2 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર આજે તેમનો 37મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. શ્રદ્ધા એક્ટર શક્તિ કપૂરની દીકરી છે. શ્રદ્ધાએ ‘એક વિલન’, ‘આશિકી 2’ અને ‘છિછોરે’, સ્ત્રી, તૂં જૂઠી મેં મક્કાર’ જેવી સુપરહિટ ફિલ્મો કરી છે. ‘સ્ત્રી 2’ તેની આગામી ફિલ્મ છે.
સલમાન ખાને સ્કૂલમાં શ્રદ્ધાની એક્ટિંગ ડ્રામા જોયા બાદ ફિલ્મ ‘લકીઃ નો ટાઈમ ફોર લવ’ની ઓફર કરી હતી. આ ઓફરને એક્ટ્રેસે રિજેક્ટ કરી દીધી હતી કારણ કે તે સાઈકોલોજીસ્ટ બનવા માગતી હતી. તે સમયે શ્રદ્ધાની ઉંમર ફક્તને ફક્ત 16 વર્ષની હતી.
નોંધનીય છે કે, શ્રદ્ધાએ 2010માં ફિલ્મ ‘તીન પત્તી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. શ્રદ્ધાની કુલ સંપત્તિ 123 કરોડ છે. એક્ટ્રેસ એક ફિલ્મ માટે લગભગ 5-7 કરોડ રૂપિયા લે છે. ચાલો એક નજર કરીએ શ્રદ્ધાના જીવનના રસપ્રદ તથ્યો પર…
એક્ટિંગ માટે અભ્યાસ છોડ્યો
શ્રદ્ધાનો જન્મ 03 માર્ચ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના માતા-પિતા શક્તિ કપૂર અને શિવાંગી કપૂર છે. શ્રદ્ધાનો ભાઈ સિદ્ધાંત કપૂર પણ એક્ટર છે. શ્રદ્ધાનું બાળપણ મુંબઈમાં જ વીત્યું હતું. તેણીએ જમનાબાઈ નર્સી સ્કૂલ અને અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બેમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. ટાઈગર શ્રોફ અને આથિયા શેટ્ટી તેમના ક્લાસમેટ હતા. સ્કૂલિંગ પછી શ્રદ્ધા બોસ્ટન યુનિવર્સિટીમાં સાઈકોલોજીમાં ગ્રેજ્યુએશન માટે ગઈ હતી, પરંતુ ફિલ્મોમાં કામ કરવા માટે તેમણે પહેલા વર્ષમાં જ પોતાનો અભ્યાસ છોડી દીધો અને ભારત પરત આવી ગઈ હતી.
16 વર્ષની શ્રદ્ધાને એક્ટ્રેસ બનાવવા ઈચ્છતો હતો સલમાન ખાન
સૌથી ખાસ વાત એ છે કે, શ્રદ્ધા 16 વર્ષની હતી ત્યારે તેમની પ્રતિભા સલમાન ખાને જોઈ હતી. આ બાદ સલમાને પોતાની ફિલ્મ ‘લકી : નો ટાઈમ ફોર લવ’માં એક્ટ્રેસ બનવાની ઓફર કરી હતી પરંતુ શ્રદ્ધાએ આ ફિલ્મ ફગાવી દીધી હતી કારણ કે તે સાઈકોલોજીસ્ટ બનવા માગતી હતી. જો કે, બાદમાં શ્રદ્ધાનું નસીબ તેમને ફિલ્મો સુધી ખેંચી ગયું હોય પોતાનો અભ્યાસ છોડીને ભારત આવવું પડ્યું હતું.
ફિલ્મ ‘તીન પત્તી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું
ભારત આવ્યા બાદ શ્રદ્ધાએ ફિલ્મો માટે ઓડિશન આપવાનું શરૂ કર્યું. આ ઓડિશન દ્વારા જ ‘તીન પત્તી’ ફિલ્મ મળી હતી, જે તેમની ડેબ્યુ ફિલ્મ બની ગઈ હતી. તેની પહેલી જ ફિલ્મમાં શ્રદ્ધાએ અમિતાભ બચ્ચન અને આર માધવન જેવા કલાકારો સાથે કામ કર્યું હતું, જોકે આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. શ્રદ્ધા નિરાશ હતી કે તેની પ્રથમ ફિલ્મ ફ્લોપ રહી હતી પરંતુ એક્ટ્રેસે હિંમત ન હારી. આ પછી 2011માં તેમની બીજી ફિલ્મ ‘લવ કા ધ એન્ડ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ ફ્લોપ સાબિત થઈ હતી.
શ્રદ્ધાના કરિયરની બીજી ફિલ્મ પણ ફ્લોપ ગઈ, જેના પછી તેમને કઈ સમજમાં આવતું ન હતું. આ પછી મોહિત સૂરીએ તેમને ફિલ્મ ‘આશિકી 2’ ઑફર કરી હતી. આ ફિલ્મમાં શ્રદ્ધાએ આરોહી નામની સિંગરનો રોલ કર્યો હતો તે 1990ની ફિલ્મ ‘આશિકી’ની સત્તાવાર રિમેક હતી, જેમાં આદિત્ય રોય કપૂર પણ હતા.
બંનેની ઓનસ્ક્રીન જોડી અને એક્ટિંગને દર્શકોએ ખૂબ વખાણી હતી આ ફિલ્મ હિટ રહી હતી અને શ્રદ્ધાને કરિયરમાં જે હિટ થવું હતું તે મળી ગયું હતું. આ પછી શ્રદ્ધાની ઘણી ફિલ્મો બેક ટુ બેક રિલીઝ થઈ હતી, જેમાં ‘એક વિલન’, ‘હૈદર’, ‘એબીસીડી 2’, ‘હાફ ગર્લફ્રેન્ડ’ અને ‘બાગી’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ તમામ ફિલ્મોની ખાસ વાત એ હતી કે દરેક ફિલ્મમાં શ્રદ્ધાના અલગ-અલગ રોલ જોવા મળ્યાં હતા, તે કોઈ ઇમેજથી બંધાયેલી ન હતી, જેનાથી અભિનય પ્રતિભામાં ચાર ચાંદ લાગી ગયા હતા.
‘સ્ત્રી’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું
‘સ્ત્રી’ શ્રદ્ધાની સૌથી ફેમસ ફિલ્મો પૈકી એક છે, જેમાં તે રાજકુમાર રાવ સાથે હતી. આ ફિલ્મમાં એક્ટ્રેસે ભૂતની ભૂમિકા ભજવી હતી. શ્રદ્ધાએ પોતાના કરિયરમાં ‘સાહો’ (2019) અને ‘છિછોરે’ (2019) જેવી ફિલ્મો કરી છે. 2020માં આવેલી ફિલ્મ ‘બાગી 3’માં ટાઇગર શ્રોફ સાથે જોવા મળી હતી, જોકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી. શ્રદ્ધાની ફ્લોપ ફિલ્મો પર તેમના પિતા શક્તિ કપૂરે કહ્યું હતું કે, શ્રદ્ધાપાસે એક અમીર પિતા છે તેથી તેમને કરિયરમાં વધુ ભાર લેવાની જરૂર નથી. તેની ફિલ્મો ફ્લોપ થાય તો પણ કોઈ વાંધો નથી.
શક્તિએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘માણસ તરીકે તેમનાથી બેસ્ટ કોઈ નથી. તેનામાં જે ગુણો છે તે પણ મારામાં નથી. તેમની પાસે સોનાનું હૃદય છે. હું ખુશ છું કે આજે આટલી સફળ હોવા છતાં તે મારી વાત માને છે અને મારી વાત સાંભળે છે અને તેમના જીવનના તમામ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલાં મારી સલાહ લે છે. તેમણે મને તે સન્માન આપ્યું છે. મને જીવનમાં કોઈ ફરિયાદ નથી. ભગવાને મને શ્રદ્ધાના રૂપમાં દેવદૂત આપ્યો છે. તે મારા માટે ભગવાનની ભેટ છે.
ગીત ગાવાનો પણ શોખ છે શ્રદ્ધાને
શ્રદ્ધાને ફિલ્મો ઉપરાંત સિંગિંગનો પણ શોખ છે. તેમણે પોતાની ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે, જેમાં ‘ગલિયાં’, ‘ફિર ભી તુમકો ચાહુંગી’, ‘દો જહાં’ અને ‘સબ તેરા’ જેવા ગીતોનો સમાવેશ થાય છે.
રાહુલ મોદી સાથે નામ જોડાયું છે
શ્રદ્ધા તેની લવ લાઈફને કારણે ઘણી વખત ચર્ચામાં રહી ચુકી છે. આ દિવસોમાં તેમનું નામ ફિલ્મ લેખક રાહુલ મોદી સાથે જોડવામાં આવી રહ્યું છે. બંને છેલ્લાં કેટલાક સમયથી સાથે જોવા મળી રહ્યા છે. હાલમાં જ શ્રદ્ધા અનંત અંબાણીના પ્રી-વેડિંગ માટે રાહુલ સાથે જામનગર પહોંચી હતી, જેના કારણે તેમના સંબંધો વિશે વધુ અટકળો વહેતી થઈ હતી. જોકે, અગાઉ શ્રદ્ધાનું નામ ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે જોડવામાં આવી રહ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં શ્રદ્ધાએ કહ્યું હતું કે બંને ખૂબ સારા મિત્રો છે અને 10 વર્ષથી એકબીજાને ઓળખે છે.
શ્રદ્ધાના લિંકઅપ પર પિતા શક્તિ કપૂરે એકવાર કહ્યું હતું કે, રોહન એક ફેમિલી ફ્રેન્ડ છે, હું તેમના પિતાને ઘણા વર્ષોથી ઓળખું છું. રોહન ઘણીવાર અમારી પાસે આવે છે, પરંતુ તેમણે લગ્ન માટે શ્રદ્ધાનો હાથ માગ્યો નથી. આ સિવાય આજે બાળકો આ બાબતો જાતે નક્કી કરે છે. જો શ્રદ્ધા મને કહે કે તેમણે પોતાનો જીવનસાથી પસંદ કર્યો છે અથવા સિદ્ધાંત પણ તે જ કરે છે, તો હું તરત જ સંમત થઈશ. હું કેમ ના કહીશ? પરંતુ આ સમયે તેનું ધ્યાન કરિયર ઉપર છે. લગ્ન એ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય છે અને જે રીતે બ્રેકઅપ થઇ રહ્યા છે તે મને ક્યારેક પરેશાન કરે છે. આ નિર્ણય લેતા પહેલાં વ્યક્તિએ ખાતરી કરવી જોઈએ. રાહુલ અને રોહન પહેલાં શ્રદ્ધાનું નામ ફરહાન અખ્તર અને આદિત્ય રોય કપૂર સાથે પણ જોડાયું હતું.
શ્રદ્ધાએ ફરહાન સાથે 2016ની ફિલ્મ ‘રોક ઓન 2’માં કામ કર્યું હતું ત્યારે જ તેમના અફેરના સમાચારો સામે આવવા લાગ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શક્તિ કપૂર પોતાની દીકરીના મોટા અને પરણિત ફરહાન સાથેના અફેરના સમાચાર સાંભળીને ગુસ્સે થઈ ગયા હતા. તે પોતે ફરહાનના ઘરેથી શ્રદ્ધાને લેવા માટે ગયા હતા. જોકે બાદમાં તેમણે આ તમામ સમાચારોને અફવા ગણાવી હતી.
‘સ્ત્રી 2’માં જોવા મળશે
2023 શ્રદ્ધા માટે ઘણું સારું સાબિત થયું. તેની ફિલ્મ ‘તૂં જૂઠી મેં મક્કાર’ હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં શ્રદ્ધાની અને રણબીર કપૂરની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મે ગ્લોબલ માર્કેટના બોક્સ ઓફિસ પર લગભગ 220 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે 2024માં શ્રદ્ધા ફિલ્મ ‘સ્ત્રી 2’માં જોવા મળશે. આ સિવાય તેમની પાસે ફિલ્મ ‘નાગિન’ છે. આ એક ટ્રાયલોજી ફિલ્મ હશે જેમાં નાગીનની વાર્તા ત્રણ સિરીઝમાં બતાવવામાં આવશે. જેમાં શ્રદ્ધા મુખ્ય પાત્રમાં જોવા મળશે. તે ઈચ્છાધારી નાગીનનું પાત્ર ભજવશે.
શ્રદ્ધા કપૂરે શ્રીદેવી પાસેથી પ્રેરણા લીધી
આ ફિલ્મની ઘોષણા કરતી વખતે શ્રદ્ધાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું – સ્ક્રીન પર નાગિનનું પાત્ર ભજવવું મારા માટે ખૂબ જ આનંદની વાત છે. હું શ્રીદેવી મેડમની ‘નગીના’ અને ‘નિગાહે’ જોઈને મોટી થઇ છું. હું હંમેશા ભારત સાથે જોડાયેલી વાર્તામાં સમાન ભૂમિકા ભજવવા માગતી હતી. શ્રદ્ધાની ફિલ્મ ‘નાગિન’ નિખિલ દ્વિવેદી, વિશાલ ફુરિયા અને સેફ્રોન બ્રોડકાસ્ટ દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.
‘છિછોરે’ની સિક્વલમાં કામ કરવા ઈચ્છે છે શ્રદ્ધા
શ્રદ્ધાની કરિયરમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ‘છિછોરે’ પણ બીજા ક્રમે છે. આ ફિલ્મે વિશ્વભરમાં 215 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત પણ લીડ રોલમાં હતો. શ્રદ્ધાએ આ ફિલ્મની સિક્વલમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે- આ ફિલ્મ મારા દિલની ખૂબ જ નજીક છે. જો તેનો પાર્ટ 2 બનાવવામાં આવે તો તે ખરેખર મજેદાર હશે પરંતુ સ્વાભાવિક છે કે આપણે સુશાંત સિંહ રાજપૂતને ખૂબ જ મિસ કરીશું.
એક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા ફી
શ્રદ્ધાની કુલ સંપત્તિ અંદાજે 123 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ફિલ્મો ઉપરાંત એડ એન્ડોર્સમેન્ટ અને મોડલિંગ પણ શ્રદ્ધાની કમાણી થાય છે. તે Lipton, Dulux અને Lakme Indiaની ઓફીશીયલ બ્રાન્ડ એમ્બેસેડર છે. આ સિવાય તેમણે 2015માં ફેશન બ્રાન્ડ ‘લેબલ ઈમારા’ પણ લોન્ચ કરી હતી. એક્ટ્રેસે કહ્યું કે પોતાની ફેશન લાઇન બનાવવાનું હંમેશા તેનું સપનું હતું, જે ‘લેબલ ઇમારા’ પછી પૂરું થયું.
4 કરોડની લેમ્બોર્ગિની ચલાવે છે શ્રદ્ધા
શ્રદ્ધા મુંબઈના જુહુ વિસ્તારમાં સમુદ્ર તરફના બંગલામાં રહે છે. શ્રદ્ધાને લક્ઝુરિયસ કારનો શોખ છે, ગત વર્ષે જ Lamborghini Huracan Technica કાર ખરીદી હતી. ભારતમાં આ કારની કિંમત 4.04 કરોડ રૂપિયા છે. તેની પાસે પહેલેથી જ રૂ. 80 લાખની કિંમતની Audi Q7, રૂ. 2 કરોડની BMW 7 અને રૂ. 1 કરોડથી વધુની મર્સિડીઝ-બેન્ઝ GLE છે.