડએ રોમાંચક મેચમાં એસ્ટન વિલાને હરાવ્યું
માન્ચેસ્ટર યુનાઇટેડ બે ગોલથી નીચે આવીને એસ્ટન વિલાને 3-2થી હરાવ્યું. મેચની 26મી મિનિટ સુધીમાં એસ્ટન વિલા 2 ગોલ કરી ચૂક્યું હતું. જેના કારણે યુનાઈટેડના ચાહકો નિરાશ દેખાતા હતા, પરંતુ બીજા હાફમાં યુનાઈટેડએ સમર્થકોને પોતાની રમતથી ઉજવણી કરવાનો મોકો આપ્યો હતો. મેચ બાદ મેનેજર એરિક ટેન હેગે કહ્યું કે 0-2થી પછડાયા બાદ મેં ટીમને કહ્યું કે માત્ર પોતાના પર વિશ્વાસ રાખો, આપણે આ મેચ જીતીશું.
મેચની 21મી મિનિટે જોન મેકગિને ગોલ કરીને પોતાની ટીમ વિલાને 1-0ની સરસાઈ અપાવી હતી. જ્યારે 26મી મિનિટે લિએન્ડર ડેંડોન્કરે ફરી એકવાર ગોલ કરીને વિલાને 2-0થી આગળ કરીને જીતની આશા જગાવી હતી.
યુનાઈટેડે બીજા હાફમાં ત્રણ ગોલ કર્યા
યુનાઈટેડ તરફથી ત્રણેય ગોલ હાફ ટાઈમ બાદ થયા હતા. મેચની 59મી મિનિટે અલેજાન્ડ્રો ગાર્નાચોએ ગોલ કર્યો હતો. 71મી મિનિટે તેણે બીજો ગોલ કરીને સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો હતો. મેચની આઠ મિનિટ પહેલા, રાસ્મસ હજાલુન્ડે ગોલ કરીને યુનાઈટેડને 3-2ની લીડ અપાવી હતી. યુનાઈટે મેચના અંત સુધી આ લીડ જાળવી રાખી હતી. આ જીત સાથે યુનાઈટેડ છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.
માન્ચેસ્ટર સિટીએ એવર્ટનને 3-1થી હરાવ્યું
ક્લબ વર્લ્ડ કપ જીતનાર માન્ચેસ્ટર સિટીની ટીમને બુધવારે વિજય નોંધાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. માન્ચેસ્ટર સિટીએ એક ગોલથી પાછળ રહીને કમબેક કર્યું હતું. એવર્ટન માટે પહેલો ગોલ મેચની 29મી મિનિટે જેક હેરિસને કર્યો હતો. બીજા હાફમાં માન્ચેસ્ટરે કમબેક કરીને ત્રણ ગોલ કરીને મેચને પોતાની તરફેણમાં ફેરવી લીધી હતી. માન્ચેસ્ટર માટે પ્રથમ ગોલ બીજા હાફમાં ફિલ ફોડેને કર્યો હતો. તેણે ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. માન્ચેસ્ટર સિટીને મળેલી પેનલ્ટી પર 64મી મિનિટે જુલિયન અલ્વારેઝે ગોલ કરીને સ્કોર 2-1 કરી દીધો હતો. મેચની છેલ્લી થોડી મિનિટોમાં સિલ્વાએ ગોલ કરીને પોતાની ટીમને 3-1થી જીત અપાવી હતી.