12 કલાક પેહલાલેખક: ઈફત કુરૈશી
- કૉપી લિંક
ગઝલસમ્રાટ જગજિત સિંહની આજે 83મી જન્મજયંતી છે. તેઓ કૉલેજમાં નાના-નાના મેળાવડાઓનું આયોજન કરતા અને લોકોની વિનંતી પર ગીતો ગાતા, તેમણે તેમના કૌશલ્ય અને મખમલી અવાજથી હિન્દી સિનેમામાં ગઝલોને ઓળખ અપાવી. ચિઠ્ઠી ન કોઈ સંદેશ…., હોશ વાલોં કો ખબર ક્યા….,કોઈ ફરિયાદ….,હોઠોં સે છૂ લોં તુમ… જગજિત સિંહના અવાજમાં આ ગઝલો આજે પણ સદાબહાર છે.
જગજિત સિંહના અવાજનો જાદુ એ વાત પરથી લગાવી શકાય છે કે એકવાર એક પાઇલટે તેમના અવાજમાં ગીત સાંભળવા માટે અડધો કલાક સુધી ફ્લાઈટનું લેન્ડિંગ ન કર્યું. સ્વરકોકિલા લતા મંગેશકર પણ જગજિત સાહેબના એટલા મોટા પ્રશંસક હતા કે તેઓ તેમના દરેક શોની ટિકિટ ખરીદતાં અને તેમને સાંભળવા જતાં.
આજે, જગજિત સિંહની જન્મજયંતી પર તેમની ગઝલોના અર્થ સાથે જોડાયેલ તેમના જીવનના કિસ્સાઓની વાતો વાંચો-
ગાવાના શોખને કારણે અભ્યાસમાં નિષ્ફળ ગયા
જગજિત સિંહનો જન્મ 8 ફેબ્રુઆરી, 1941ના રોજ રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં થયો હતો. શીખ પરિવારમાં જન્મેલા જગજિતનું સાચું નામ જગમોહન સિંહ હતું. તેમના પિતા સરદાર અમર સિંહ ધીમાન સરકારી જાહેર બાંધકામ વિભાગમાં નોકરી કરતા હતા. જ્યારે તેમણે જોયું કે જગજિતજીને ગાવામાં રસ છે ત્યારે તેમણે તેમના શોખને માન આપ્યું અને તેમને તાલીમ અપાવી. જગજિત ગાવામાં એટલા મશગૂલ થઈ ગયા કે તેમનું ધ્યાન અભ્યાસ પરથી હટવા લાગ્યું. પરિણામ એ આવ્યું કે જગજિત સિંહ દરેક વખતે નિષ્ફળ જવા લાગ્યા. તેમના પિતા માટે આ ચિંતાનો વિષય હતો, કારણ કે તેઓ ઇચ્છતા હતા કે જગજિત કાં તો એન્જિનિયર બને અથવા તો IAS ઓફિસર બને. તમામ પ્રયાસો છતાં જ્યારે જગજિત સિંહે અભ્યાસને મહત્ત્વ ન આપ્યું ત્યારે તેમને જલંધરની DAV કોલેજમાં દાખલ કરવામાં આવ્યા. તેમની આર્ટસની ડિગ્રી પૂર્ણ કરતી વખતે જગજિત સિંહે ગાયનને પોતાનો વ્યવસાય બનાવવાનું નક્કી કર્યું.
કોલેજની કેન્ટીનમાં જગજિત સિંહને ગાતા સાંભળવા લોકોની ભીડ જામતી હતી. જ્યારે ખિસ્સામાં પૈસા ન હોય ત્યારે જગજિત થોડાં ગીતો ગાયને અને પૈસા આપ્યા વગર કેન્ટીનમાંથી નીકળી જતા, કેન્ટીનમાલિક પણ તેમની ડાયરીમાં તેમનો હિસાબ લખતો હતો, પરંતુ ક્યારેય પૈસા લીધા નહોતા.
જગજિત જ્યારે પ્રખ્યાત ગઝલસમ્રાટ બન્યા ત્યારે એક દિવસ એ જ જૂની કેન્ટીનમાં ગયા અને એ જ જૂના માલિક સંતોખ સિંહને મળ્યા. સંતોખે તેમને એ જ જૂની ડાયરી ખોલીને બતાવી, જેમાં જગજિતનો હિસાબ લખાયેલો હતો. 18 કોફીની રકમ બાકી હતી. જગજિતે માફી માગી અને બિલ ચૂકવવા માટે પોતાનો હાથ ખિસ્સામાં નાખ્યો ત્યારે કેન્ટીનમાલિકે તેમને અટકાવતાં કહ્યું- ‘પૈસા ન આપ્યા તો શું? બદલામાં અમે પણ તમારી ગઝલો મફતમાં જ તો સાંભળી છે.’
કોલેજના ઓડિટોરિયમમાં વિદ્યાર્થીઓએ કહ્યું- ‘અમારે તેમની ગઝલો નથી સાંભળવી’
ગાયનને કારણે જ જગજિત સિંહને ઓલ ઈન્ડિયા રેડિયોમાં નોકરી મળી. વધુમાં, તેમની કુશળતા સુધારવા માટે તેમણે પંડિત છગનલાલ શર્મા અને ઉસ્તાદ જમાન ખાન પાસેથી સંગીતની તાલીમ લીધી. ફિલ્મ મેકર સુભાષ ઘઈ કોલેજકાળથી જ જગજિતના મિત્ર હતા. એકવાર સુભાષ ઘઈએ કોલેજના એક કાર્યક્રમમાં જગજિતને ગાવાનું કહ્યું. જગજિત ગઝલ સંભળાવશે એવી જાહેરાત થતાં જ સામે બેઠેલા લોકો હસવા લાગ્યા. જગજિત સ્ટેજ પર પહોંચતાં જ કેટલાક લોકોએ કહ્યું, ‘તેમની ગઝલો નથી સાંભળવી’. જગજિત શાંતિથી સ્ટેજ પર આવ્યા અને ઊંડો શ્વાસ લીધો અને ગઝલ શરૂ કરી. થોડીક સેકન્ડોમાં સૌપ્રથમ તો શ્રોતાઓમાં શાંતિ પ્રસરી ગઈ અને પછી આખું ઓડિટોરિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું.
દાઢી અને વાળ કાપ્યા તો તેમના પિતાએ સંબંધ તોડી નાખ્યો
પોતાનો અભ્યાસ પૂરો કરતાની સાથે જ જગજીતજી તેમના પિતાને જાણ કર્યા વિના મુંબઈ આવી ગયા, કારણ કે તેઓ ફિલ્મોમાં ગાવા માગતા હતા. મુંબઈ આવ્યા ત્યારે થોડા મહિનાઓ સુધી સંઘર્ષ કરવો પડ્યો. ત્યાર પછી તેમને જાહેરાતોમાં નાના-નાના જિંગલ વર્ક મળવા લાગ્યા. આ દરમિયાન જગજિત સિંહ ગીતો માટે ઘણા સ્ટુડિયોમાં જતા હતા.
આખરે તેમને HMVનાં 2 ગીત મળ્યાં. પહેલું ગીત ‘હોશ કહાં થા’ અને બીજું ‘અપના ગમ ભૂલ ગયે’ હતું. ગીતનું રેકોર્ડિંગ પૂરું થતાં જ પ્રોડક્શનના લોકોએ જગજિત સિંહના ફોટોગ્રાફ્સ માગ્યા. એ સમયે જગજિત સિંહ પાઘડી પહેરતા હતા. નિર્માતાઓએ કહ્યું, જો પાઘડી સાથેની તસવીર કવર પર મૂકવામાં આવે તો લોકો તેમને સામાન્ય શીખ ગણશે.
ગાવાનો ક્રેઝ એટલો બધો હતો કે જગજિત સિંહે કવર ફોટો માટે દાઢી અને વાળ કપાવી લીધા. તેમના પિતા નામધારી શીખોને પસંદ કરતા ન હતા, તેથી જ્યારે જગજિત સિંહે તેમની પાઘડી ઉતારી ત્યારે તેમના પિતા ખૂબ ગુસ્સે થયા હતા. તેમના આ પગલાથી નારાજ તેમના પિતાએ જગજિત સિંહ સાથે સંબંધો તોડી નાખ્યા અને તેમની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું.
પરિણીત ચિત્રાએ જગજિત સાથે રેકોર્ડિંગ કરવાની ના પાડી
સંઘર્ષના દિવસોમાં જગજિત સિંહ અવારનવાર બ્રિટાનિયા બિસ્કિટ કંપનીના ઓફિસર દેબુ પ્રસાદની પાડોશમાં રહેતા ગુજરાતી પરિવારને મળવા આવતા હતા. દેબુ પ્રસાદને ગીતો અને રેકોર્ડિંગમાં એટલો રસ હતો કે તેમણે પોતાના ઘરમાં એક નાનકડો રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવ્યો. જ્યારે લોકો જગજિત સિંહ વિશે જાણવા લાગ્યા તો દેબુ પ્રસાદના ઘરે કેટલીક જિંગલ્સ રેકોર્ડ થવા લાગી.
દેબુ પ્રસાદ તેમના પત્ની ચિત્રા અને પુત્રી મોનિકા સાથે રહેતા હતા. એક દિવસ બાલ્કનીમાં ઊભા રહીને ચિત્રાએ જોયું કે જગજિત ટાઈટ સફેદ પેન્ટ પહેરીને પાડોશીના ઘરે જઈ રહ્યા હતા, ચિત્રાએ જોયું કે જગજિત આવતાંની સાથે જ પાડોશીઓના ઘરમાંથી ગાવાનો અવાજ સંભળાવા લાગ્યો. જ્યારે પણ પાડોશીઓ જગજિતનાં વખાણ કરતા ત્યારે ચિત્રા જવાબ આપતી કે તેને આ છોકરાનો અવાજ પસંદ નથી.
જગજિત સિંહ અને ચિત્રાની તસવીર.
સમય વીતતો ગયો અને જગજિત સિંહને જિંગલ રેકોર્ડિંગમાં કામ મળવા લાગ્યું, જ્યારે ચિત્રા પણ ફેમસ સિંગર બની ગઈ. એક દિવસ જગજિતને દેબુના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ચિત્રા સાથે રેકોર્ડિંગ કરવાનો મોકો મળ્યો, પરંતુ ચિત્રાએ સ્પષ્ટ કહ્યું, ‘હું ભારે અવાજવાળા આ છોકરા સાથે રેકોર્ડિંગ નહીં કરું.’
જગજિતે તેને જવાબ આપ્યો, “તમારી જરૂર પણ નથી.”
ચિત્રાને ગુસ્સો આવ્યો, પણ નવા છોકરાનું અભિમાન જોઈને તે પ્રભાવિત થઈ ગઈ. રેકોર્ડિંગની પ્રક્રિયા શરૂ થઈ અને બંને મિત્રો બની ગયાં.
ચિત્રાના પતિની પરવાનગી લીધા પછી લગ્ન કર્યા, લગ્ન 30 રૂપિયાના ખર્ચે થયા
આ વાત 1968ની છે. ચિત્રાના પતિ દેબુ પ્રસાદે બીજી સ્ત્રી માટે ચિત્રાને છોડી દીધી હતી. દેબુ એક પ્રખ્યાત વ્યક્તિ હતા, તેથી મોટા ભાગના લોકોએ તેને ટેકો આપ્યો અને ચિત્રાથી અંતર રાખ્યું, પરંતુ જગજિત સિંહે ચિત્રાને દરેક પગલે સાથ આપ્યો. જ્યારે ચિત્રા એકલી પડી ગઈ ત્યારે જગજિતે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું.
ચિત્રાએ જવાબ આપ્યો- હું પહેલેથી જ પરિણીત છું અને મારા હજી છૂટાછેડા થયા નથી.
જગજિતે જવાબ આપ્યો- હું રાહ જોઈશ.
દેબુ અને ચિત્રાએ 1969માં છૂટાછેડા લીધા અને દેબુએ ફરીથી લગ્ન કર્યા. છૂટાછેડાના એક દિવસ પછી જગજિત સિંહે દેબુ પ્રસાદનો સંપર્ક કર્યો. તેમણે દેબુને કહ્યું કે તે ચિત્રા સાથે લગ્ન કરવા માગે છે. તેમની હિંમત જોઈને દેબુએ પણ તેમને પરવાનગી આપી. દેબુની પરવાનગી લીધા પછી જ્યારે જગજિત પોતાના પરિવાર પાસેથી પરવાનગી માગવા ગયા ત્યારે દરેક વ્યક્તિ ચિત્રા સાથે તેમના લગ્નની વિરુદ્ધ હતા, કારણ કે ચિત્રા પરિણીત હતાં અને તેને એક બાળક પણ હતું. આમ છતાં બંનેએ પીછેહઠ ન કરી અને 1969માં લગ્ન કરી લીધાં. પુત્રી મોનિકાની કસ્ટડી પણ ચિત્રા પાસે જ રહી.
પુત્રના જન્મ પછી ચિત્રા સાથે સુપરહિટ મ્યુઝિક આલ્બમ બનાવ્યું
લગ્નના એક વર્ષ પછી ચિત્રાએ પુત્ર વિવેકને જન્મ આપ્યો. તેમના પુત્રના જન્મ પછી જ જગજિત સિંહ અને ચિત્રાએ મ્યુઝિક આલ્બમ ‘ધ અનફર્ગેટેબલ’ રિલીઝ કર્યું. જો આ આલ્બમની ગઝલ ‘જો બાત નિકલેગી તો દૂર તક જાયેગી’ ચાર્ટબસ્ટર રહી. અગાઉ, પાકિસ્તાની ઉસ્તાદો ભારતમાં ગઝલ માટે પ્રથમ પસંદ કરતા હતા, પરંતુ જગજિત સિંહ અને ચિત્રા ભારતમાં ગઝલનો નવો યુગ લાવ્યાં.
પુત્ર વિવેક સાથે ચિત્રા અને જગજિત સિંહ.
1966ની ફિલ્મ ‘બહુરૂપી’નું ભજન ‘લગી રામ ભજન કી લગની’ પછી, જગજિત સિંહને 1974ની ફિલ્મ ‘આવિષ્કાર’માં કામ મળ્યું. તેમનું ‘ધ અનફર્ગેટેબલ આલ્બમ’ એટલું હિટ હતું કે તેમનું ગીત ‘બાત નિકલેગી’ 1976ની ફિલ્મ ‘ગૃહપ્રવેશ’માં વપરાયું હતું. જોકે જગજિત સિંહને હિન્દી સિનેમામાં વાસ્તવિક ઓળખ 1981ની ફિલ્મ ‘પ્રેમ ગીત’ના ગીત ‘હોઠોં સે છૂ લો તુમ…’થી મળી હતી.
બીજા જ વર્ષે 1982માં જગજિત સિંહને ત્રણ ફિલ્મ માટે ઘણાં ગીતો મળ્યાં. આમાં સૌથી મોટી હિટ ફિલ્મ હતી ‘અર્થ’, જેમનાં ગીતો ‘ઝુકી ઝુકી સી નજર’…, ‘તુ નહીં તો જિંદગી મેં ઔર ક્યા રહે જાયેગા’… આજે પણ સાંભળવામાં આવે છે. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘સાથ સાથ’નાં ગીતો , ‘યે તેરા ઘર યે મેરા ઘર’… અને ‘તુમકો દેખા તો યે ખયાલ આયા’… પણ એવરગ્રીન છે, જેને જગજિત સિંહે અવાજ આપ્યો હતો. તેમની પ્રતિભાને કારણે જગજિત સિંહને 80ના દાયકામાં ‘ગઝલસમ્રાટ’નું બિરુદ આપવામાં આવ્યું હતું.
પાકિસ્તાનમાં જગજિતની ગઝલો પર પ્રતિબંધ મુકાયો હતો, ગાવા ગયા તો તેમની જાસૂસી કરવામાં આવી
70ના દાયકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હતો. તણાવ વચ્ચે 1979માં જગજિત સિંહને તેમની પત્ની ચિત્રા સાથે કોન્સર્ટ માટે પાકિસ્તાન બોલાવવામાં આવ્યા હતા. જગજિત સિંહ ફ્લાઈટમાં ચઢતાંની સાથે જ ચિત્રાએ એક વ્યક્તિને જોઈ, જે તેના પર નજર રાખી રહી હતી. તે જ્યારે એરપોર્ટથી બહાર નીકળી ત્યારે પણ તે વ્યક્તિ તેની આસપાસ જ હતી.
જ્યારે ચિત્રાએ જગજિત સિંહને કહ્યું, તો તેમને એ માણસનું આવું વર્તન ખટકવા લાગ્યું. બંને પાકિસ્તાનની હોટલમાં પહોંચ્યાં જ હતાં કે થોડીવાર પછી હોટલના રૂમનો બેલ વાગ્યો. જ્યારે તેમણે દરવાજો ખોલ્યો, ત્યારે તેમણે જોયું કે તે જ વ્યક્તિ ત્યાં ઊભી હતી.
જગજિતે માણસને પૂછ્યું – ‘શું તમે અમારી જાસૂસી કરો છો?’
જાસૂસ સંમત થયો અને કહ્યું કે તેને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી દ્વારા આ કામ સોંપવામાં આવ્યું છે. તેમણે આગળ કહ્યું, તે જગજિત સિંહનો મોટો ફેન છે, તેણે પોતાના કોટમાં જગજિત સિંહ માટે ગિફ્ટ છુપાવી હતી. તે ગિફ્ટ અખબારના કાગળમાં લપેટેલી દારૂની બોટલ હતી, કારણ કે તેઓ જે હોટલમાં રોકાયા હતા ત્યાં દારૂની કોઈ જોગવાઈ નહોતી.
જગજિત સિંહનાં ગીતો પર પાકિસ્તાનમાં તેમનો કોન્સર્ટ શરૂ થાય એ પહેલાં જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં જગજિત સિંહને કોન્સર્ટ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જોકે પાકિસ્તાનમાં તેમના ચાહકોની સંખ્યા એટલી હતી કે ત્યાંની પ્રેસ ક્લબે તેમને જગજિત સિંહના ગીતો લોકો સુધી લઈ જવા માટે આમંત્રણ આપ્યું હતું. પ્રેસ ક્લબના કાર્યક્રમમાં જગજિતે ગાયું, જેને સાંભળવા માટે ભારે ભીડ ઊમટી પડી હતી. લેખક સત્ય સરને આ ઘટનાને જગજિત સિંહ પર લખેલા પુસ્તક ‘બાત નિકલેગી તો ફિર – ધ લાઈફ એન્ડ મ્યુઝિક ઓફ જગજિત સિંહ’માં લખી છે. આ કિસ્સો તેમને જગજિત સિંહનાં પત્નીએ સંભળાવ્યો હતો.
ગઝલ ગાતી વખતે એકના એક પુત્રના મૃત્યુના સમાચાર મળ્યા
વાત 1990ની છે, જ્યારે જગજિત સિંહ અને ચિત્રા એક કોન્સર્ટમાં હતાં. કોન્સર્ટ પૂરો થવા જઈ રહ્યો હતો ત્યારે કોઈએ જગજિત સિંહને કોન્સર્ટનું છેલ્લું ગીત ગાવાની વિનંતી કરી. થાકેલા જગજિત સિંહ ગાવાના મૂડમાં નહોતા, પણ લોકોની વિનંતીને ટાળવાનું તેમને યોગ્ય લાગ્યું નહીં. તેમણે ‘દર્દ સે મેરા દામન’ ગાવાનું શરૂ કર્યું. ગઝલ પૂરી થઈ ત્યાં સુધીમાં સભામાં તાળીઓનો અવાજ ગુંજી ઊઠ્યો અને પછી એક વ્યક્તિએ નજીક આવીને જગજિત સિંહને કહ્યું, ‘તમારો પુત્ર લંડનમાં અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. તેમના એકના એક પુત્રના અવસાનના સમાચારે જગજિત સિંહને આઘાતમાં મૂકી દીધા.
થોડા દિવસો પછી જ્યારે તેમના પુત્રના મૃતદેહને અંતિમસંસ્કાર માટે ભારત લાવવામાં આવ્યો ત્યારે તેમની હાલત ખરાબ હતી. જ્યારે અંતિમસંસ્કાર દરમિયાન તેઓ કોન્સર્ટમાં હાજર રહેલી એક વ્યક્તિ જગજિત સિંહને મળી ત્યારે તેમણે દુઃખી સ્વરે કહ્યું, ‘એ રાત્રે ભગવાને મારી પ્રાર્થના સ્વીકારી અને મારા હૃદયને પીડાથી ભરી દીધું.’
પુત્રના મૃત્યુ પછી ચિત્રાએ ગાવાનું છોડી દીધું, મહિનાઓ સુધી આઘાતમાં રહ્યાં
પુત્ર વિવેકના મૃત્યુના આઘાતથી જગજિત સિંહ અને ચિત્રા બંને અંદરથી તૂટી ગયાં. આઘાતમાં બંનેએ ગાવાનું છોડી દીધું. પુત્રને ગુમાવ્યા બાદ જગજિત ખૂબ જ ડિપ્રેશનમાં હતા, પરંતુ ત્યાર પછી લગભગ એક વર્ષ પછી તેમણે લતા મંગેશકર સાથે મ્યુઝિક આલ્બમ ‘સજદા’ સાથે પુનરાગમન કર્યું, પરંતુ ચિત્રાએ ફરી ક્યારેય કોન્સર્ટ કર્યો ન હતો કે કોઈ ગીત રેકોર્ડ કર્યું ન હતું. જગજિત સિંહના કમબેક મ્યુઝિક આલ્બમ ‘સજદા’ના મોટા ભાગનાં 16 ગીત દર્દભર્યાં હતાં. ‘દર્દ સે મેરા દામન ભર દે’ ગીત પણ આ આલ્બમમાં સામેલ હતું.
લતા મંગેશકર પણ જગજિત સિંહના ફેન હતાં
લતા મંગેશકર, જેમણે તેમના કમબેક આલ્બમ ‘સજદા’માં જગજિત સિંહ સાથે ગીત ગાયું હતું, તેઓ તેમના મોટા ફેન હતાં. જગજિત સિંહ જ્યારે પણ મુંબઈમાં કોન્સર્ટ કરતા ત્યારે લતા મંગેશકર હંમેશાં તેમને સાંભળવા ટિકિટ લઈને જતાં.
જ્યારે જગજિતે ફ્લાઈટમાં ગાવાનું શરૂ કર્યું તો અડધા કલાક માટે લેન્ડિંગ મોકૂફ રાખવામાં આવ્યું
લહરેન રેટ્રોના અહેવાલ મુજબ, એકવાર જગજિત સિંહનાં ગીતોના કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટનું લેન્ડિંગ અડધો કલાક મોડું થયું હતું. વાસ્તવમાં જગજિત સિંહે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી જવા માટે ફ્લાઈટ લીધી હતી. ફ્લાઈટ સ્ટાફે જગજિત સિંહને જોયા કે તરત જ તેમની પાસેથી ગીતોની વિનંતી કરવા લાગ્યા. જગજિતે ક્યારેય વિનંતી ટાળી નથી, તેથી તેમણે ગાવાનું શરૂ કર્યું.
આ જોઈને પાઇલટે દિલ્હીના કંટ્રોલ રૂમને ફોન કર્યો અને અડધો કલાક લેન્ડિંગ રોકવાની પરવાનગી માગી. જગજિત સિંહની એવી પ્રતિષ્ઠા હતી કે ફ્લાઈટના લેન્ડિંગને રોકવાની પણ પરવાનગી આપવામાં આવી હતી. લોકોએ જગજિત સિંહનું ગીત સાંભળતાં-સાંભળતાં પ્રવાસીઓએ અડધો કલાક આકાશમાં વિતાવ્યો હતો.
જગજિત 70 કોન્સર્ટનું વચન અધૂરું છોડી ગયા
વર્ષ 2011માં જગજિતે તેમના 70મા જન્મદિવસના અવસર પર એકસાથે 70 કોન્સર્ટ સાઈન કર્યા હતા. યુકે, સિંગાપોર અને મોરિશિયસમાં સફળ કોન્સર્ટ પછી તેઓ ગુલામ અલી સાથે મુંબઈમાં પર્ફોર્મ કરવાના હતા. આ પહેલાં પણ જગજિતને બ્રેઈન હેમરેજના કારણે લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેઓ બે મહિના સુધી કોમામાં રહ્યા અને પછી 10 ઓક્ટોબર, 2011ના રોજ તેમનું અવસાન થયું.
જગજિત સિંહને આ એવોર્ડ મળ્યા હતા
સાહિત્ય કલા અકાદમી પુરસ્કાર- 1998
પદ્મભૂષણ – 2003
રાજસ્થાન રત્ન- 2012