ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 થયો, અમદાવાદમાં 5, ગાંધીનગર-ભાવનગરમાં બે-બે અને પાટણમાં એક સહિત 10 નવા કેસ

0
465
Advertisement

અમદાવાદ

ગુજરાતમાં કોરોના મહામાહીનો પ્રકોપ રોજબરોજ ઝડપથી વધી રહ્યો છે. રાજ્ય સરકારે જાહેર કરેલી સત્તાવાર માહિતી મુજબ શનિવારે અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર અને પાટણમાં નવા કેસ નોંધાયા હતા જેને પગલે ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 થઈ ગયો છે. અમદવાદમાં તબલીગી જમાતના લોકોની ઓળખ કરીને કુલ પાંચ જેટલા વિસ્તારોમાં માસ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અંદાજે 2,000 જેટલા પરિવારને માસ ક્વોરન્ટાઈન હેઠળ આવરી લેવાયા છે. આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ રાજ્યમાં કુલ 10 કેસનો વધારો થયો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ પાંચ કેસ નોંધાયા છે અને કુલ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 43 થઈ ગઈ છે. આ ઉપરાંત ગાંધીનગરમાં વધુ બે કેસ મળી આવ્યા છે જેને પગલે કુલ પોઝિટિવ કેસ 13 થયા છે. ભાવનગરમાં બે કેસનો વધારો થતા કુલ 9 કેસ નોંધાયા છે. પાટણમાં 47 વર્ષના મુંબઈથી સિદ્ધપુર આવેલા યુવકમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. પાટણમાં આ સૌપ્રથમ કેસ થયો છે. 

ડો. જયંતિ રવિએ જણાવ્યા મુજબ ગુજરાતમાં નોંધાયેલા કુલ 10 કેસો પૈકી પાટણના યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈની જણાઈ છે જ્યારે બાકીના તમામ નવ કેસ સ્થાનિક સંક્રમણના હોવાનું તપાસમાં જણાયું છે. અમદાવાદમાં ત્રણ પુરૂષ અને બે સ્ત્રીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. ભાવનગરમાં બન્ને કેસમાં સ્ત્રીઓને કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન થયું છે. ગાંધીનગરના બે કેસ પૈકી એક પુરૂષ તેમજ એક સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સરકારે આપી છે. 

ગુજરાતના કુલ કેસ પૈકી 40%થી વધુ અમદાવાદમાં 

અમદાવાદમાં એક સાથે પાંચ નવા કેસનો વધારો થયો છે. નવા કેસો આંબાવાડી, જમાલપુર, બાપુનગર અને નવરંગપુરામાંથી થયા હોવાની વિગતો મળી છે. ગુજરાતમાં કુલ કેસો પૈકી 40 ટકાથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે. ગઈકાલે પણ સાત કેસો નોંધાયા હતા તેમાં માતાની પોળ કાલુપુરમાં સાત વર્ષની બાળકી સહિત ચાર લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં કુલ 12 કેસ વધતા સ્થિતિ ચિંતાજનક બની છે અને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. અમદાવાદમાં ક્લસ્ટરમાં કોરોના પોઝિટિવના આંકડા વધી રહ્યા છે.

અમદાવાદની 67 વર્ષીય મહિલાનું મોત

અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી કોરોનાગ્રસ્ત 67 વર્ષીય મહિલાનું મોત થયું છે. અમદાવાદમાં કુલ ચોથા દર્દીનું મોત થયું છે અને રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં મોત થયું તે મહિલા કોમોર્બિડ અવસ્થામાં હતી અને તેને અસ્થમા તેમજ ફેફસાની બીમારી હોવાનું જણાયું હતું.

ડો. જયંતિ રવિએ જણાવ્યા મજુબ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 105 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી 84 કેસો સ્ટેબલ છે જ્યારે 11 દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. ગત માહિતી બાદ વડોદરામાં 27 વર્ષીય યુવતીને એસએસજી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ યુવતીના બે વખત કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ દિવ્ય સરદાર સમાચાર સાથે. તમે અમને ફેસબુકટ્વીટર અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Click For Gujarat Samachar in Hindi, India Hindi News